વાસણ-ઉદ્યોગ : વાસણ બનાવવાનો ઉદ્યોગ. માનવ-સંસ્કૃતિની પ્રગતિ સાથે મનુષ્યે ખેતી અને પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો હતો. સ્થાયી જીવન માટે આવશ્યક અન્ન, કપડાં તથા મકાનની જરૂરિયાત સ્વીકારી હતી. અનુભવે તેને શીખવ્યું હતું કે કાચા ખોરાક કરતાં પકવેલ ખોરાક પચવામાં સુગમ હોય છે અને મીઠો લાગે છે; પરંતુ અન્ન પકવવા માટેનાં વાસણો બનાવવાનો પ્રારંભ ક્યારે અને ક્યાંથી થયો તેની વિશ્વાસપાત્ર માહિતી ઉપલબ્ધ નથી. વિશ્વમાં વિવિધ સંસ્કૃતિઓનો આરંભ અલગ અલગ ખંડમાં થયો હતો; તેથી દરેકે અન્ન પકવવા માટે આવશ્યક ચીજવસ્તુઓ પોતપોતાની રીતે પ્રાપ્ત કરી હશે અને પર્યાવરણને અનુલક્ષીને પોતાનાં સાધનોનો વિકાસ કર્યો હશે તેમ અનુમાન કરી શકાય.
ઈ. પૂ. 10000 પહેલાં ક્યુષુ (Kyushu), જાપાનમાં રહેતી આદિમ પ્રજાએ માટીનાં પાત્રોને તડકામાં સૂકવીને ઉપયોગમાં લેવાનો આરંભ કર્યો હતો તેવી માહિતી મળે છે. ગુફામાં ઠંડીથી આરક્ષણ મેળવવા સળગાવેલ અગ્નિના તાપથી પાત્રો પાકાં થયાં હશે તેમ અનુમાન કરી શકાય. ઈ. પૂ. 9000 પહેલાં તુર્કસ્તાનના આનાતોલિયાના પહાડોમાંથી તાંબું મેળવવામાં આવતું હતું. સાયપ્રસ દ્વારા તેનો વ્યવહાર થવાથી તેનું નામ ‘કૉપર’ પડ્યું હતું. ઈ. પૂ. 7500ના અરસામાં ચીનમાં માટીનાં વાસણો સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતાં હતાં. ક્રમશ: તે કળા એશિયા, મધ્યપૂર્વ અને આફ્રિકાના દેશોમાં ફેલાઈ ગઈ. આ સમય દરમિયાન માટીનાં વાસણોને પકવવાની ભઠ્ઠીની પણ શોધ થઈ. ઊંચા તાપમાનથી સંધાઈ ગયેલ વાસણની તડો પ્રવાહીને ગળતું રોકતી હતી.
ઈ. પૂ. 3400 પહેલાં ઇજિપ્તના રાજા મેનિસના સમયમાં ચિત્રકામ કરેલ માટીનાં વાસણો મળી આવ્યાં છે. તેવી જ રીતે ઈ. પૂ. 1500ના અરસાના થિબ્સ અને બેની-હસનની કબરોમાંથી માટીનાં વાસણો મળ્યાં છે. ઇજિપ્તના કુંભારો પગથી માટી ખૂંદી, ચાકડા પર મૂકી વિવિધ ઘાટનાં વાસણો તૈયાર કરતા હતા. ત્યારબાદ આવશ્યકતા અનુસાર તેના પર કાંઠા કે હાથા ચઢાવતા હતા અને ચિત્રકામથી સુશોભિત કરતા હતા. અમીરો ચાંદી, હાથીદાંત, કાચ, કાંસું, પથ્થર વગેરેનાં વાસણોથી ગૃહનું સુશોભન કરતા હતા; જ્યારે સામાન્ય નાગરિક ઢોળ ચઢાવેલ ચમકદાર અથવા સાદાં માટીનાં વાસણો પ્રદર્શિત કરતા હતા.
ઈ. પૂ. 2700માં વિકાસ પામેલી સિંધુ-સંસ્કૃતિના મોહેં-જો-દડોમાંથી મળી આવેલ અવશેષોમાંથી વિવિધ ઘાટનાં તાંબું તથા માટીનાં વાસણો – ગાગર, તુંબડી, કૂલડી, પ્યાલા, વાટકા, કથરોટ, માટલાં, મોટી કૂંડીઓ વગેરે – મળી આવ્યાં છે. કેટલાંક વાસણો સફેદ લાલ કે જાંબુડિયા રંગનાં છે તો કેટલાંકમાં માટી, ચૂનો, રેતી કે અબરખનું મિશ્રણ કરેલ માલૂમ પડે છે. ગુજરાતમાં લાંઘણજ, રંગપુર, હિદપુર વગેરે સ્થળોએથી તે જ સમયનાં માટીનાં વાસણો મળી આવ્યાં છે.
ઈ. પૂ. 2000ના ગાળામાં ક્રીટના કુંભારો માટી પર કલાઈનો ઢોળ ચઢાવી તેને પકવીને પૉર્સલિનનાં સફેદ, નાજુક અને કીમતી વાસણો બનાવતા હતા. સીસાનો ઢોળ ચઢાવવાથી પાત્રો જલસહ (waterproof) થાય છે, તેવી તેમણે શોધ કરી હતી. ઇજિપ્તમાં તાંબા સાથે કલાઈનું મિશ્રણ કરી કાંસામાંથી હથિયારો, અલંકારો તેમજ વાસણો બનાવવામાં આવતાં હતાં. ક્વેટાની ખીણમાંથી તાંબું, સીસું, કાંસું વગેરેની ચીજો મળી આવી છે. ઈ. પૂ. 2000માં ચીનમાં શાંગ વંશના સમયમાં નકશીકામ કરેલ કાંસાનાં વાસણોનો ઉપયોગ પ્રચલિત હતો.
ઈ. પૂ. 1500માં ઇજિપ્ત અને મેસોપોટેમિયામાં કાચનાં વાસણો બનાવવાની કળા હસ્તગત હતી. ગ્રીક પ્રજા ઢોળવાળાં વાસણો પર ચિત્રકામ કરી સુંદર કલામય પાત્રો બનાવતી હતી. રોમનો પહેલાં ઇટાલીમાં વસેલી એટ્રુસન પ્રજામાં માટીનાં વાસણોનો ઉપયોગ પ્રચલિત હતો. માટીની કોઠીઓ અનાજ, સોમરસ વગેરેના સંગ્રહ માટે વપરાતી હતી. ગ્રીક, એટ્રુસન અને ફિનિશિયન પ્રજામાં ચાંદીનાં વાસણો વપરાશમાં લેવાતાં હતાં; પરંતુ તેનો ઉપયોગ ધાર્મિક કાર્યો પૂરતો સીમિત હતો. ગ્રીસમાંથી નિર્યાત થતાં ચાંદીનાં વાસણો પર તેનાં વજનની નોંધ મૂકવામાં આવતી હતી. ઈ. પૂ. 600 વર્ષ પહેલાં ચીનમાં લોખંડ, કાંસું, ચાંદી, માટી વગેરેનાં વાસણો ઉપયોગમાં લેવાતાં હતાં. ચીનાઓએ કેઓલીન(સફેદ માટી)માં ફેલ્સ્પાર મિશ્ર કરી 1400° સુધી તપાવી એક પારદર્શક કઠોર પદાર્થ બનાવ્યો હતો; જે ઘંટની જેમ રણકતો હતો. આઠમી અને નવમી સદીમાં બાયઝેન્ટાઇન સામ્રાજ્યમાં કાંસાનાં વાસણો-સુરાહીઓ વગેરે બનાવવામાં આવતાં હતાં. તાંબા પર ચાંદીનો ઢોળ ચઢાવી નકશીકામની કળા પણ પ્રચલિત હતી.
ઇસ્લામિક ધર્મગુરુઓના પ્રતિબંધને કારણે સોનું કે ચાંદીનાં વાસણોનો ઉપયોગ સીમિત રહ્યો હતો. બારમીથી ચૌદમી શતાબ્દીમાં ઇટાલીમાં તાંબા પર સોનાનો ઢોળ ચઢાવેલ પ્યાલાનું વિશાળ જથ્થામાં ઉત્પાદન કરાતું હતું. કોલંબસે અમેરિકાની શોધ કરી તે સમય પહેલાં ત્યાં સોનું, ચાંદી, તાંબું, સીસું, માટી વગેરેનાં વાસણો વપરાશમાં હતાં. તેમની વાસણોના ઉત્પાદનની પદ્ધતિ પણ ઉચ્ચ પ્રકારની જણાઈ હતી. આફ્રિકામાં મુખ્યત્વે લોખંડનાં વાસણો પ્રચલિત હતાં. ઇંગ્લૅન્ડમાં પ્યુટર નામથી જાણીતી મુખ્યત્વે કલાઈ, સીસું, ઍન્ટિમની, તાંબું, બિસ્મથ અને જસત મિશ્ર કરીને બનાવેલ ધાતુમાંથી ડાઘ ન પડે તેવાં સફેદ વાસણો બનાવવામાં આવતાં હતાં; પરંતુ તે પ્રચલિત બની શક્યાં ન હતાં. ઈ. સ. 1742માં ઇંગ્લૅન્ડમાં થૉમસ બાલ્સોવ્હરે તાંબું અને ચાંદી મિશ્ર કરીને ‘શેફિલ્ડ પતરું’ નામ આપી વિશાળ જથ્થામાં વાસણો બનાવ્યાં હતાં; પરંતુ તેનો ઉપયોગ અમીર વર્ગ પૂરતો સીમિત રહ્યો હતો.
ઈ. સ. 1707માં ઇટાલીના જ્હૉન બોટગરે પોચી માટી(soft clay)ની શોધ કરી, ચિનાઈ માટીનાં વાસણો બનાવવાની પદ્ધતિમાં વિકાસ કર્યો હતો. ઈ. સ. 1710માં ડ્રેસ્ડન પાસે વિશાળ માત્રામાં કાચનાં વાસણો બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. તે જ વર્ષમાં ચિનાઈ માટીમાં ભસ્મ ઉમેરી બોન ચાઇના તરીકે પ્રચલિત કાચનાં વાસણો બનાવવાનો પ્રારંભ થયો હતો. જોશિયાર વૂડવર્ડે સ્ટેફૉર્ડશાયરમાં ઊંચી ગુણવત્તાવાળાં ચિનાઈ માટીનાં વાસણો વિશાળ જથ્થામાં બનાવી કિફાયત કિંમતે વેચવાની શરૂઆત કરી હતી. ઈ. સ. 1913માં હેરી બ્રિયર્લીએ શોધ કરી હતી કે લોખંડમાં ક્રોમિયમ ઉમેરવાથી તેને કાટ લાગતો નથી. ત્યારબાદ સ્ટેનલેસ સ્ટીલની ગુણવત્તામાં વૃદ્ધિ કરવા નિકલ વગેરે ધાતુઓ પણ આવશ્યકતા પ્રમાણે ઉમેરવાનું આયોજન કર્યું હતું. આજે સ્ટેનલેસ સ્ટીલના પતરાનો ઉપયોગ ગૃહવપરાશનાં વાસણો બનાવવામાં થાય છે. ઈ. સ. 1886માં ચાર્લ્સ હૉલ અને પૉલ હેરોલ્ટે શોધ કરી હતી કે ક્રાયૉલાઇટમાંથી વીજળી પસાર કરવાથી વિશાળ જથ્થામાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન કરી શકાય છે. ઍલ્યુમિનિયમનાં વાસણોનો ઉપયોગ ગણનાપાત્ર માત્રામાં નીચલા વર્ગની પ્રજા કરે છે.
ધાતુદાબક યંત્રની (metal press) શોધ થઈ ત્યાં સુધી સઘળાં વાસણો હાથથી ટીપીને જ ઘડવામાં આવતાં હતાં. તેનું ઉત્પાદન સ્થાનિક પ્રાદેશિક વિસ્તાર પૂરતું મર્યાદિત રહેતું હતું. ગતિશીલ પરિવહન-સેવાઓ ઉપલબ્ધ થઈ તે પહેલાં દૂરના પ્રદેશોમાં વેચાણનો પ્રશ્ન પણ ખાસ અગત્યનો ગણાતો ન હતો; પરંતુ ધાતુદાબક યંત્રની શોધ તેમજ વરાળયંત્રો અને જેટ વિમાનોની શોધે વૈશ્વિકીકરણની પ્રક્રિયાને ગતિશીલ બનાવી હતી. ઇંગ્લૅન્ડમાં શોધાયેલ પ્રેશર-કૂકરો આખી દુનિયામાં વપરાતાં થયાં છે; આમ છતાં ભારતનો આ બિનસંગઠિત ઉદ્યોગ મુખ્યત્વે પ્રાદેશિક બજારો પૂરતો જ વાસણોનું ઉત્પાદન કરતો રહ્યો છે.
સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો બહોળા પ્રમાણમાં વપરાય છે; જ્યારે ઍલ્યુમિનિયમનાં વાસણોનો મહત્તમ ઉપયોગ નબળા વર્ગના લોકો કરે છે. ખોરાક દાઝી કે ચોટી ન જાય તે માટે ટેફલોન આચ્છાદિત વાસણો પ્રચલિત થતા જાય છે. ચાંદી અને તાંબાનાં વાસણોનો ઉપયોગ મહદંશે ધાર્મિક કાર્યો પૂરતો સીમિત રહ્યો છે; જ્યારે લોખંડનાં વાસણો વિશિષ્ટ કાર્યો માટે જ ઉપયોગમાં લેવાય છે.
જિગીષ દેરાસરી