વાસુદેવ, નિર્મલ [જ. 2 જૂન 1936, કરાંચી, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી કવિ અને નાટ્યકાર. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી. ઈ. હિંદીમાં પરિચય અને સંસ્કૃતમાં ઉત્તમાની પદવીઓ મેળવી હતી. તેઓ નાયબ મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા છે.
તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં તેમની ઉલ્લેખનીય કૃતિઓ તરીકે ‘મુન્હિંજા સુર એન તુન્હિંજા ગીત’ (1970); ‘હાઈ હાટ’ (1987) અને ‘ગાલિયોં દિલજાં’ (1992) કાવ્યસંગ્રહો; ‘બોદા અચી મિડિયા’ (1972); ‘બિના દેતી લેતી શાદી’ (1978) અને ‘સાસ રી સાસ’ (1980) એકાંકી તથા ‘ચૂંડ મરાઠી કહાનિયોં’ (1982) – એ મરાઠીમાં અનૂદિત વાર્તાસંગ્રહનો સમાવેશ થાય છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1972માં સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ; 1991માં સેન્ટ્રલ હિંદી ડિરેક્ટોરેટ ઍવૉર્ડ અને સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ અર્પવામાં આવ્યાં છે.
બળદેવભાઈ કનીજિયા