વાસવાણી, હરીશ (જ. 22 નવેમ્બર 1940, લોરાલાઈ, બલૂચિસ્તાન, સિંધ) : સિંધી ભાષાના કવિ, વાર્તાકાર અને સમીક્ષક. 1959થી આદિપુર(કચ્છ)માં સ્થાયી થયા છે. 1961માં બી.એ.ની પરીક્ષા આપી અને યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. અલીગઢ યુનિવર્સિટીમાંથી ત્રણ વિષયોમાં અનુસ્નાતક થયા – પૉલિટિકલ સાયન્સ (1964), અંગ્રેજી (1968) અને હિન્દી (1970). 1962થી તોલાણી આર્ટ્સઅને સાયન્સ કૉલેજ, આદિપુર ખાતે અધ્યાપક તરીકે જોડાયા. પૉલિટિકલ સાયન્સ અને અંગ્રેજી વિષયનું અધ્યાપન કર્યું. 2001માં નિવૃત્ત થયા.
હરીશ વાસવાણીની પ્રથમ ટૂંકી વાર્તા ‘મુસ્કરાહટ’ 1960માં ‘નઈ દુનિયા’ સામયિકમાં છપાઈ. તેઓ કવિતા લખવા તરફ પણ પ્રેરાયા અને ‘આકાશ ઐં ધરતી’ કવિતા લખી, જે ‘સંગીતા’ માસિકમાં પ્રસિદ્ધ થઈ. તે પછી તેઓ ટૂંકી વાર્તા અને કાવ્યક્ષેત્રે સતત ક્રિયાશીલ રહ્યા. 1976માં એમનો ’40-76’ નામનો પ્રથમ કાવ્યસંગ્રહ અને 1980માં ’40-80’ નામનો બીજો વાર્તાસંગ્રહ પ્રસિદ્ધ થયા. એમની કૃતિઓ નવાં વિચારબીજ ધરાવતી અને નવીન પ્રકારની હોઈ તેઓ પોતાનું નામ આ ક્ષેત્રે ઉપસાવી શક્યા. એમણે સમીક્ષક તરીકે પણ ઉલ્લેખનીય કામ કર્યું છે અને સિંધીના અગ્રણીય સમીક્ષકોમાંના એક ગણાયા છે. ‘1984માં’ શીર્ષકથી પ્રસિદ્ધ થયેલા એમના સંગ્રહમાં કેટલાંક પુસ્તકોની તદ્દન નવા પ્રકારની, નવીન દૃષ્ટિની સમીક્ષાઓ ઉપરાંત સમીક્ષાત્મક લેખો સમાવિષ્ટ છે. આ પુસ્તક માટે એમને 1987માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો. એમના અન્ય સંગ્રહોમાં ‘બુડી ઐં ટે બુડિયૂં’ (મીંડું અને ત્રણ મીંડાં – 2001) મિશ્ર સાહિત્યિક કૃતિઓનો સંગ્રહ છે. જેમાં 69 પૃષ્ઠોમાં પથરાયેલું કચ્છનું યાત્રાવર્ણન ‘રેત જે આકાશ મેં ધરતીઅ જી ખોજ’ એક સમીક્ષકની બારીક દૃષ્ટિએ લખાયેલ કૃતિનો અનોખો નમૂનો છે.
ટૂંકી વાર્તા, કવિતા અને સમીક્ષાના ક્ષેત્રમાં એકસાથે નોંધપાત્ર ફાળો આપનારા હરીશ વાસવાણીએ આ ત્રણેય સાહિત્યપ્રકારોમાં સંપૂર્ણ જવાબદારી અને સભાનતાથી લખ્યું છે. એમની કવિતા અને વાર્તાઓમાં નાવીન્ય જોવા મળે છે. કવિતામાં તાજગી છે તો વાર્તાઓમાં દર્શનશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનો સ્પર્શ છે. એમની શૈલી સુંદર અને આધુનિક છે. શબ્દોના તેઓ કલાકાર છે. શ્રેષ્ઠ વક્તા છે. એમની કવિતા મુખ્યત્વે અછાંદસ છે અને તેમાં ઘણા પ્રયોગો પણ કર્યા છે. સમીક્ષક તરીકે તેઓ વિષયની દરેક બાબતમાં ઊંડા ઊતર્યા છે અને તટસ્થ રહ્યા છે.
કૃતિઓમાં નાવીન્યની સાથે એમના સંગ્રહોના શીર્ષકોમાં પણ નાવીન્ય જોવા મળે છે. દરેક પુસ્તકનું શીર્ષક બે આંકડાઓનું છે : ’40-76’, ’40-80’ અને ’40-84’. પહેલો આંકડો લેખકનો જન્મવર્ષ બતાવે છે તો બીજો આંકડો જે તે પુસ્તકનું પ્રકાશનવર્ષ નિર્દેશે છે.
એમણે સંપાદનો પણ કર્યાં છે. 1981માં આદિપુર ખાતે યોજાયેલ અખિલ ભારત સિંધી સાહિત્ય સંમેલન વખતે વિદ્વાનોએ રજૂ કરેલાં વક્તવ્યોનો સંગ્રહ ‘શબ્દ ઐં સંસ્કૃતિ’ (1982) અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ‘સિંધી તન્કીદ’ (1985) આ સંદર્ભે ઉલ્લેખનીય છે.
ગુજરાતી પત્રકારત્વમાં પણ હરીશ વાસવાણીનું પ્રદાન રહ્યું છે. ‘કચ્છમિત્ર’ દૈનિકમાં 1989માં એમણે ‘સંસ્કારસિંધુ’ નામની કટાર શરૂ કરી. સિંધી સાહિત્ય, કળા, સંસ્કૃતિ વગેરેને આવરી લઈને એ કૉલમમાં વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવતું. આ કૉલમ લગભગ 5 વર્ષ ચાલી. 1994થી ‘મંચ’ નામની કૉલમ શરૂ કરી, જે પણ લગભગ સાડા ચાર વર્ષ ચાલી. 1995માં ‘સમવાય’ કૉલમ શરૂ કરી. 1999થી એ જ કૉલમ અઠવાડિયામાં બે વાર પ્રસિદ્ધ થવા લાગી. એ કૉલમ હજી ચાલુ છે. દર બુધવારે ‘પરાગ’ પૂર્તિમાં અને દર રવિવારે ‘સુખાબ’ પૂર્તિમાં તે પ્રસિદ્ધ થાય છે.
હુંદરાજ બલવાણી