વાલેસ, ગ્રેહામ (જ. 31 મે 1858, બિશપ વેરમાઉથ, સુંદરલેન, બ્રિટન; અ. 9 ઑગસ્ટ 1932, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી અને વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના પ્રણેતા. રોસ્બરી શાળામાં 1871થી 1877 સુધી અભ્યાસ કર્યા બાદ ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1881માં સ્નાતક થયા. ત્યારબાદ 1885 સુધી લંડનની હાઈગેટ સ્કૂલ તથા અન્યત્ર શાળાના શિક્ષક તરીકે કામ કર્યું. 1885થી ’90 યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા અને 1890થી 1895 સુધી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં વ્યાખ્યાતા રહ્યા બાદ 1895થી યુનિવર્સિટી ઑવ્ લંડનમાં શિક્ષણકાર્ય કર્યું. તે પછી 1923 સુધીના લાંબા ગાળા દરમિયાન બૉસ્ટન યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટી વગેરે વિદ્યાધામોમાં અધ્યાપનકાર્ય કરી યશસ્વી કારકિર્દી ઘડી. 1897માં તેઓ અડા રેડફૉર્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
તેમણે 1886માં ફેબિયન સોસાયટી સ્થાપી અને તેના સ્થાપક સભ્ય રહ્યા. ફેબિયન સમાજવાદી તરીકે એક નવો વિચારસંપ્રદાય રચ્યો. 1904 સુધી તેમાં કામગીરી બજાવી. 1888થી 1895 સુધી તેની કારોબારી સમિતિના સભ્ય રહ્યા. 1904માં ત્યાંથી રાજીનામું આપ્યું. જીવનનાં પાછળનાં વર્ષોમાં ફેબિયન સમાજવાદના વિચારોથી ફંટાઈને તેમણે તેનાથી દૂર રહેવાનું પસંદ કર્યું. 1894થી 1904નાં વર્ષો દરમિયાન લંડન સ્કૂલબૉર્ડના સભ્ય, સ્કૂલ મૅનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ, ટૅક્નિકલ એજ્યુકેશન બૉર્ડ અને સમિતિના સભ્ય – એમ વિવિધ પ્રકારની સેવાઓ આપી. 1904થી 1907 સુધી લંડન કાઉન્ટી કાઉન્સિલના સભ્ય, 1908થી 1928 સુધી લંડન યુનિવર્સિટીની સેનેટના સભ્ય રહ્યા. તે સાથે 1912થી 1915 દરમિયાન રૉયલ કમિશન ઑન સિવિલ સર્વિસના સભ્ય તરીકે કામગીરી બજાવી. આમ તેમણે પોતાની બહુમુખી શક્તિઓનો લાભ વિવિધ યુનિવર્સિટીઓ અને રાજકીય ઘટકોને આપ્યો. તેમની શૈક્ષણિક અને સામાજિક સેવાઓની કદરના ભાગ રૂપે યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરે 1922માં અને ઑક્સફર્ડ યુનિવર્સિટીએ 1931માં તેમને ડી.લિટ.ની પદવીઓ એનાયત કરી.
આ સમગ્ર કાર્યકાળ દરમિયાન તેમની પ્રાધ્યાપક અને વિચારક તરીકેની ખ્યાતિએ નવી ઊંચાઈ આંબી. બે મુખ્ય બાબતો વૈચારિક વિશ્વમાં તેમનું પાયાનું પ્રદાન ગણાઈ છે : (1) તેઓ ફેબિયન સમાજવાદના સ્થાપક સભ્ય હોવા સાથે ‘ફેબિયન એસેઝ ઇન સોશિયાલિઝમ’ ગ્રંથના કર્તા હતા. (2) તેમની ‘વર્તનલક્ષી રાજ્યશાસ્ત્ર’ની વિભાવના અત્યંત મૌલિક છે. જોકે અભ્યાસીઓ તેમની આ ઐતિહાસિક ખ્યાતિને વિરોધાભાસી પણ માને છે.
આધુનિક રાજ્યશાસ્ત્રના ઐતિહાસિક વિકાસનાં લખાણોમાં તેમના વિચારોનું પાયાનું પ્રદાન રહ્યું છે. સત્તા માનવસ્વભાવમાં અને સમાજવ્યવસ્થામાં પડેલી છે; તે માત્ર રાજ્ય પૂરતી મર્યાદિત નથી. સત્તાનો અભ્યાસ માનવવર્તન થકી અને સમાજના માળખા થકી કરીએ તો તેથી રાજ્યના અભ્યાસની નૂતન સમજ ઉઘાડ પામે છે એમ તેમનું મંતવ્ય હતું. તેમનું આ મંતવ્ય એ જમાનામાં અત્યંત આધુનિક લેખાયું. તેમણે રાજ્યશાસ્ત્રને સમજવા માટે માનવવર્તનનો અભ્યાસ કરવા પર, તેને સમજવા પર અને તેના વિશ્લેષણ પર ભાર મૂક્યો. તેમનો ‘હ્યુમન નેચર ઇન પૉલિટિક્સ’ (1908) ગ્રંથ પ્રકાશિત થયો ત્યારે તેની ઝાઝી નોંધ ન લેવાઈ, પણ ટૂંકા ગાળામાં જ તેણે વિદ્વાનોનું ધ્યાન ખેંચ્યું; જેનાથી સમાજવિદ્યાઓમાં અને વિશેષે રાજ્યશાસ્ત્રમાં વર્તનવાદી આંદોલનના શ્રીગણેશ થયા. તેના પ્રભાવ હેઠળ વર્તનવાદની વૈચારિક ક્રાંતિનો સૂત્રપાત થયો. રાજકીય વિચાર અને અભિગમને માનવસ્વભાવ સાથે જોડવાની બાબત પર તેમણે ભાર મૂક્યો. રાજકીય સંસ્થાઓનું વર્ણન-વિવરણ કરતાં અને માનવવર્તનની સરિયામ ઉપેક્ષા કરતાં રાજ્યશાસ્ત્રીય વિશ્લેષણો અધૂરાં છે તેવી તેમની સમજ એ કાળમાં સાચી દિશાની આગાહી હતી. આ વિચારો દ્વારા પરંપરાગત રાજ્યશાસ્ત્ર પર પ્રથમ અને સખત પ્રહારો કરી તેમણે વર્તનવાદનો પાયો નાંખ્યો. રાજકારણને સમજવા માટે માનવસ્વભાવ, નેતાઓ, નાગરિકો-તેમનાં વ્યક્તિત્વ, વર્તન અને વ્યવહાર પર ભાર મૂકી તેમણે મનોવૈજ્ઞાનિક અભિગમ પ્રયોજ્યો. આ ગ્રંથ દ્વારા તેમણે ઓગણીસમી સદીની અવાસ્તવિક ધારણાઓને પડકારી તથા તર્ક અને વર્તનની સાથે સંબંધ ધરાવતી વાસ્તવિક વિચારણાની ભલામણ કરી. સરકાર અને રાજ્યશાસ્ત્ર અંગે નવા વિજ્ઞાનની આશાનાં બી રોપી તેમણે તદ્દન નવી જ દિશા ચીંધી.
નૈતિક મૂલ્યોને વિઘ્નરૂપ ગણી તેને ટાળીને માનવવર્તનને આધારે રાજકીય અભ્યાસો પ્રયોજવાની વાત તેમણે ભારપૂર્વક કહી. એ અરસામાં તેમના આ વિચારો ભારોભાર તાજગી અને નાવીન્ય ધરાવતા હતા. આ સંદર્ભમાં તેમણે ‘મૂલ્યનિરપેક્ષ’ (value-free) રાજ્યશાસ્ત્રની વિચારણા વ્યક્ત કરી, જે તેમનું અનન્ય પ્રદાન છે. માનવવર્તન આધારિત રાજકીય અભ્યાસો અને મૂલ્યનિરપેક્ષતાને એકસાથે પ્રયોજીને તેમણે વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રનો મૌલિક અભિગમ વિકસાવવાની દિશામાં પાયાનું કાર્ય કર્યું.
તેમના દ્વારા રચાયેલા ફેબિયન સાહિત્ય તેમજ મનોવૈજ્ઞાનિક-રાજકીય સાહિત્યનો વ્યાપ મોટો છે. ‘વૉટ ટુ રીડ : અ લિસ્ટ ઑવ્ બુક્સ ફૉર સોશિયલ રિફૉર્મર્સ’ (1891), ‘હ્યુમન નેચર ઇન પૉલિટિક્સ’ (1908), ‘ધ ગ્રેટ સોસાયટી : અ સાઇકોલૉજિકલ ઍનાલિસિસ’ (1914), ‘અવર સોશિયલ હેરિટેજ’ (1921), ‘ધી આર્ટ ઑવ્ થૉટ’ (1926), ‘ફિઝિકલ ઍૅન્ડ સોશિયલ સાયન્સિઝ’ (1930) વગેરે તેમના જાણીતા ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ