વાસન, એસ. એસ. (જ. 10 માર્ચ 1903, તિરુતિરાઇપુન્ડી, જિ. તાંજાવુર, તામિલનાડુ; અ. 26 ઑગસ્ટ 1969) : દક્ષિણ ભારતના મહાન ચલચિત્રનિર્માતા-દિગ્દર્શક. તેમનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો. મૂળ નામ તિરુતિરાઇપુન્ડી સુબ્રહ્મણ્ય શ્રીનિવાસન ઐયર. નાનપણમાં પિતાનું મૃત્યુ થતાં માતા સાથે તેઓ ચૈન્નાઈ આવીને વસ્યા હતા. ઇન્ટરમીડિયેટ પાસ કરીને તેમણે વિજ્ઞાપનક્ષેત્રે ઝંપલાવ્યું હતું. એ વખતે વિજ્ઞાપનક્ષેત્ર કોઈ મોટો વ્યવસાય નહોતો, પણ વાસનને તેના સંચાલનમાં કોઈ મુશ્કેલી ન પડી. પહેલાં તો તેમનો ઇરાદો પ્રકાશનક્ષેત્રે જવાનો હતો અને એ માટે તેમણે બી. વી. અય્યર પાસેથી એક સાપ્તાહિક ‘આનંદ વિકાટન’ ખરીદી લીધું. આ સાપ્તાહિક બંધ થવાને વાંકે ચાલુ હોય એ સ્થિતિમાં હતું; પણ વાસને થોડા જ સમયમાં તેને પગભર કરી દીધું. આજે પણ તે ખૂબ સારો ફેલાવો ધરાવે છે. તેમણે પોતાના આ સાપ્તાહિકમાં લેખનકાર્ય પણ શરૂ કર્યું. તેમની વાર્તાઓ તેમાં પ્રગટ થવા માંડી. આવી જ એક વાર્તા ‘સતી લીલાવતી’ પરથી એક સફળ ચલચિત્રનું પણ સર્જન થયું. જેમાં સમય જતાં અભિનેતા અને રાજકારણી બનેલા એમ. જી. રામચંદ્રને પણ નાનકડી ભૂમિકા ભજવી હતી અને આ તેમનું પ્રથમ ચલચિત્ર હતું. ચલચિત્રક્ષેત્રે વાસને વિતરક તરીકે પ્રવેશ કર્યો હતો. થોડા સમય બાદ એક સરકારી હરાજીમાં તેમણે સ્ટુડિયો ખરીદી લીધો ને પોતાની જન્મની રાશિ મુજબ તેને જૈમિની નામ આપીને પુન: ધમધમતો કર્યો.

બાળપણમાં માતા પાસેથી સાંભળેલી ધાર્મિક વાર્તાઓ અને લોકકથાઓનો ઉપયોગ તેમણે સામાન્ય લોકોના મનોરંજન માટે ચલચિત્રો બનાવીને કરવા માંડ્યો. એમાં તેમને ખૂબ સફળતા પણ મળી. તેમનામાંના સંચાલનના અદ્ભુત ગુણે તેઓ ચલચિત્રના નિર્માણક્ષેત્રે પણ સફળ થયા. ચલચિત્ર-ઉદ્યોગને સરકારની માન્યતા અપાવવા તેમણે ઘણા પ્રયાસ કર્યા અને આ ઉદ્યોગની સમસ્યાઓ અંગે લોકોને જાગ્રત કર્યા. રાજ્યસભામાં નિયુક્તિ થયા બાદ ત્યાં પણ તેમણે આ ઉદ્યોગના પ્રશ્નો ઉઠાવ્યા હતા. 1948માં તેમણે બનાવેલું ‘ચંદ્રલેખા’ એ સમયનું સૌથી ખર્ચાળ ચિત્ર હતું. તેનો ખૂબ પ્રચાર પણ કરાયો હતો અને તેનું એવું ભવ્ય રીતે નિર્માણ કરાયું હતું કે તેને મળેલી વ્યાવસાયિક સફળતાને પગલે આવાં ખર્ચાળ અને ભવ્ય ચલચિત્રોના નિર્માણનો ચીલો શરૂ થયો. 1951માં વાસને ‘સંસાર’નું નિર્માણ કર્યું. મધ્યમ વર્ગની ગરીબાઈનું તેમાં ચિત્રણ કરાયું હતું. દિલીપકુમાર અને દેવ આનંદને લઈને 1955માં ચિત્ર ‘ઇન્સાનિયત’ બનાવ્યું. વાસન ભવ્ય અને ખર્ચાળ ચિત્રોના નિર્માણ માટે તો જાણીતા બન્યા જ, પણ તેમણે મેળવેલી બીજી એક સિદ્ધિ એ હતી કે તેમણે ચલચિત્રનિર્માણને એક સ્વચ્છ વ્યવસ્થા આપી હતી, જે અમેરિકાના મોટા સ્ટુડિયોની પરંપરા સમાન હતી. તેને કારણે વાસનને ભારતના ‘સેસિલ બી ડિમેલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસનના જૈમિની સ્ટુડિયો અને તેમની નિર્માણસંસ્થા જૈમિનીએ લગભગ ત્રણ દાયકા સુધી ચલચિત્રનિર્માણક્ષેત્રે દબદબો જાળવી રાખ્યો હતો. આ દરમિયાન તેમણે હિંદી, તમિળ અને તેલુગુમાં અનેક સફળ ચિત્રોનું નિર્માણ કર્યું હતું. તમિળનાં મહાન કવયિત્રી અવય્યારના જીવન પર તેમણે બનાવેલું ચિત્ર સીમાચિહ્ન બની રહ્યું છે.

તેમનાં અન્ય નોંધપાત્ર હિંદી ચિત્રો : ‘નિશાન’ (1949), ‘મંગલા’ (1950), ‘મિ. સમ્પત’ (1952), ‘બહુત દિન હુએ’ (1954), ‘રાજતિલક’ (1958), ‘પૈગામ’ (1959), ‘ઘરાના’ (1961), ‘ઔરત’ (1967), ‘તીન બહુરાનિયાં’ (1968) અને ‘શતરંજ’(1969)નો સમાવેશ થાય છે.

હરસુખ થાનકી