વાવાઝોડું : અતિશય વેગસહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે, જે જ્યાં ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા(ચક્રવાત)માં પવનનો વેગ કલાકે 100થી 200 કિમી.નો હોય છે, તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમયગાળા માટે ચાલુ રહે છે, તેના પર જાનમાલની ખુવારી અને નુકસાનનો આધાર રહેલો હોય છે. વાવાઝોડું જો કલાકના 10 કિમી. વેગથી સ્થળાંતર કરતું જતું હોય અને તેનો વ્યાસ 10 કિમી.નો હોય, તો જે સ્થળ પર તે કાર્યરત હોય ત્યાં એક કલાક સુધી અસર કરે છે. વાવાઝોડામાં માત્ર ધૂળની આંધી જ ફૂંકાય એવું નથી હોતું, તેમાં બીજું પરિબળ વરસાદનું પણ હોય છે. ચક્રવાતનિર્મિત વાવાઝોડું ક્યારેક મુશળધાર વરસાદ પણ લાવે છે, અને તેમાંથી પૂરની અને તારાજીની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.

ઉષ્ણકટિબંધના ચક્રવાતો મધ્ય અક્ષાંશોના ચક્રવાતોને મળતા આવે છે. ક્યારેક તે હળવા, તો ક્યારેક વિનાશક હોય છે. ભારતમાં તે વંટોળ તરીકે ઓળખાય છે. વંટોળ અતિવેગથી ફૂંકાય અને વિનાશ વેરે તો તેને વાવાઝોડું કહેવાય. દરિયાકાંઠે ઉદ્ભવે કે આવે તો ભારે હોનારત સર્જે છે.

આકૃતિ 1 : વાવાઝોડાની ઉત્પત્તિ-પ્રક્રિયા

વાવાઝોડું એ એવી પ્રલયકારી ઘટના છે, જેમાં સમુદ્રનો જુવાળ તોફાની પવનોની થપાટો ખાધા પછી 4.5થી 6 મીટર ઊંચી દીવાલ રૂપે કાંઠા પર ધસી આવે છે. કોઈ પણ વાવાઝોડામાં અંદાજે 90 % જેટલી ખુવારી આવા ઝંઝાવાતી જુવાળને કારણે થતી હોય છે. 1998ના વર્ષમાં ચોમાસાના પ્રારંભમાં – જૂનમાં – આવેલું કંડલાનું વાવાઝોડું આ પ્રકારનું હતું. તેમાં દરિયાઈ જુવાળ ઘોડાપૂર કરતાં પણ વધુ વેગથી કાંઠાના પ્રદેશ પર ફરી વળેલો. લોકો સલામત જગાએ સ્થળાંતર કરી શકે એ પહેલાં જ તેઓ વળતા પ્રવાહમાં તણાઈ ગયેલા.

બીજું ઉદાહરણ આંધ્રપ્રદેશનું લઈ શકાય. 1990માં ત્યાં એક પછી એક બે વાવાઝોડાં ત્રાટકેલાં. બંને ચક્રવાત પ્રકારનાં હતાં, બંનેમાં પવનનો વેગ કલાકના 235 કિમી.થી 250 કિમી. જેટલો હતો. વાસ્તવમાં આવાં વાવાઝોડાં ફ્રાન્સિસ બ્યૂફૉર્ટ સ્કેલ મુજબ પ્રચંડ અને વિનાશકારી ગણાય. આ ચક્રવાતોમાં ઘૂમરી લેતા ચક્કરનો વ્યાસ 1,000 કિમી. જેટલો અસાધારણ હતો. બંને સરખા પ્રકારનાં જોશીલાં તેમજ વિરાટ કદનાં હતાં, માત્ર ખુવારીના આંકડા અલગ અલગ હતા.

1990 પહેલાં ભારતના હવામાન ખાતા પાસે ઇનસેટ જેવા બાતમીદાર ઉપગ્રહોની સેવા ઉપલબ્ધ થઈ ચૂકેલી હોવાથી આગોતરી ચેતવણી મળી હતી. તેથી ખુવારીનો આંકડો માત્ર 1,000 જેટલો સીમિત રહેલો; પરંતુ અગાઉના 1977ના પોરબંદર-જામનગરના દાખલામાં, જ્યારે ઇનસેટ-ઉપગ્રહ સેવા ઉપલબ્ધ ન હતી ત્યારે ખુવારીનો આંકડો 10,000 જેટલી માનવસંખ્યાને આંબી ગયેલો. 1982-83માં પણ સૌરાષ્ટ્રમાં તોફાની વાવાઝોડાં આવેલાં. આંધ્ર અને ઓરિસાને દરિયાકાંઠે આવાં વાવાઝોડાં અવારનવાર ધસી આવે છે. બાંગ્લાદેશના ચિતાગોંગ ખાતે પણ લગભગ દર વર્ષે બેથી ત્રણ તોફાની વાવાઝોડાં ફૂંકાતા હોય છે. જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાંથી ઉદ્ભવતાં વાવાઝોડાં ક્યારેક પશ્ચિમ તરફ છેક ગુજરાત સુધી અસર કરે છે; એ જ રીતે તે તમિલનાડુમાં થઈને અરબી સમુદ્ર તરફ પણ જાય છે. તે જો દરિયા તરફ જાય તો ત્યાંથી પસાર થતાં વહાણોને નુકસાન પહોંચાડે છે; પરંતુ તે ભૂમિભાગ તરફ જાય તો તેનાથી ઉદ્ભવતાં ઊંચાં મોજાં કાંઠાના ભાગોમાં અથડાય છે, અથવા પ્રચંડ મોજાંવાળી ભરતી આવે છે. ક્યારેક ઑક્ટોબર-નવેમ્બરમાં પણ તે થતાં હોય છે. 9 નવેમ્બર 1888ના રોજ વેરાવળ નજીક આવું એક પ્રચંડ વાવાઝોડું આવેલું, જેમાં ‘વીજળી’ નામની આગબોટ તેના બધા ઉતારુઓ સાથે ડૂબી ગઈ હતી. આવા કાળા કેરની યાદમાં ‘હાજી કાસમ તારી વીજળી મધદરિયે વેરણ થઈ’ જેવાં લોકગીતો પણ રચાયેલાં.

ઉપગ્રહીય વ્યવસ્થા આજે તો સંગીન અને સુલભ છે. દરેક ઉપગ્રહ વાવાઝોડાં અંગે ચેતવણી આપતી વ્યવસ્થા વડે સુસજ્જ હોય છે. ભૂમિમથકો પરનું રડાર-નેટવર્ક ચક્રવાતોને પાત્ર તટવર્તી સ્થળો પર ખડું કરાયેલું છે. આ પ્રકારના નેટવર્કને વાવાઝોડા ચેતવણી વિતરણ પદ્ધતિ – (Cyclonic Warning Dissemination System – CWDS) કહે છે. તેનાં મુખ્ય સાધનો સમુદ્રકાંઠાનાં રડારયંત્રો છે. તે દુનિયાના દરિયાકાંઠાનાં મથકો પર ગોઠવેલાં છે. ગુજરાતમાં તે મહુવા, વેરાવળ, જાફરાબાદ, દ્વારકા ખાતે મુકાયેલાં છે. દ્વારકાનું રડાર ઍન્ટેના પણ 1996-97ના ગાળા અગાઉ વાવાઝોડામાં નુકસાન પામેલું.

કિનારાથી દૂર સમુદ્ર પરના વાતાવરણમાં હલકા દબાણનો ફરકો રચાય, તેના 48 કલાક પહેલાં રડાર સ્વયંસંચાલિત હોઈ સક્રિય બને છે, તરત જ ત્યાંનું સાયરન સિસોટી વગાડવાનું શરૂ કરી દે છે. તેના બુલંદ અવાજથી નજીકનાં ગામો સાબદાં બની જાય છે. ચેતવણીનું પુનરાવર્તન પણ થાય છે. સાયરનનું કાર્ય પૂરું થતાં CWDS સ્થાનિક ભાષામાં મૌખિક ચેતવણીનું પ્રસારણ કરે છે. એટલું જ નહિ, સલામતીનાં યોગ્ય પગલાં લેવાની જાણ કરે છે, તેનું પુનરાવર્તન પણ થાય છે. ચક્રવાત જો માર્ગ બદલે તો આખી સિસ્ટમ તેના નવા સંભવિત માર્ગ માટે ફરીને ચેતવણી આપે છે. આ રીતે જોતાં CWDS નેટવર્ક ભરોસાપાત્ર ગણાય.

આકૃતિ 2 : વિનાશકારી વાવાઝોડાનું મુખ્ય પરિબળ ‘સ્ટૉર્મ-વેવ’ હોય છે. દરિયાઈ મોજું ક્યારેક 5 મીટર ઊંચી દીવાલ રૂપે ધસી આવે છે.

આ નેટવર્ક સાથે ઇન્ડિયન મીટિયોરોલૉજિલ ડિપાર્ટમેન્ટ (IMD) – મુખ્ય મથક પુણે – સંકળાયેલું રહે છે. તે અરબી સમુદ્ર કે બંગાળાના ઉપસાગરમાં આકાર લેતાં વાવાઝોડાંને લગતી ચેતવણી રવાના કરે છે. તેની ચેતવણી રડાર પદ્ધતિ કરતાં તદ્દન અલાયદી હોય છે. વાવાઝોડું કાંઠે ત્રાટકવાનું હોય તેના 24 કલાક અગાઉ તે ચેતવણી પાઠવે છે. IMD તેના સંદેશા પાઠવવા ટેલિફોન, ટેલિપ્રિન્ટર્સ, ટેલેક્સ, ટેલિગ્રામ અને ટેલિવિઝન જેવાં માધ્યમોનો ઉપયોગ કરે છે.

વૈજ્ઞાનિક રીતે વાવાઝોડાને ઓળખવાનું તેમજ તેના ઉદ્ભવથી માંડીને ઉત્પાત સુધીની સિલસિલાબંધ ઘટના તપાસવાનું આવશ્યક ગણાય. સરેરાશ એકાદ વાવાઝોડાની આશરે નવેક દિવસ લાંબી જિંદગીનો ઘટનાક્રમ કંઈક આ પ્રમાણે આપી શકાય.

પૃથ્વીને આવરી લેતું નીચેના 32 કિમી. જાડા થરનું વાતાવરણ આશરે 56 લાખ અબજ ટન જેટલી હવાનું બનેલું છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને ફાળે આવતો હવાનો પુરવઠો લગભગ 14 લાખ ટન જેટલો થાય. જોકે હવા કદી સ્થાયી રહી શકતી નથી, તેથી આ ગણતરી અનુમાનિત ગણાય.

આકૃતિ 3 : ભારતમાં ચક્રવાત(સાઇક્લોન) તરીકે જાણીતાં વાવાઝોડાં દુનિયામાં જુદા જુદા નામે ઓળખાય છે

સૂર્ય એક વિરાટ અણુભઠ્ઠી છે. તેના તાપથી, ખાસ કરીને વિષુવવૃત્તના સમુદ્ર-વિસ્તારમાં, ગરમ થતી હવા ઊર્ધ્વગામી પવન તરીકે ઊંચે ચઢે છે; માત્ર હવા જ નહિ, તેની સાથે રોજેરોજ સમુદ્રજળના બાષ્પીભવનથી 1,000 અબજ ટન વરાળ પણ ઊંચે ચઢે છે. આ રીતે હવાનો ઊર્ધ્વગામી ગરમ પ્રવાહ ભેજથી તરબતર હોય છે. ઉપર સીધેસીધો જતો ગરમ હવાનો જથ્થો અમુક ઊંચાઈના સ્તરે ક્ષૈતિજ સ્થિતિમાં ફંટાઈને ધ્રુવપ્રદેશો તરફ વહે છે. પૃથ્વીના અક્ષભ્રમણને કારણે કમાનાકાર માર્ગે ફંટાયા બાદ વિષુવવૃત્તથી 30° ઉત્તર અને 30° દક્ષિણ અક્ષાંશો પર તે ઠરે છે, તેથી વજનમાં ભારે બને છે; પરિણામે પાછો નીચે તરફ પ્રવાસ આદરે છે. આ ઘટમાળ અહર્નિશ ચાલ્યા જ કરતી હોય છે; તેમાંથી એકધારા પવનની ગતિ સર્જાય છે, તેમાં પવનની ગતિ ક્યાંક ઓછી તો ક્યાંક વધુ રહે છે.

સામાન્ય રીતે પવનનો વેગ કલાકે કિમી.ના એકમમાં મપાય છે. દરિયા પર તે દરિયાઈ નૉટિકલ માઇલમાં મપાય છે. જોકે હવામાનશાસ્ત્રીઓ તેને બ્યૂફોર્ટ સ્કેલ મુજબ માપવાનું પસંદ કરે છે. આ માપમાં પવનનો વેગ કલાકે 1 કિમી. (કે તેથી ઓછો) હોય ત્યારે તેને Zero Beufort ગણવામાં આવે છે, અર્થાત્ વાતાવરણ તદ્દન શાંત સ્થિતિમાં છે એમ ગણાય. આવી સ્થિતિમાં ચીમનીમાંથી નીકળતો ધુમાડો સીધેસીધો ઊભી રેખામાં ઊંચે જાય. 6 બ્યૂફૉર્ટનો પવન જોરદાર ગણાય છે, તે વખતે વૃક્ષોની ડાળીઓ લહેરાવા માંડે છે. 7 બ્યૂફૉર્ટનો પવન આખા વૃક્ષને હાલકડોલક કરી દે એટલો ઉગ્ર હોય છે. 12 બ્યૂફૉર્ટ માપમાં (સરેરાશ 118 કિમી./કલાકે) વાવાઝોડું ફૂંકાયું એમ કહી શકાય.

વાવાઝોડું એ ચક્રવાતનો વિનાશક પ્રકાર છે. પ્રદેશભેદે ચક્રવાતને જુદાં જુદાં નામ અપાયેલાં છે : આટલાંટિક મહાસાગર માટે હરિકેન, પૅસિફિક મહાસાગર માટે ટાયફૂન, ફિલિપાઇન્સ માટે સ્થાનિક નામ રેપુસ, ઑસ્ટ્રેલિયા માટે વિલવિલિસ નામ ઉપયોગમાં લેવાય છે. ઊભી, સાંકડી ગળણી જેવા ફૂંકાતા વાવાઝોડાને ટૉર્નેડો કહે છે. ચક્રવાત માટેનો અંગ્રેજી શબ્દ cyclone મૂળ ગ્રીક ભાષાનો છે, તેનો અર્થ ‘સાપનું ગૂંચળું’ એવો થાય છે. વીસમી સદીના આરંભે કોલકાતાની જહાજી અદાલત(Maritime Board)ના પ્રમુખ ડૉ. હેન્રી પેડિંગ્ટને સર્વપ્રથમ વાર cyclone શબ્દ વાપરેલો, ત્યારથી અંગ્રેજી ભાષામાં વાવાઝોડા માટે તે રૂઢ થઈ ગયો છે.

વાવાઝોડાની તૈયાર થવાની ઘટના ઘણી અટપટી પ્રક્રિયા છે. આમ તો એક વિષય તરીકે હવામાનશાસ્ત્ર પણ ઘણું અટપટું છે. ટૂંકમાં, સરળ રીતે સમજાવવા એમ કહી શકાય કે ઉનાળાની ઋતુમાં સમુદ્રસપાટી તપે ત્યારે વાવાઝોડું ક્રમશ: આકાર લેવાનું શરૂ કરે છે. સમુદ્રજળસપાટીનું તાપમાન 26° સે. કરતાં ઓછું હોય ત્યાં સુધી તો દરરોજ 1,000 અબજ ટન પાણીને ભેજ રૂપે સંઘરી, ગરમ થયેલો વાયુસમુચ્ચય સામાન્ય પરિસ્થિતિ મુજબ ઊંચે ચડતો રહે છે. ઉપર જણાવ્યું તેમ, તે ધ્રુવો તરફ ફંટાઈને વળી પાછો નીચે તરફ પ્રવાસ કરે છે. સમુદ્રસપાટીનું તાપમાન 26° સે. કરતાં વધી જાય, ત્યારે ઘટનાચક્ર જુદું સ્વરૂપ પકડે છે. વધુ ગરમ થયેલા પાણીના સંપર્કમાં આવતી નીચેના થરવાળી સમુદ્રી હવા આપોઆપ વધુ તપી જઈને ઊર્ધ્વગામી સુસવાટા સ્વરૂપે ઊંચે ચઢતી જાય છે.

આ ક્રિયામાં બે તફાવતો સ્પષ્ટ બની રહે છે : ગરમીનો અને ગતિનો તફાવત. સમુદ્રસપાટી ઓછી ગરમ હોય ત્યારે ત્યાંની હવા પણ ઓછી ગરમ થાય; ઊંચે ચડવાની ગતિ પણ ઓછી રહે; વધુ ગરમ સમુદ્ર-સપાટી હવાને વધુ ગરમ કરે, પ્રમાણમાં તે વધુ ગતિ પણ આપે. ગરમ હવા સુસવાટાભેર સીધી ઉપર ચઢે, ઉપલા વાતાવરણમાં પહોંચે, ત્યાં તેમાંનો ભેજ ઠરે, છેવટે વરસાદ આપે. વરસાદ પડી જાય એટલે તેમાંથી પ્રચંડ ગરમી મુક્ત થાય. રોજના 1,000 અબજ ટન પાણીના બાષ્પીભવન થવા માટે વપરાતી સૌરઊર્જાનું પ્રમાણ પણ પ્રચંડ ગણવું રહ્યું. આ પ્રચંડ સૌરઊર્જા ગરમીના સ્વરૂપે ભેજવાળી હવામાં સચવાયેલી રહે; પરંતુ ભેજ ઠરે એટલે વાદળાં બંધાય, પછી વરસાદ પડે એટલે બધી ઊર્જા ફરીથી ગરમીના સ્વરૂપે આજુબાજુના વાતાવરણને પાછી મળે. ઉદાહરણ લેતાં, મધ્યમ કદનું મેઘવાદળ વીજકડાકા સાથે વરસે ત્યારે એક મૅગાટનના હાઇડ્રોજન બૉંબ જેટલી ઊર્જા ગરમીના સ્વરૂપે આજુબાજુના વાતાવરણને મળે. આવાં તો 50,000 મેઘવાદળોની રમઝટ બોલતી હોય છે. હવે જો ત્રિરાશી માંડીએ તો, સરેરાશ મેઘવાદળમાં જો એક મૅગાટનના હાઇડ્રોજન બૉમ્બ જેટલી ઊર્જા હોય, તો હજારો મેઘવાદળો જ્યારે પરસ્પર વલોવાતાં હોય ત્યારે રચાતા વાવાઝોડાનું ઊર્જાપ્રમાણ કેટલું ગણવું ? હજારો મૅગાટનનો આંક બેસે ! વરસાદ પડી ગયા પછી છૂટી પડતી ગરમી હવાને અતિશય ગરમ કરી મૂકે છે. હવાનો બેસુમાર ગરમ વાયુ-સમુચ્ચય જોરદાર વેગથી ઊંચે ચડવા લાગે છે, નીચે ખાલી જગા પડે છે, ત્યાં હવાનું દબાણ ઘટી જાય છે. હવાના દબાણનું સંતુલન લાંબો સમય ખોરવાયેલું રહી શકતું નથી, તેથી સમુદ્રસપાટી નજીક આસપાસની હવા, ખાલી પડેલી જગાને પૂરવા, સરભર કરવા એકાએક ધસી આવે છે. આમ, વાવાઝોડાનું એન્જિન શરૂ થાય છે. જે હવા ધસી આવે છે, તે પણ અચાનક કાટખૂણે ચડવા માંડે છે, ઠરે છે,…… ગરમીને મુક્ત કરે છે…… આમ ચક્ર ચાલ્યા કરે છે. વાવાઝોડાનું એન્જિન ક્રમાનુસાર પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ગિયરમાં જાય છે.

જે હવા ઉપર ચડે છે, તે ખરી રીતે સીધી ઉપર ચડી શકતી નથી, પૃથ્વીનું અક્ષભ્રમણ તેને ફંટાવે છે. આમ હવા વલોવાય છે. ઉત્તર ગોળાર્ધમાં તે વામાવર્ત અર્થાત્ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વલોવાય છે, દક્ષિણ ગોળાર્ધમાં તે દક્ષિણાવર્ત ઘડિયાળના કાંટાની દિશામાં ફુદરડી ફરે છે. આ પ્રકારની પરસ્પર વિરોધી ગતિ જન્માવતી અસરને ભૌગોલિક પરિભાષામાં ‘કોરિયોલિસ ઇફેક્ટ’ કહે છે. વાવાઝોડાના સર્જન માટે આ અસર પૂરતી માત્રામાં જરૂરી બની રહે છે. તેનાથી ચક્રવાત થવા ગતિ મળે છે અને ગતિ મળે તો જ હવા તોફાની પવનનું સ્વરૂપ પકડી શકે છે.

પૃથ્વીની સપાટી પરના લઘુભારપટવાળા વિસ્તારોને પવનનાં તોફાનો કે ચક્રવાત(cyclone અથવા depression)ના વિસ્તારો કહેવામાં આવે છે. તેનો આધાર દબાણની ઊણપની માત્રા પર રહેલો હોય છે. સંતુલિત અને ઘર્ષણરહિત ગતિમાં પવનો લઘુદબાણના વિસ્તારોની આજુબાજુની સમદાબ રેખાઓ તરફ ફૂંકાતા હોય છે; આ રેખાઓમાં પવનો ઉત્તર ગોળાર્ધમાં વામાવર્તી અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાવર્તી દિશામાં ફૂંકાતા હોય છે.

પ્રતિચક્રવાત(anticyclone)માં પવનોની સ્થિતિ ચક્રવાત કરતાં વિરુદ્ધ દિશાની હોય છે. વચ્ચે ભારે દબાણ અને આજુબાજુ ઓછું દબાણ નિર્માણ પામેલું હોય ત્યારે પવનો વચ્ચેના ભારે દબાણવાળા ભાગમાંથી ચારે બાજુ ઓછા દબાણવાળા ભાગો તરફ ગતિ કરે છે. પવનોની આવી સ્થિતિ કેન્દ્રત્યાગી (centrifugal) સ્થિતિ ગણાય. બહાર તરફ જતા પવનોનું જોશ ઘટી જાય છે. પવનો વધુ દાબવાળા વિસ્તારોમાંથી વાય છે, તેને લીધે ફરીથી ત્યાં ખાલી જગા પડે છે, તે પણ પવનોથી ભરાઈ જાય છે. વાતાવરણના નીચેના સ્તરોમાં જે હવા દાખલ થાય છે, તે ઊંચે લઘુ દબાણવાળા વિસ્તારોમાં ચડે છે, છેવટે ઊંચા સ્તરોમાં જઈ બહાર નીકળી જાય છે. નીચલા સ્તરોમાં દાખલ થતી હવાનું દબાણ થવું, ત્યાંથી હવાનું ઊર્ધ્વગમન થવું, ઉપલા સ્તરોમાંથી તેનું બહિર્ગમન થવું…. આ બધી ક્રિયાઓ લઘુ દબાણવાળા વિસ્તારો સાથે સંકળાયેલી હોય છે. આવી લઘુ દબાણવાળી રચના સેંકડો કિમી.થી હજારો કિમી. કે તેથી પણ વધુ મોટા વિસ્તારને આવરી લઈ શકે છે. નાગપુર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લઘુ દબાણવાળી રચના નાગપુર પર કેન્દ્રિત થઈ હોય તો તેને લીધે સમગ્ર ભારત પર પવનો ફૂંકાય. નાગપુરની આજુબાજુ પવનો વામાવર્તી દિશામાં વાય છે. આમ લઘુ દબાણનું કેન્દ્ર જ્યારે નાગપુરથી ખસીને જોધપુર તરફ જાય છે, ત્યારે તે બાજુ જતા પવનોની દિશા બદલાય છે. લઘુ દબાણવાળી આવી જ રચના જ્યારે ભેજગ્રસ્ત પ્રદેશમાં થાય ત્યારે ત્યાં વાદળો બંધાય છે, અને ત્યાં વરસાદ પડે છે. ભારતમાં આવી ઘટના મોટેભાગે જુલાઈ માસમાં થતી હોય છે. આ સમયગાળા વખતે ભારતભરમાં નૈર્ઋત્યના મોસમી પવનોની પ્રવૃત્તિઓ તેની મહત્તમ કક્ષાએ હોય છે.

પૃથ્વીની સપાટી નજીકના ઉચ્ચ દબાણવાળા વિસ્તારો જ્યાં કેન્દ્રિત થયા હોય એવા વિસ્તારોમાંથી પ્રતિચક્રવાત (anticyclone) ઉત્પન્ન થઈ શકે. સંતુલિત અને ઘર્ષણરહિત ગતિવાળા પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉચ્ચ દબાણવાળા કેન્દ્રની આજુબાજુ દક્ષિણાવર્તી દિશામાં ફૂંકાતા હોય છે. દક્ષિણ ગોળાર્ધમાં તે વામાવર્તી દિશામાં ફૂંકાય છે. પવનોનો ઘટક ઉચ્ચ દબાણવાળા કેન્દ્રથી દૂર નીચલા સ્તરોની હવા તરફ બહિર્ગમન કરે છે. બહિર્ગમન કરતી હવાનું સંતુલન ઉપલા સ્તરોમાં અંદર તરફ આવતી હવાથી તેમજ આખા વિસ્તારમાં ક્ષીણ થતી જતી ગતિ વડે થાય છે. હવાની આ પ્રકારની ક્ષીણ થતી જતી ગતિને લીધે સ્વચ્છ આકાશ અને હૂંફાળું હવામાન નિર્માણ પામે છે. દુનિયાના રણપ્રદેશો આ પ્રકારના વિસ્તારો ગણાય. ત્યાં લગભગ આખું વર્ષ દિવસ દરમિયાન હલકા દબાણની તથા રાત્રિઓ દરમિયાન ભારે દબાણની સ્થિતિ પ્રવર્તે છે. ભારતમાંના ઘણાખરા વિસ્તારોમાં જાન્યુઆરીથી માર્ચ સુધી ભારે દબાણની પરિસ્થિતિ પ્રવર્તે છે. લઘુ દબાણવાળી રચના, જો થોડીઘણી પણ હોય તો, તે ભારતના દૂરના ઉત્તર ભાગમાંથી નૈર્ઋત્ય દિશા તરફ ગતિ કરે છે.

વિષુવવૃત્તથી બંને તરફ 5° સુધીના પટ્ટામાં (કુલ 10°ના ગાળામાં) વાવાઝોડું સર્જાતું હોતું નથી, કારણ કે ત્યાં તો કોરિયોલિસ અસર જેવું કંઈ જ હોતું નથી. અહીં બંને ગોળાર્ધોનો સંગમ થાય છે. વિષુવવૃત્તનો ભાગ ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધમાં ગણાતો જ નથી.

ઇનસેટ જેવા ઉપગ્રહે લીધેલી વાવાઝોડાની તસવીર જોઈએ તો, તેમાં વચ્ચોવચ એક છિદ્ર જેવું દેખાતું હોય છે તેને હવામાનશાસ્ત્રીઓ, વાવાઝોડાની આંખ કહે છે. વાવાઝોડામાં ગરમ અને ભેજવાળી સમુદ્રી હવા ખેંચાવાને કારણે આ આંખ બનતી હોય છે. સરેરાશ 15થી 25 કિમી.નો વ્યાસ ધરાવતા એટલા ભાગમાં ઝાઝું કંઈ વલોવાતું નથી. આવી આંખ વચ્ચે જો કોઈ જહાજ હંકારતું હોય તો તેને હવામાન અજુગતું લાગતું નથી; પરંતુ તેની આજુબાજુનું વમળ પ્રતિ કલાકે 240 કિમી.ના વેગે ઘૂમરાતું હોય છે. ઉપર ખેંચાવા માટે ભેજ વડે તરબતર એવી હવાનો પુરવઠો એકધારો મળ્યા કરે તો વાવાઝોડું આપમેળે ફૂલવા-ફાલવા-ફેલાવાનું ચાલુ રાખે છે. આ પ્રકારના ચક્રવાતનો વ્યાસ ક્રમશ: વધીને 160 કિમી. જેટલો થાય છે, કદાચ ક્યારેક તેના કરતાં વધારે પણ ખરો. ચક્રવાતને બીજી પણ એક ગતિ હોય છે, તે તેને પ્રતિ કલાકે લઘુતમ 10 કિમી. અને મહત્તમ 25/30 કિમી. વેગે આગળ ધપાવે છે.

ભેજયુક્ત ગરમ સમુદ્રી હવાનો પુરવઠો મળતો રહે ત્યાં સુધી વાવાઝોડું ક્રમશ: વધુ ને વધુ પ્રલયકારી બનતું જાય છે. 3 જૂન, 1998ના રોજ કેરળકાંઠે જન્મેલું, કંડલાને ભરખી ગયેલું, વાવાઝોડું સૌરાષ્ટ્રને આંબી જતાં પહેલાં આવો ખાસ્સો પુરવઠો મેળવતું રહેલું; દરિયાઈ માર્ગ લાંબો હતો, તે ધીમે ધીમે રૌદ્ર સ્વરૂપ પકડતું ગયું. ફંટાયા વિના ઉત્તર દિશા તરફ ધપતું ગયેલું; છેવટે કંડલાને આંબી ગયું.

બંગાળના ઉપસાગરમાં 25 % જેટલાં વાવાઝોડાં ફાટીને ધીમે ધીમે ખલાસ થઈ જાય છે; જ્યારે અરબી સમુદ્રમાં 40 % વાવાઝોડાં તાંડવ-સ્વરૂપ ધારણ કરે છે. તેથી વાવાઝોડું વિખેરાઈ જશે એમ માની લેવાય નહિ. વાવાઝોડું પેદા થાય એટલે સ્વીકારી લેવું જ પડે કે તેમાં ભયંકર આફત આવવાની છે અને ત્રાટકવાનું જોખમ સરેરાશ કરતાં વધુ છે.

1998ના નવેમ્બરની 3જી તારીખે હૉન્ડુરાસ અને નિકારાગુઆ પર ત્રાટકેલું વાવાઝોડું (હરિકેન) 322 કિમી./પ્રતિ કલાકેના વેગવાળું હતું. વીસમી સદીમાં આવેલાં કૅરિબિયન સમુદ્રનાં વાવાઝોડાંઓમાં તે ચોથા ક્રમે આવતું પ્રચંડ વાવાઝોડું હતું. હૉન્ડુરાસમાં થયેલી તારાજીનો મૃત્યુ-આંક 5,000નો, જ્યારે ઘર છોડીને ગયેલાનો આંક 6 લાખ જેટલો હતો. સંખ્યાબંધ લોકો પાણી, ખોરાક અને દવાઓ વિના ટળવળતા નજરે પડેલા. આવાસો પર પૂરનાં પાણી ફરી વળેલાં અને ઘણાં ગામોમાં ભૂપાત થયેલા.

1999ના ઑક્ટોબરની 29મી તારીખે બંગાળની ખાડી પરથી ઓરિસા રાજ્યના લગભગ આખાય ભાગ પર ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડા(supercyclone)થી 9,573 લોકો મૃત્યુ પામેલા અને 1 કરોડ લોકો ઘરબારવિહોણા થઈ ગયેલા.

1999ના મેની 3જી તારીખે 1.5 કિમીથી વધુ પહોળાઈના ફેલાવાવાળા ટૉર્નેડોથી યુ.એસ.ના ઓક્લાહોમા રાજ્યમાં 41 લોકો મૃત્યુ પામેલા અને 748 લોકોને ઈજા થયેલી. એવા જ બીજા ટૉર્નેડોથી કાન્સાસ રાજ્યમાં 5 મૃત્યુ, 150 ઈજાગ્રસ્ત થયેલા. નુકસાનનો કુલ આંકડો ઓછામાં ઓછો એક અબજ ડૉલર જેટલો મુકાયેલો.

ગિરીશભાઈ પંડ્યા, નીતિન કોઠારી