વાવડિંગ : દ્વિદળી વર્ગમાં આવેલા મિર્સિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Embelia ribes (સં., બં. વિડંગ; હિં. વાયવિડંગ; મ. ગુ. વાવડિંગ; ક. વાયુવિલંગ; તે. વાયુવિડંગમુ, અં. બેબ્રેંગ) છે. તે મધ્ય હિમાલયથી શ્રીલંકા સુધીના ભારતના 1,500 મી.ની ઊંચાઈ સુધી પહાડી પ્રદેશોમાં, સિંગાપુર અને મ્યાનમારમાં થાય છે. તે મોટું ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. તેની શાખાઓ પાતળી હોય છે અને પર્ણો ગ્રંથિમય અને ઉપનલયી ભાલાકાર (elliptic lanceolate) હોય છે. ફળ ગોળાકાર (4 મિમી. વ્યાસ), ખરબચડું કે ગાંઠોવાળું અને ફિક્કા રાતા રંગથી કાળા રંગનું હોય છે. ટૂંકો પુષ્પદંડ ઘણી વાર જોવા મળે છે. ફલાવરણ બરડ હોય છે અને પટલ વડે આવરિત બીજને ઢાંકે છે. તે સુગંધિત હોય છે.

વાવડિંગ
ઔષધ (શુષ્કતાને આધારે) એમ્બેલિન 2.5 %થી 3.1 %, ક્વિર્સિટોલ 1.0 % અને મેદીય ઘટકો 5.2 %; ક્રિસ્ટેમ્બિન, રાળ, ટેનિન અને અલ્પ જથ્થામાં બાષ્પશીલ તેલ ધરાવે છે. એમ્બેલિન (2.5 : (ડાઇહાઇડ્રૉક્સિ-3 લોરિલ પી-બેન્ઝોક્વિનોન) સોનેરી પીળા રંગની સોયો સ્વરૂપે થાય છે અને પાણીમાં અદ્રાવ્ય તથા આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ અને બેન્ઝિનમાં દ્રાવ્ય હોય છે. તે પટ્ટીકીડા સામે અસરકારક હોય છે, પરંતુ સૂત્રકૃમિ કે અંકુશકૃમિ સામે અસરકારક નથી. આલ્કોહૉલીય એમ્બેલિન રેશમ અને ઊનને રંગ આપે છે. તે ગુણધર્મોમાં અળસી અને સરસવ જેવું ઘેરા રંગનું મેદીય તેલ આપે છે.
વાવડિંગ તીખાં, ઉષ્ણ, લઘુ, કડવાં, દીપન અને રુચ્ય છે. તે વાયુ, કફ, અગ્નિમાંદ્ય, અરુચિ, ભ્રાંતિ, કૃમિ, શૂળ, આધ્માન, પ્લીહોદર, અજીર્ણ, દમ, ઉધરસ, હૃદરોગ, વિષદોષ, મલાવષ્ટંભ, આમ, મેદ અને મેહનો નાશ કરે છે. તે કૃમિઘ્ન છે. તે ખાવાથી પેશાબનો રંગ લાલ થઈ જાય છે, તેથી તેને તાજા દૂધ સાથે આપવામાં આવે છે. વાવડિંગના ચૂર્ણની માત્રા નાના બાળકને એક નાની ચમચી દિવસમાં બે વખત અને મોટા માણસને મોટો ચમચો ભરી આપવામાં આવે છે. તેનો સ્વાદ ઉત્તમ અને સુગંધિત હોય છે. સુશ્રુતસંહિતામાં જણાવ્યા પ્રમાણે વાવડિંગને જેઠીમધ સાથે આપવાથી શરીરમાં શક્તિ ઉત્પન્ન થાય છે અને વૃદ્ધાવસ્થાની અસર થતી નથી. ચરકસંહિતામાં વાવડિંગને કૃમિનાશક, કોઢનાશક અને શિરોવિરેચન (નાકમાંથી પાણી નિતારનાર) તેમજ ગુલ્મ, શૂળ, ખાંસી અને શ્વાસનાશક વર્ણવવામાં આવેલ છે.
વાવડિંગ પેટનાં દર્દની નાશક, પાચનશક્તિ વધારનાર, પેટમાંના કૃમિ કાઢનાર, અજીર્ણ અને ચામડીના રોગોનો નાશ કરનાર છે. પેટમાંના ચપટા કૃમિ કાઢવાને સૂકા વાવડિંગનાં ફળ વાટી નવ વરસની અંદરના બાળકને એક ચમચો અને મોટી ઉંમરના માણસને બે ચમચા માખણ અને સાકર સાથે મેળવીને આપવામાં આવે છે. તેનાથી રેચ પણ લાગે છે અને પાણીમાં મેળવી આપતાં પેટના કૃમિ નીકળી જાય છે. વળી, હરસના દર્દમાં પણ તે આપવામાં આવે છે. તે શરીર પર થતી નાની ફોડકીઓનો નાશ કરે છે.
તેનાં મૂળ અને છાલનો સ્વાદ કડવો હોય છે. તેના ગુણ સિંકોના(તેની છાલમાંથી ક્વિનાઇન નીકળે છે)ની છાલ જેવા હોય છે. તેનાં ફળ ખાંસી, શરદી અને શ્વાસના રોગમાં અત્યંત ગુણકારી હોય છે. ફળ ઉપરની છાલ, સાબુદાણા અને માખણ સાથે મેળવી આપવાથી ઝાડાના રોગમાં અત્યંત ફાયદો થાય છે. દૂધમાં મેળવીને પીતાં કમળો મટે છે. વળી પિત્તના રોગોમાં પણ તે આપવામાં આવે છે. જો ઝાડો થતી વખતે જોર પડતું હોય અને આમ નીકળતો હોય તો લીંબુના રસ સાથે મેળવીને આપવામાં આવે છે.
વાવડિંગનું મૂળ ચોખાના ધોવાણમાં ઘસી આપવાથી સર્પવિષ ઊતરી જાય છે. વાવડિંગ અને કાળા તલ સરખે ભાગે લઈ સૂંઘવાથી છીંકો આવી આધાશીશી મટે છે. કમળામાં વાવડિંગ અને લીંડીપીપર બંનેને પાણીમાં વાટી નશ્ય અને અંજનમાં ઉપયોગ કરવામાં આવે છે.
વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ