વાલભી વાચના

January, 2005

વાલભી વાચના : જૈન ધર્મના આગમ ગ્રંથોની વલભી મુકામે તૈયાર કરેલી વાચના. ઈ. સ. 300ના અરસામાં વલભીમાં મળેલી પરિષદમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં જૈન આગમ ગ્રંથોની વાચના તૈયાર કરવામાં આવી હતી. લગભગ તે સમયે (ઈ. સ. 3003-01 અથવા 3133-14માં) મથુરામાં સ્કંદિલાચાર્યની અધ્યક્ષતા હેઠળ મળેલી પરિષદમાં પણ આગમ ગ્રંથોની વાચના તૈયાર થયેલી; પરંતુ આ બંને આચાર્યો એકબીજાને મળી શક્યા ન હતા અને તેઓની વાચનાઓમાં કેટલાક ભિન્ન અભિપ્રાયો રહી ગયેલા.

ત્યારબાદ આશરે 150 વર્ષે વલભીમાં એક અન્ય નોંધપાત્ર ઘટના બની. ઉપર્યુક્ત ઉભય વાચનાઓના પાઠોની સરખામણી કરી, તેના ઉપરથી આગમોની એક સમીક્ષિત આવૃત્તિ ઈ. સ. 453માં, વલભીમાં તૈયાર કરવાનું અતિ મહત્વનું કાર્ય દેવર્દ્ધિગણિ ક્ષમાશ્રમણે સંપન્ન કર્યું. તેમાં માથુરી વાચનાને મુખ્ય વાચના તરીકે લઈ વાલભી (નાગાર્જુનીય) વાચનાનાં ભિન્ન લખાણો – પાઠાંતરોની નોંધ કરવામાં આવી. સમગ્ર ભારત દેશના શ્વેતાંબર જૈનો વલભી મુકામે તૈયાર કરવામાં આવેલી આ સમીક્ષિત આવૃત્તિને સ્વીકારે છે અને અનુસરે છે.

આ રીતે સમગ્ર જૈનશ્રુત પ્રથમ વાર એકસાથે લિપિબદ્ધ કરવામાં આવ્યું. આમ દેવર્દ્ધિગણિએ જૈનશ્રુતની એક પૂર્વકાલીન વાચનાને સર્વસ્વીકાર્ય બનાવવાનું મહત્વનું કાર્ય કર્યું.

રામજીભાઈ ઠા. સાવલિયા