વાસુદેવય્યા, સી.

January, 2005

વાસુદેવય્યા, સી. (જ. 1852; અ. 1943) : કન્નડ લેખક. તેઓ મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ થોડો વખત શિક્ષક બન્યા. પછી શિક્ષણ ખાતામાં મદદનીશ તરીકે જોડાયા. તેમની ભાષા તેલુગુ હોવા છતાં તેઓ કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃત તેમજ બંગાળીના નિષ્ણાત હતા.

તેમણે અતિ લોકપ્રિય એવા 3 ગ્રંથ આપ્યા છે. ‘આર્યકીર્તિ – ભાગ 1’, ‘આર્યકીર્તિ – ભાગ 2’ અને ‘ભીમચરિત્ર’. ‘આર્યકીર્તિ – ભાગ 1’ રાજપૂત પરાક્રમી પુરુષો અંગેના રજનીકાન્ત ગુપ્તાના બંગાળી પુસ્તકનો અનુવાદ છે. ‘આર્યકીર્તિ – ભાગ 2’ શિવાજી અંગે મરાઠીમાં લખાયેલ સત્યચરણ શાસ્ત્રીના ગ્રંથનો અનુવાદ છે. ‘ભીમચરિત્ર’માં તેમણે મહાભારતના ભીમનું ચિત્ર આલેખ્યું છે.

તેઓ અદ્યતન કન્નડ ગદ્યના એક અગ્રેસર ગણાય છે. તેમણે કન્નડ સાહિત્યમાં રેનેસાંસ પહેલાં વાચકોના મનમાં અટલ શૌર્ય અને ભાવપૂર્ણ દેશભક્તિની સુદૃઢ છાપ ઉપસાવીને મરાઠી તેમજ બંગાળી પરના તેમના પ્રભુત્વની પ્રતીતિ કરાવી હતી. આ પ્રકારના સાહિત્યિક પ્રદાન બદલ 1942માં કન્નડ સાહિત્ય પરિષદ તરફથી તેમને સન્માનવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા