વાલેન્શિયા (શહેર)-1

January, 2005

વાલેન્શિયા (શહેર)-1 : વેનેઝુએલામાં આવેલું ત્રીજા ક્રમે ગણાતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 10° 11´ ઉ. અ. અને 68° 00´ પ. રે.. તે કારાબોબો રાજ્યનું પાટનગર છે. તે કારાકાસથી નૈર્ઋત્યમાં 154 કિમી. અંતરે આવેલું છે. આ શહેર વાલેન્શિયા સરોવરની નજીક વસેલું છે.

આ શહેર દેશના ખૂબ જ વિકસિત ઔદ્યોગિક વિસ્તારમાં કૉર્ડિલેરા ડેલ કૅરીબની ખીણમાં 1555માં સ્થપાયેલું. સ્પૅનિશ વસાહતો સ્થાપનાર ઍલોન્ઝો ડિયાઝ મોરીનો દ્વારા અહીં જૂની દુનિયાનો માહોલ જળવાઈ રહેલો જોવા મળે છે. અહીં ખાંડની અને કાપડની મિલો, લાટીઓ, ચામડાં કમાવાના એકમો, ભઠ્ઠીઓ, રબરનાં કારખાનાં અને ઑટોમોબાઇલના સ્પેરપાર્ટ જોડીને વાહનો બનાવવાના એકમો આવેલા છે. આ શહેરમાં ખાદ્યસામગ્રી, કાપડ, સિમેન્ટ, ડિટરજન્ટ અને પ્લાસ્ટિકનો સરસામાન તૈયાર થાય છે. વાલેન્શિયા જિલ્લાનું કૉફી અને ખાંડ માટેનું વિતરણ-મથક છે. આ શહેર કૅરેબિયન સમુદ્રથી ઉત્તર તરફ 55 કિમી. અંતરે આવેલા પ્યુર્ટો કૅબેલો સાથે ધોરી માર્ગથી સંકળાયેલું છે. વાલેન્શિયા કારાબોબો યુનિવર્સિટીનું મથક પણ છે.

ગિરીશભાઈ પંડ્યા