વાવણીયંત્ર : વાવણી કરવા માટે ઉપયોગમાં લેવાતું યંત્ર. ખેતરમાં વાવણીયંત્ર દ્વારા બીજની થતી વાવણી એ એક કૌશલ્યનો વિષય છે. વ્યવસ્થિત વાવણી કરવાથી એકમ વિસ્તારમાં બીજની સંખ્યા જળવાય છે અને તેમની જરૂરી ઊંડાઈએ વાવણી થાય છે. પાસે-પાસેની હાર વચ્ચેનું અંતર અને પ્રત્યેક હારમાં બે છોડ વચ્ચેનું અંતર જળવાય છે. બીજની વાવણી સાથે ખાતર પણ આપી શકાય છે.
વર્ષો પહેલાં વાવણી હાથથી બીજને ફેલાવીને કે જમીન પર પાથરીને થતી હતી, પરંતુ આધુનિક સમયમાં હવે આવી પદ્ધતિઓના બદલે હારમાં વાવવાની પદ્ધતિઓ અપનાવવામાં આવે છે; જેથી બીજની કરકસર થાય છે, સ્ફુરણનું પ્રમાણ વધે છે તેમજ બીજ ઊગ્યા પછીની આંતરખેડ, દવા-છંટકાવ, નીંદામણ અને પિયત જેવી માવજત ઓછા ખર્ચે અને વધુ સારી રીતે કરી શકવાથી વધુ ઉત્પાદન અને આર્થિક ફાયદો થાય છે.
બીજની વાવણી પૂંખીને, ઓરીને, હારમાં વાવણી, હળથી વાવણી, ફેરરોપણી, માટીની ટેકરી ઉપર તેમજ ગાદી-ક્યારા પર વાવણી વગેરે પદ્ધતિઓ દ્વારા થાય છે અને તે માટે વિવિધ સાધનોનો ઉપયોગ થાય છે. 1840 સુધીનો ખેડૂત જમીન ખોદીને બીજ રોપી માટીથી બીજને દાબીને વાવણી કરતો હતો. પરંતુ સમય જતાં 1879માં પ્રથમ અમેરિકામાં ઇલીયાકિમ દ્વારા ઘઉંના બીજની વાવણી માટે વાવણિયો વિકસાવવામાં આવ્યો હતો. એમ. રૉબિન્સને (1857) ચેક રો (Check row) માટેના વાવણિયાની પેટન્ટ મેળવી હતી.
સમય સાથે સાથે વાવણિયામાં જમીન, પાક અને વિસ્તારોની અનુકૂળતા મુજબ સુધારા થતા ગયા અને જે તે વિસ્તારોમાં દેશી બનાવટના વાવણિયાનો વિકાસ થયો. પ્રદેશ પ્રમાણે વાવણિયા જાણીતા થયા.
મહદ્અંશે ભારતીય વાવણિયા તરીકે વપરાતાં ખેત-ઓજારો ઉપરાંત વાવણી માટે દેશી હળ વપરાય છે. પ્રાચીન કાળથી આવા હળને સામાન્ય રીતે નારી હળ, ટીફન, અરગાડા કે વિવિધ પ્રકારના સાધનથી જોડીને ઉપયોગ થતો હતો. આ સાધન સાથે લોખંડ કે લાકડાની પાઇપ ઉપર ખાસ આકારનું કટોરા જેવું પાત્ર જોડવામાં આવે છે; તેને ઓરણી કહે છે. તેમાં જરૂરિયાત મુજબનાં 3થી 5 કાણાં હોય છે. તેની સાથે પાઇપ જોડાયેલી હોય છે. આ કટોરામાં કાણાનું માપ અને આકાર એવી રીતે રાખવામાં આવેલ હોય કે જેથી બીજ વાવણી માટે કટોરામાં નાખતાં દરેક કાણામાં સરખાં બીજ દાખલ થાય છે, અને દરેક હારમાં સરખા અંતરે સરખાં બીજ પડે છે.
કૃષિવિજ્ઞાનમાં થયેલાં સંશોધનોને લીધે હાલમાં સુધારેલ ઊંચી કિંમત અને ગુણવત્તાસભર બીજની વાવણી કરવા માટે સ્વયંસંચાલિત અને હાથથી વાવણીનાં સાધનોમાં ઘણો જ સુધારો થયેલ છે. ઉત્તરપ્રદેશમાં વપરાતાં લાકડાના ટીફન જેવું જ સુધારેલ વાવણીયંત્ર વિકસાવવામાં આવેલ છે; જેમાં લાકડાના બદલે અમુક ભાગ લોખંડનો વાપરી એવી ગોઠવણ કરવામાં આવેલ છે કે જેથી બે હાર વચ્ચેનું આવશ્યક અંતર જરૂરિયાત મુજબ દાંતાઓ ફેરવીને જાળવી શકાય છે. જ્યારે સ્વયંસંચાલિત સાધનો બનાવતી કેટલીક ખાનગી કંપનીઓએ પણ પોતપોતાની ડિઝાઇન પ્રમાણે વાવણીયંત્ર બનાવી બજારમાં મૂકેલ છે. હાલના સંજોગો મુજબ ખેત-મજૂરીકામ માટે માનવબળની ખેંચને કારણે મોટાભાગે વાવણીયંત્રો બનાવતા ઉત્પાદકો અને તેના સંશોધનમાં રોકાયેલ વૈજ્ઞાનિકોનો અભિગમ બીજની વાવણીની સાથે સાથે ખાતર પણ આપી શકાય તેવાં સાધનો વિકસાવવાનો રહ્યો છે. આથી હવે આવાં ઓજારો બીજખાતર વાવણીયંત્ર તરીકે ઓળખાય છે. જોકે ઊંચી કિંમત, સંકુલ ડિઝાઇન અને ગાણિતિક જ્ઞાનની તેમજ તેના વપરાશ માટેના વધુ બળની જરૂરિયાતને કારણે ખેડૂત-જગતમાં આવાં સાધનોનો પ્રસાર અને ઉત્સાહ ઓછો જોવા મળે છે.
વાવણિયા યંત્રના સંચાલન માટે ખાસ પ્રકારની તાંત્રિક આવડત જરૂરી છે. સ્વયંસંચાલિત વાવણીયંત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેની ચકાસણી કરવામાં આવે છે; જેથી જુદા જુદા પાકોના બીજનું માપ, વજન અને આકાર પ્રમાણે યોગ્ય બીજદર અને હારમાં બીજ-અંતર જળવાઈ રહે. વાવણીયંત્રમાં વપરાતા દાંતાની પસંદગી પણ જમીનના પ્રકાર પર આધાર રાખે છે. જો જમીન ભારે કે ચીકણી હોય તો મજબૂત સીધા અને તીક્ષ્ણ અણીવાળા દાંતા પસંદ કરવામાં આવે છે. જમીન હલકી કે નરમ હોય તો થાળી પ્રકારના પાવડા આકારના દાંતા પસંદ કરવાના રહે છે.
જાપાન, ઇટાલી, અમેરિકા અને ચીન જેવા દેશોમાં ફેરરોપણીના સાધનમાં પણ ઘણાં સંશોધનો થયાં છે; પરંતુ જાપાન સિવાય અન્ય દેશોમાં ખાસ કોઈ સંશોધનમાં પ્રગતિ થયેલ નથી. આથી ફેરરોપણીનાં કાર્યો હાથથી થાય છે. મ્યાનમાર અને મલેશિયામાં હાથથી ડાંગરની ફેરરોપણી માટે જુદા જુદા પ્રકારનાં ઓજાર પ્રચલિત થયેલ છે. આવાં સાધનોથી કામની ક્ષમતામાં 20 ટકાનો વધારો અને સમયની બચત થતી હોય છે. ભારતમાં આવાં સાધનો વિકસાવવાં અને આયાત કરવાં હિતાવહ છે.
ભારતમાં આદિકાળથી વપરાતા વાવણિયા દેશી ઢબના હોય છે અને તેની કાર્યપદ્ધતિ સરળ હોય છે. પ્રાચીન યુગથી વપરાતા વાવણિયા અને આજના વાવણિયામાં સુધારાઓ પણ ઘણા થયેલ છે; પરંતુ તેનો મૂળભૂત સિદ્ધાંત તેનો તે જ રહ્યો છે. જે કોઈ સુધારો થયેલ તે વાવણિયાના મૂળ સ્વરૂપમાં રહેલ ભાગોના માપમાં તેમજ કાર્યપદ્ધતિમાં ફેરફારથી થયેલ છે. વાવણિયામાં 2થી 7 દાંતા જોવા મળે છે. વિસ્તાર, જમીન અને પાકોને અનુલક્ષીને બે દાંતા વચ્ચેનું અંતર અલગ અલગ જોવા મળે છે. સામાન્ય રીતે આ અંતર 30 સેમી. જેટલું રાખવામાં આવે છે. આ દાંતાઓ લોખંડના કે લાકડાના લોઢિયા ઉપર 40°થી 50°ને ખૂણે બેસાડેલા હોય છે. આ દાંતાઓનો ખુલ્લો છેડો લોખંડના ફાળવાથી જડેલ હોય છે.
વાવણિયાઓની ઓળખાણ પ્રાદેશિક ભાષામાં દાંતાની સંખ્યા પરથી થાય છે. બે દાંતાને ફૈડકો, ત્રણ દાંતાને તરફણ, ચાર દાંતાનો ચાવડ અને પાંચ દાંતાને પંજેટીઓ કહે છે. ગુજરાતમાં વપરાતાં વાવણિયા તે પ્રદેશના નામથી પણ ઓળખાય છે; જેમ કે, (1) ચરોતર તરફણ, (2) અમદાવાદ વાવણિયો, (3) સૂરત ફૈડકો, (4) પંચમહાલ પંજેટી વાવણિયો, (5) કચ્છ વાવણિયો, (6) ભરૂચ વાવણિયો.
ચરોતર દેશી તરફણ (tarfan) : તરફણ એટલે ત્રણ દાંતાઓથી બનેલ અને ચરોતર પ્રદેશમાં વધુ વપરાતા અથવા તે પ્રદેશના પાકોની વાવણી માટે અનુકૂળ વાવણિયાને ચરોતર દેશી તરફણ કહે છે. તરફણથી બીજની વાવણી જરૂરિયાત મુજબની ઊંડાઈએ કરી શકાય છે. તરફણમાં લોઢિયો (beam piece), ફાળવા સાથેના દાંતા (coulters with tines); બેલુ, દાંડી કે છેડ (beam or pole), પક્કડ સાથે ખીલિયું (handle with grip), નાળવાં (seed tubes), વાંસની પોલી નળીઓ અને ઓરણી (seedbowl) જેવા ભાગો હોય છે.
લોઢિયો : તે વાવણિયાનો મુખ્ય ભાગ છે અને અન્ય ભાગો સાથે મજબૂત રીતે જોડાયેલો રહે છે. તે બાવળ, રાયણ અથવા સીસમ જેવા ભારે, મજબૂત લાકડામાંથી બનાવવામાં આવે છે. તેનો આકાર અષ્ટકોણાકાર, ગોળ કે ચોરસ હોય છે. તેની લંબાઈ 120 સેમી. જેટલી હોય છે. આમ છતાં જુદી જુદી લંબાઈના લોઢિયા વપરાશમાં છે. તેનો આધાર બે દાંતા વચ્ચેના અંતર અને દાંતાની સંખ્યા પર રહે છે. લોઢિયાની ઉપરની બાજુએ પક્કડ સાથે ખીલિયું બરાબર મધ્યમાં બેસાડવામાં આવે છે અને નીચેની બાજુએ દાંતાઓ બેસાડવામાં આવે છે.
ફાળવા સાથે દાંતા : વાવણિયા વડે જેટલી હારમાં બીજ એકસાથે રોપવાનાં હોય તે મુજબ દાંતાની સંખ્યા રાખવામાં આવે છે. દાંતાની લંબાઈ 30 સેમી. જેટલી હોય છે. દાંતા મુખ્યત્વે બાવળના લાકડામાંથી બનાવવામાં આવે છે. દાંતાનો એક છેડો જમીનમાં માટી સાથે ઘસારામાં આવતો હોવાથી તે છેડો અણીવાળો રાખવામાં આવે છે. અણીદાર ભાગથી થોડે દૂર કાણું પાડવામાં આવે છે; તેની અંદર નાળવાં બેસાડવામાં આવે છે. લાકડાનો અણીવાળો ભાગ તૂટી કે જલદી ઘસાઈ ન જાય તે માટે તેની ઉપરના ભાગે લોખંડના ફાળવા ખીલી કે ખૂંટાથી જડી દેવામાં આવે છે. દાંતાનો બીજો છેડો લંબચોરસ હોય છે. તેનો ભાગ લોઢિયા સાથે જોડવામાં આવે છે.
બેલું : એક જ લાકડામાંથી બે ભાગ ચીરીને તેનાં બે પાંખિયાં લોઢિયામાં બેસાડવામાં આવે છે. બેલાની લંબાઈ 3થી 3.5 મી. હોય છે. બેલાને નાંગરવા માટે 2.5 મી. અંતરે લોખંડનો અગન બેસાડેલ હોય છે. લોઢિયા તરફના છેડાથી 90 સેમી.ના અંતરે નીચેની બાજુએ બે લોખંડની આંકડીઓ બેસાડેલી હોય છે. તેનો ઉપયોગ ઓરણી તેમજ નાળવાં મજબૂત રીતે લોઢિયા સાથે બાંધવામાં થાય છે.
પક્કડ સાથે ખીલિયું : ખીલિયું અથવા હાથો રાયણ કે બાવળ જેવા લાકડામાંથી બનાવવામાં આવે છે. ખીલિયાનો એક છેડો લોઢિયાની બરોબર વચ્ચે ઉપરના ભાગે બેસાડવામાં આવે છે, જ્યારે બીજા છેડે નાની પક્કડ બેસાડેલી હોય છે.
નાળવાં (વાંસની કે લોખંડની પોલી નળી) : દાંતાના પ્રમાણમાં કે વાવણી કરવાની હાર મુજબ નાળવાંની સંખ્યા રાખવામાં આવે છે. નાળવાનો એક સપાટ છેડો ઓરણી સાથે અને બીજો શંકુ આકારનો ત્રાંસો છેડો દાંતા સાથે જોડવામાં આવે છે. દરેક નાળવાની લંબાઈ એ રીતે રાખવામાં આવે છે કે જેથી ઓરણીનું થાળું જમીનને સમાંતર રહે અને દાંતા સાથે મજબૂત પક્કડ બનાવી રાખે. નાળવાં પોલા વાંસમાંથી કે લોખંડની નળીમાંથી બનાવવામાં આવે છે.
ઓરણી : એક જ લાકડાના મોટા ટુકડામાંથી ઓરણી બનાવવામાં આવે છે, જેમાં ઉપરનો ભાગ ખાંડણી જેવો બનાવવામાં આવે છે. તેના અંદરના ભાગે અડધા ભાગમાં ત્રણ અને બીજી બાજુના અડધા ભાગમાં પાંચ કાણાં પાડેલાં હોય છે. ત્રણ અને પાંચ કાણાં ઓરણીના નીચેના સપાટ ભાગે ખૂલે છે. ઓરણીમાં રહેલ ત્રણ અને પાંચ કાણાંનો ઢોળાવ એ રીતે આવેલ હોય છે કે જેથી ઓરણીમાં બીજ ઓરતાં મોટેભાગે ત્રણ કે પાંચ કાણાંમાં સરખી રીતે વહેંચાઈ જાય છે. ત્રણ કાણાં અંદરના ભાગે આગળ જતાં પાંચ કાણાં પૈકી વચ્ચેનાં ત્રણ કાણાં સાથે ભળી જાય છે. ઓરણીના તળિયે ફક્ત પાંચ કાણાં જ દેખાય છે. ત્રણ અને પાંચ કાણાંને જુદાં પાડવા માટે વચ્ચે એક પતરાની જીભી બેસાડવામાં આવે છે. જેથી જેટલી હારમાં વાવેતર કરવાનું હોય તેટલાં કાણાં ખુલ્લાં અને બીજાં કાણાં ઢંકાયેલાં રહે છે.
અમદાવાદ-ચાવડ : અમદાવાદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં મહદ્અંશે જુવાર, કોદરા, તલ, બાજરી, ઘઉં, તુવેર, મગ અને મઠ જેવા પાકો વાવવા માટે વપરાય છે. ચાર દાંતા હોવાથી નામ અમદાવાદ-ચાવડ રાખવામાં આવેલ છે. અન્ય વાવણિયા જેવું જ ચાવડ છે. બીજા વાવણિયા કરતાં વિવિધ ભાગોમાં તેના વપરાશ મુજબ થોડો આકાર અને ગોઠવણમાં તફાવત રહેલ હોય છે. ચાવડમાં લોઢિયો ગોળ અને બીજા છેડે લોખંડની રિંગથી બાંધેલ હોય છે. ચાવડને પકડીને ફેરવવા અને દાંતા સાફ કરવા બંને છેડે મૂઠિયાં હોય છે. સાંભડા, છેડ અથવા ડહેલું બે જુદા જુદા લાકડામાંથી બનાવેલ હોય છે અને નાંગરવા એની નીચે અગન હોય છે. ઓરણીઓ ઉપરથી ગોળાકાર અને નીચેથી લંબચોરસ હોય છે.
સૂરત ફૈડકો (Surat Faidko) : સૂરત વિસ્તારમાં બે દાંતાવાળો વાવણિયો ઉપયોગમાં લેવાય છે. તેના બે દાંતા વચ્ચે 60થી 75 સેમી.નું અંતર હોય છે. લોઢિયો આકારે થોડો વળાંકવાળો અને નીચેથી કોતરણીવાળો હોય છે. નાંગરવા માટે લાકડાના ત્રણ અગન હોય છે. ખીલિયું, ઓરણિયો વગેરે ચાવડની જેવાં જ હોય છે.
પંચમહાલ વાવણિયો : પંજેટીના ઉપયોગ પહેલાં પંચમહાલ જિલ્લામાં વાવણી હળથી થતી હતી. તે માટે તુંગાની પાછળ ગળણી આકારની વાંસની નળી (ઓરણી) દોરીથી બાંધીને વાવણી કરવામાં આવે છે. પરંતુ હવે તેનું સ્થાન પંજેટીએ લીધેલ છે. પંજેટીના દાંતા સહેજ વળાંકવાળા અને 30 સેમી.ના અંતરે હોય છે. લોઢિયા અષ્ટકોણાકાર હોય છે. બેલું બે પાતળી દાંડીનું બનેલું હોય છે. ઓરણી બાંધવા માટે બેલા પર બીજો લાકડાનો ટુકડો જોડેલો હોય છે. પક્કડ સાથે ખીલિયું લોઢિયા પર બેસાડવામાં આવે છે.
કચ્છ વાવણિયો : કચ્છ જિલ્લામાં વપરાતા બે પ્રકારના વાવણિયામાં એક પાંચ દાંતાવાળા વાવણિયાને પંચાવટિયો અને બીજા સાત દાંતાવાળા વાવણિયાને ‘કાઠ’ કહે છે. પાંચ દાંતામાંથી બીજો અને ચોથો એમ બે દાંતા બંધ કરી દેવામાં આવે છે. લોઢિયાની લંબાઈ બંને વાવણિયામાં જુદી જુદી હોય છે. નાગરવા માટે બે અગન હોય છે. બેલાની લંબાઈ 285 સેમી. હોય છે.
ભરૂચ વાવણિયો : આ ઓજાર ચરોતરની તરફણને મળતો આવે છે. પણ લોઢિયામાં વચ્ચેથી સહેજ વળાંક રાખવામાં આવે છે. ત્રણ દાંતા હોવાથી પ્રાદેશિક ભાષામાં તરફણ અથવા ‘વખેરુ’ કહે છે. જંબુસર તાલુકામાં ઘઉંની વાવણી માટે વપરાય છે.
યંત્રવિદ્યાનો વિકાસ થતાં તેનો ઉપયોગ કૃષિ ઇજનેરીમાં શરૂ થયો. આથી દેશી વાવણિયામાં વિવિધ યંત્રોનો ઉપયોગ થતાં આધુનિક વાવણિયાઓનો વિકાસ થયો. બીજની વહેંચણી માટે ‘સીડ મીટરિંગ મિકેનિઝમ’ પદ્ધતિ અને ચાસ ખોલવા માટે વિવિધ ‘ફરો ઓપનર’ બેસાડેલા હોય છે.
‘સીડ મીટરિંગ મિકેનિઝમ : બીજ કે ખાતર-વહેંચણીના યંત્ર દ્વારા બીજ કે ખાતર કોઈ ચોક્કસ દરે ઓરણીમાંથી ઓરી શકાય છે. હાલ બજારમાં ફ્લૂટ ફીડ ટાઇપ, ઇન્ટરનલ ડબલ રન ટાઇપ, કપ ફીડ ટાઇપ, સેલ ફીડ ટાઇપ, બ્રશ ફીડ ટાઇપ, અગર ફીડ મશીનરી, પીકર વ્હિલ મશીનરી અને સ્ટાર વ્હિલ મશીનરીના સીડ મીટરિંગ વાવણિયા ઉપલબ્ધ છે.
ફરો ઓપનર : વાવણિયામાંથી બીજ વાવવા માટે જમીનને ખુલ્લી કરવા કે બીજનું જમીનમાં સુયોગ્ય સ્થાન નક્કી કરવા માટે ફરો ઓપનરનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં શૉવેલ અને ડિસ્ક ટાઇપ ફરો ઓપનરનો ઉપયોગ થાય છે.
વન રો જ્યૂટ વાવણિયો : આ વાવણિયામાં બીજની પેટી, બીજ રોપણી મિકેનિઝમ, લૅન્ડ વ્હિલર, ફરો ઓપનર, જમીનદાબણી અને લાઇન-માર્કર જેવાં સાધનો જોડાયેલ હોય છે. આ સાધનનો ઉપયોગ શણની વાવણી માટે થાય છે.
સિંગલ રો કપાસ બીજ વાવણિયો : કપાસ બીજની વાવણી હારમાં અસરકારક યોગ્ય અંતરે અને ઊંડાઈએ ઝડપથી કરવા આ સાધન વપરાય છે. આ વાવણિયાના ઉપયોગથી મજૂરી ખર્ચ ઘટે છે અને આંતરખેડ માટે વપરાય છે. બીમ, બૂટ, કવરિંગ ડિવાઇસ, ફરો ઓપનર, લાઇન-માર્કર, હૅન્ડલ અને બીજ હૉપર ટ્યૂબ સાથે સાધનો જોડાયેલ હોય છે.
પોટેટો પ્લાન્ટર : બજારમાં સ્વયંસંચાલિત, અર્ધસ્વયંસંચાલિત – એમ બે પ્રકારનાં પોટેટો પ્લાન્ટર છે. સ્વયંસંચાલિત પોટેટો પ્લાન્ટરમાં હૉપર, ગિયર મિકેનિઝમ, વ્હિલ, ફરો ઓપનર, રોટરી સીડ ડિશ ભાગો જોડાયેલાં હોય છે. આ સાધનની મદદથી 6,000થી 10,000 બીજ/કલાકની વાવણી કરી શકાય છે. ત્રણ ફરો ઓપનર અને ચાર ફરો ઓપનર પોટેટો પ્લાન્ટર 25થી 45 હોર્સ પાવર ટ્રૅક્ટર સાથે જોડીને વાવણીનું કાર્ય થાય છે.
સુગરકેન પ્લાન્ટર : શેરડીના વાવેતર માટે વપરાતા આ સાધનમાં હૉપર, બે રોટેટિંગ ડિસ્ટ્રિબ્યૂટર ડિસ્ક, બે ખાતરના હૉપર, એક જંતુનાશક દવા માટે વાલ્વ સાથેની ટ્યૂબ અને બે ફરો ઓપનરને જોડવામાં આવે છે. આ સાધનના ઉપયોગ માટે શેરડીના કટકાને મૂકવા માટે બે માણસોની સાથે સાથે 4થી 6 માણસની જરૂરિયાત રહે છે. સુગરકેન પ્લાન્ટરની મદદથી 0.6 હેક્ટર/કલાક મુજબ વાવણી કરી શકાય છે.
મેન્યુઅલ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર : ડાંગરની ફેરરોપણી માટે વપરાતા આ સાધનમાં ફ્રેમ, મૂવેબલ ટ્રે, બીજ પીકિંક ફિગર અને મૅટ જેવા ભાગ હોય છે. જેમાં ડાંગરનું ધરુ ટ્રે પર મૂકવામાં આવે છે. જ્યારે ફિગર નીચેની તરફ ધકેલાય ત્યારે ટ્રેમાંથી ધરુ પકડીને એક સાથે 5થી 6 હારમાં ચોક્કસ અંતરે વાવણી થઈ શકે છે. આ મશીનની ફેરરોપણી મર્યાદા 0.2થી 0.3 હેક્ટર પ્રતિ આઠ કલાક છે.
જાપાની રાઇસ ટ્રાન્સપ્લાન્ટર : સમય, મજૂરી અને ખર્ચ બચાવવા તેમજ સુયોગ્ય પદ્ધતિથી ફેરરોપણી કરવા જાપાનમાં 1970 પછી આ સાધન વિકસાવવામાં આવેલ, જે આજે ખૂબ જ પ્રચલિત છે. હાલમાં જાપાનમાં 60 %થી વધુ વિસ્તારમાં આ ટ્રાન્સપ્લાન્ટરનો ઉપયોગ થાય છે. આ સાધનમાં ઍર-કુલિંગ, ગૅસોલિન એન્જિન, મેલન ક્લચ, રનિંગ ક્લચ, પ્લાન્ટિંગ ક્લચ, સીડિંગ ટ્યૂબ, ફ્લોએટ, સ્ટાર વ્હિલ, એક્સેલરેટર લીવર, ગ્રાઉન્ડ વ્હિલ, હૅન્ડલ અને ફૉર બાર લિકેજ ક્રિયાવિધિ ગોઠવવામાં આવે છે.
સુરેશભાઈ યશરાજભાઈ પટેલ