વાસુદેવ, એસ. જી.

January, 2005

વાસુદેવ, એસ. જી. (જ. 1941, મૈસૂર, કર્ણાટક, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. 1968માં વાસુદેવ ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી ચિત્રકલાના સ્નાતક થયા. એ પછી દેશવિદેશમાં ઘણાં સમૂહ-પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો. 1972 પછી મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને બૅંગાલુરુમાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શન કર્યાં.

વાસુદેવની કલામાં શોભનશૈલીમાં નાગદેવતા, નાગપૂજા, વટવૃક્ષ, વટવૃક્ષપૂજા, વૃક્ષદેવતા આદિ તેમજ વન્ય જીવો અને વન્ય દેવતાઓ નિરૂપિત જોવા મળે છે. વાસુદેવનાં ચિત્રો બહુધા એકરંગી છે. મોટેભાગે ભૂખરા, કથ્થાઈ અને ગેરુઆ લાલ રંગોમાંથી એક પસંદ કરી તેને આછા-ઘેરા કરીને તે આકૃતિઓ ઉપજાવે છે. 1967માં તેમને દિલ્હીની રાષ્ટ્રીય લલિત કલા અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયેલો. આ ઉપરાંત કર્ણાટક અને તમિલનાડુની લલિતકલા અકાદમીઓના ખિતાબોથી પણ તેમની નવાજેશ થઈ છે.

વળી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, હૈદરાબાદના સલારજંગ મ્યુઝિયમ અને બેગાલુરુના સ્ટેટ મ્યુઝિયમમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે સંઘરાયાં છે. હાલમાં તેઓ ચેન્નઈમાં રહીને કલાસર્જન કરે છે.

અમિતાભ મડિયા