વાળો (સુગંધી વાળો) : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vetiveria zizanioides (Linn.) Nash. syn. Andropogon muricatus Retz. A. squarrosus Hook f. (સં. વાલક, ઉશિર; હિં. રવસ, વાલા, ખસ; અં. ખસખસ ગ્રાસ) છે. તે દક્ષિણ ભારત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, બંગાળ, છોટા નાગપુર તેમજ અન્યત્ર નદી, નાળાં-કિનારાના ભાગોમાં થાય છે. તેનું ઘાસ 0.6 મી.થી 1.5 મી. ઊંચું થાય છે. તેનાં પર્ણો લાંબાં, સાંકડાં અને પટ્ટી આકારનાં; સાદાં અને એકાંતરિક હોય છે. તેનાં પુષ્પો ચમરી-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ચમરી લાંબી, ગુચ્છાકાર અને પાતળી શાખાઓવાળી હોય છે. તેનું મૂળતંત્ર તંતુમય હોય છે અને વાળાઓ જેવું દેખાય છે.
જોકે વાળો લગભગ બધા જ પ્રકારની મૃદામાં થતો હોવા છતાં ફળદ્રૂપ અને સારા નિતારવાળી રેતાળ ગોરાડુ મૃદા તેને સૌથી અનુકૂળ આવે છે. 100 સેમી.થી 200 સેમી. વાર્ષિક વરસાદ થતો હોય અને તાપમાન 21.0° સે.થી 35° સે. રહેતું હોય તેવા વિસ્તારોમાં તે વિપુલ પ્રમાણમાં થાય છે. તેની વૃદ્ધિ ફળદ્રૂપ કળણભૂમિમાં અને હૂંફાળી આબોહવામાં વધારે સારી રીતે થાય છે અને મૂળ સરસ ઘટ્ટ જાળી જેવાં વિકાસ પામે છે.
કેરળમાં ભસ્મ, મિશ્ર ખાતર, દરિયાઈ પક્ષીઓની હગાર અને માછલીની સુકવણીના વાડાઓનો કચરો વાળાના વાવેતર પછી એક માસ બાદ આપવામાં આવે છે. એમોનિયમ સલ્ફેટ, મગફળીનો ખોળ અને દરિયાઈ (brine) ખાતર (જ્યાં માછલીની સુકવણી થઈ હોય તેનો અવશેષ) આપવાથી મૂળની સંખ્યા અને તૈલીદ્રવ્ય વધે છે.
વર્ષાઋતુ દરમિયાન વાળાને Fusarium sp.નો ચેપ લાગે છે. ભૂમિને 1.0 % બોર્ડો મિશ્રણ અથવા 0.1 % સેરેસન આપવાથી રોગનું પ્રમાણ ઘટે છે. Curvularia trifolii (Kauf.) Boed. દ્વારા વાળાને પાનનો કરમાવો થાય છે. કૉપર-ફૂગનાશકો(0.3 %)નો છંટકાવ રોગનું નિયંત્રણ કરે છે. Gloeocercospora sorghi દ્વારા પાન પર બદામી રંગનાં ટપકાં ઉત્પન્ન થાય છે. Holotrichia serrataના કીડા વાળાના મૂળને ખાઈ જાય છે. ઢોરો દ્વારા પણ આ ઘાસની વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં રક્ષણ મળવું આવદૃશ્યક છે.
દક્ષિણ ભારતના કૃષ્ટ (cultivated) વિસ્તારોમાં તેના તાજા મૂળનું ઉત્પાદન 4,000 કિગ્રા.થી 5,000 કિગ્રા./હેક્ટર થાય છે. અનાઈમલાઈની ટેકરીઓના પ્રદેશમાં સરકારી વાવેતર દ્વારા વધારેમાં વધારે 7,600 કિગ્રા./હેક્ટર ઉત્પાદન મેળવવામાં આવ્યું છે.
વાળાનાં મૂળ સુગંધીદાર હોય છે. તેમાંથી તેલ, અત્તર અને અર્ક બનાવવામાં આવે છે. ખસનું અત્તર ખૂબ જાણીતું છે. શરબતો બનાવવામાં, ગરમીથી રક્ષણ મેળવવા ખસની ટટ્ટી બનાવવામાં અને ધાર્મિક કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે.
આયુર્વેદ અનુસાર તે દીપન, પાચન, શીતળ, સ્તંભક, લઘુ, કડવો, મધુર, કેદૃશ્ય અને રૂક્ષ છે. તે જ્વર, ઊલટી, મેદ, કફ, પિત્ત, તૃષા, દાહ, શ્રમ, પિત્તજ્વર, રક્તદોષ, દુર્ગંધ, મૂત્રકૃચ્છ્ર, કોઢ, વિસર્પ અને વ્રણનો નાશ કરે છે.
વાળો અને ચંદન સમભાગે ચોખાના ધોવાણમાં અને સાકરમાં લેવાથી રક્તપિત્ત મટે છે. ઊલટીમાં વાળા અને ધાણાનું પાણી પિવડાવાય છે. ભારતમાં પ્રાચીન સમયથી ઉશીરના લેપનો ઉપયોગ થતો આવ્યો છે. પરસેવો અને શીતળામાં વાળાના બારીક ચૂર્ણનો લેપ શરીર પર કરવામાં આવે છે. તેના મૂળિયાની ફાંટ જ્વરઘ્ન ગણાય છે. ગરમીની અળાઈ અને ફોલ્લી પર વાળો, નાગરમોથ અને ધાણા સાથે ગુલાબજળમાં વાટી તેનો લેપ કરવામાં આવે છે. દાહ પર વાળો, ગુલાબ-પત્તી, કેસૂડો, અનંતમૂળ, શતાવરી, નાગરમોથ અને ખડીસાકર સમપ્રમાણમાં લઈ ચૂર્ણ બનાવી તેનું સેવન કરાવવામાં આવે છે. બાળકોને લોહીના ઝાડા, ઉધરસ, દમ અને ઊલટી ઉપર વાળો, ખડી- સાકર અને મધ-ચોખાના ધોવરામણમાં પિવડાવવામાં આવે છે. હૃદયશૂળમાં વાળો અને પીપરીમૂળનું ચૂર્ણ સમભાગે ગાયના ઘીમાં 1/4થી 1/2 ચમચી આપવામાં આવે છે.
ઉશીરાસવ, ઉશીરાદિ તેલ, ઉશીરાદિ ચૂર્ણ, ઉશીરાદિ ક્વાથ તેનાં જાણીતાં ઔષધો છે.
વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ