વાલ : દ્વિદળી વર્ગમાં આવેલા ફોબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dolichos lablab (Roxb.) L. (હિં. સેમ; બં. લથુંઆ; મ. ગુ. વાલ; તે. પપ્પુકુરા; ત. પારૂપ્યુ કીરાઈ; મલ. શમાચા; ક. અવારે; અં. ઇંડિયન બીન) છે. કઠોળ વર્ગના આ પાકનો ઉપયોગ શાકભાજીમાં લીલા દાણા અને શિંગો તરીકે થાય છે અને તેના સુકાયેલ દાણા કઠોળ તરીકે ખોરાકમાં લેવાય છે. વાલની ખેતી વિવિધ વિસ્તારમાં તેની જુદી જુદી અવસ્થા પ્રમાણેના ઉપયોગથી એક આગવી વિશિષ્ટતા ધરાવે છે. દક્ષિણ ભારતમાં વાલની લીલી શિંગોનો વધુ ઉપયોગ થાય છે; જ્યારે સફેદ શિંગોનો ઉપયોગ પૂર્વ ભારતમાં અને લીલી પાકી શિંગોનો ઉપયોગ ઉત્તર ભારતમાં થાય છે. વાલની ખેતી ભારતમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં થાય છે. ઉત્તર અને મધ્ય ભારતમાં વાલની ખેતી રાગી અને જુવાર સાથે મિશ્ર પાક તરીકે થાય છે, જેથી વાલના વેલાને આ પાકના થડનો ટેકો મળી રહે છે.
જમીન અને હવામાન : વાલનો પાક સામાન્ય રીતે બધા જ પ્રકારની રેતાળ જમીનથી લઈને ભારે કાળી ચીકણી જમીન ઉપર થાય છે; પરંતુ વાલને વધુ પડતી અમ્લીય જમીન માફક આવતી નથી. વાલના પાકનું સારું ઉત્પાદન મેળવવા માટે જમીનનો અમ્લીય આંક (pH) 5.3થી 6.0 વધુ માફક આવે છે. વાલના પાકને 15° સે.થી 25° સે. તાપમાન અને 630થી 890 મિમી. વરસાદ વધુ અનુકૂળ રહે છે. વાલનો પાક વધુ પડતા હિમ સામે ટકી શકતો નથી.
જાતો : વાલની વિવિધ જાતોને તેના છોડના દેખાવ પ્રમાણે ઘટાદાર છોડ પ્રકારની વૃદ્ધિ પામતી અને વેલાની જેમ વીંટળાઈને વૃદ્ધિ પામતી જાતો – એમ બે વર્ગમાં વહેંચવામાં આવેલ છે. કેટલીક જાતોની તેમની લીલી, સફેદ અને જાંબલી શિંગોના રંગ પ્રમાણે, જે તે વિસ્તારની માંગ પ્રમાણે ખેતી થાય છે.
(1) પુસા અરબી પ્રોલિફિક : આ જાતમાં વહેલી પાકતી મધ્યમ કદની પાતળી અને સૂત્રરહિત શિંગો ઝૂમખાંમાં આવે છે. આ જાત ઉનાળુ અને ચોમાસુ એમ બંને મોસમ માટે અનુકૂળ છે.
(2) પુસા એમ–2 : આ જાતમાં શિંગો લાંબી, ઘેરા લીલા રંગની, સૂત્રરહિત અને અર્ધ ગોળાકાર આકારની હોય છે. વધુ ઉત્પાદન આપતી આ જાત રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. આ જાતની ઉત્તર ભારતમાં જૂન-જુલાઈ દરમિયાન વાવણી થાય છે. આ જાતમાં ફળોનો ગુચ્છો છોડની ઉપરના ભાગે અલગ તરી આવે છે.
(3) પુસા એમ–3 : આ જાતની શિંગો લીલી ભરાવદાર, કુમળી, સૂત્રરહિત અને ચપટા પ્રકારની હોય છે. વધુ ઉત્પાદન આપતી આ જાતમાં શિંગો ઝૂમખાંમાં છોડના નીચેના ભાગે જોવા મળે છે. તે ચોમાસામાં જૂન-જુલાઈ દરમિયાન વવાતી અને પ્રતિવિષાણુક (antiviral) જાત છે. ગુજરાતમાં વાલ 125-36, વાલોળ (વીરપુર) અને સુરતી પાપડી જેવી જાતોની વિવિધ વિસ્તાર મુજબ વાવણી થાય છે.
ખાતર : વાલનો પાક કઠોળ વર્ગનો પાક છે. હવામાનમાં રહેલ નાઇટ્રોજનને મૂળ દ્વારા જમીનમાં પ્રસ્થાપિત કરે છે. આથી તેને નાઇટ્રોજનની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે, જ્યારે ફૉસ્ફરસ અને પોટાશ પૂરતાં આપવાં પડે છે. જમીન તૈયાર કરતી વખતે 25થી 50 ટન છાણિયું ખાતર આપવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને રાસાયણિક ખાતરની જરૂરિયાત ઘટાડી શકાય છે. વાલના 800 કિગ્રા. દાણા અને 700 કિગ્રા. છોડની વાનસ્પતિક વૃદ્ધિ મેળવવા જમીનમાંથી 73.5 કિગ્રા. નાઇટ્રોજન, 31 કિગ્રા. ફૉસ્ફરસ અને 61 કિગ્રા. પોટાશ વપરાય છે.
વાવણી–સમય અને બીજનો દર : વાલની વાવણી સામાન્ય રીતે ખરીફ અને રવી મોસમમાં થાય છે. પ્રથમ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન ખરીફ પાક તરીકે જ્યારે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રવી પાક તરીકે વાવણી થાય છે. ભારતના ડુંગરાળ વિસ્તારોમાં વાલની વાવણી માર્ચ-એપ્રિલ દરમિયાન થાય છે. ગુજરાતમાં વાલની વાવણી શિયાળામાં ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન મુખ્ય પાક તરીકે અથવા મિશ્ર પાક તરીકે કરવામાં આવે છે. વાલનું વાવેતર મુખ્ય પાક તરીકે કરવાનું હોય તો 50 કિગ્રા.થી 60 કિગ્રા.; જ્યારે મિશ્ર પાક તરીકે 20 કિગ્રા. પ્રતિ હેક્ટર બીજની જરૂરિયાત રહે છે. જો વેલા પ્રકારની જાત હોય તો 10 કિગ્રા.થી 12 કિગ્રા. પ્રતિ હેક્ટર બીજની જરૂરિયાત રહે છે. વાલની વાવણી જો રોપીને કરવાની હોય તો બે હાર વચ્ચે 90 સેમી. અને હારમાં બે છોડ વચ્ચે 45 સેમી.; જ્યારે વાવણિયાથી રોપવા માટે બે હાર વચ્ચે 45 સેમી.થી 60 સેમી. અને બે છોડ વચ્ચે 30 સેમી.થી 45 સેમી. અંતર રાખવામાં આવે છે.
પિયત અને માવજત : વાલ ટૂંકા મૂળવાળો પાક છે અને વધુ પાણીની પણ છોડ પર ત્વરિત અસર થતી હોય છે. આથી વાલના પાકને જરૂરી પ્રમાણમાં યોગ્ય સમયાંતરે પિયત આપવાથી તેની વૃદ્ધિ સારી થાય છે અને વધુ ઉત્પાદન મળે છે. વાલના પાકમાં ફૂલ આવવાની અવસ્થાએ અને શિંગોમાં દાણાના વિકાસના સમયે પિયત આપવાની ખાસ જરૂરિયાત રહે છે. વાલના પાકમાં વધુ ફૂલ આવે અને શિંગોનો વિકાસ સારો થાય તે માટે 2 પી.પી.એમ. પેરા ક્લોરો ફિનૉક્સી એસેટિક ઍસિડ અથવા 5થી 25 પી.પી.એમ. બીટાનેપ્થો ઑક્ઝિએસિટિક ઍસિડનો છંટકાવ કરવાથી વધુ ફાયદો થાય છે.
રોગો અને જીવાત : કેટલીક ફૂગ અને વિષાણુ સૂક્ષ્મજીવો-(microbes)ના ચેપથી વાલના પાકને થતા વ્યાધિઘ્નો. તેમાં કાલવ્રણ (anthracnose), મૂળનો સૂકો કોહવારો, પાનનાં ટપકાં, ભૂકી છારો, ગેરુ અને વિષાણુના ચટાપટા તેમજ પાનના કોકડવાના રોગનો સમાવેશ થાય છે. તેમાંના કેટલાક વાલ ઉપરાંત અન્ય કઠોળના પાકને પણ નુકસાન કરે છે.
1. કાલવ્રણ : આ રોગ વાલ, મગ, મઠ, ચોળા, ગુવારશિંગ, ચણા અને સોયાબીનને નુકસાન કરે છે.
લક્ષણો : આ વ્યાધિજન ફૂગ થડ, ડાળી, ફૂલ અને શિંગો ઉપર આક્રમણ કરી વિવિધ આકારનાં ટપકાં કરે છે. આ રોગકારક ફૂગ જમીન ઉપર વૃદ્ધિ પામતાં વાલના કોઈ પણ ભાગ પર આક્રમણ કરે છે. તેની વિપરીત અસર હેઠળ આ ભાગોમાં દબાયેલાં કાળાં ચાઠાં પેદા થાય છે અને પાણીપોચા ભૂખરા રંગના જખમો પેદા થાય છે. તેના વિકાસથી નારંગી રંગની કિનારીવાળાં ઘાટાં ભૂખરાં બેઠેલાં ચાઠાં પેદા થાય છે. આ ચાઠાંઓ પાનની ઉપરની બાજુ કરતાં પાનની નીચેની સપાટી પર વધુ જોવા મળે છે. આ ફૂગ અથવા તેના બીજાણુઓનો ઊગતા વાલના છોડને પ્રાથમિક ચેપ લગાડતાં તે સુકાઈને મૃત્યુ પામે છે; જ્યારે છોડના અંકુરો, પર્ણદંડ કે ડાળી પર આક્રમણ થતાં ત્યાંનો અસરગ્રસ્ત ભાગ કરમાઈ જાય છે.
આ રોગની પ્રાથમિક ચેપની શરૂઆત ઊગતા યજમાન છોડ પર થાય છે; જ્યારે દ્વિતીય ચેપ ફૂગના બીજાણુઓ પવન મારફતે ફેલાય છે. આ ફૂગની ફૂગધાનીઓ એક ઋતુથી બીજી ઋતુ સુધી તેનું જીવનચક્ર જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.
નિયંત્રણના ઉપાયો : (1) પારાયુક્ત ફૂગનાશક અથવા કૅપ્ટાન કે થાયરમનો પટ આપેલ બીજની વાવણી કરવામાં આવે છે. (2) રોગની શરૂઆત થતાં કાર્બેન્ડાઝીમ કે બેનોમલ જેવી ફૂગનાશકનો છંટકાવ કરવામાં આવે છે. (3) ખેતરમાંથી રોગવાળા છોડને ઉપાડી બાળી નાશ કરવામાં આવે છે. (4) રોગપ્રતિકારક જાતો વાપરવી તે સૌથી વધુ અસરકારક ઉપાય છે.
2. થડ અને મૂળનો કોહવારો અને સુકારો : વાલના પાકમાં જુદા જુદા વ્યાધિજનોને લીધે આ રોગો થાય છે. મેક્રોફોમેના નામની પરોપજીવી ફૂગથી થતો મૂળનો કોહવારો વિશેષ નુકસાન કરે છે. આ ફૂગના ચેપથી અન્ય કૃષિપાકોને પણ હાનિ થાય છે. તેથી તેનું જીવનચક્ર એક યા બીજી રીતે જળવાઈ રહે છે. આ રોગ ઉપર્યુક્ત પાકો માટે નુકસાનકારક નીવડે છે.
લક્ષણો : આ રોગથી કુમળાં પાન અને કૂંપળો, તેમાં પાણીની અછત હોય તેમ, લબડી પડે છે અને પાન પીળાં પડી સુકાવા લાગે છે. દર વર્ષે તેની વિપરીત અસર હેઠળ ધરુ સુકાઈ જાય છે. આવા સુકાયેલા છોડના થડને ફાડીને જોવાથી તેની છાલની નીચે ફૂગના કાળા જલાશ્મો જોવા મળે છે અને મૂળ અને થડની નીચેનો ભાગ કોહવાયેલાં જણાય છે. આ કોહવાયેલા ભાગની પેશીઓ નબળી પડવાથી સહેલાઈથી તૂટી જાય છે.
આ ફૂગ યજમાન પોતાનું જીવનચક્ર વનસ્પતિના મૃત અવશેષો ઉપર આક્રમણ કરી ચાલુ રાખે છે. વાતાવરણમાં 30° સે. તાપમાનને લીધે બીજાણુધાનીઓ (sporangia) તૈયાર થાય છે, જે સુષુપ્ત રહી બીજી ઋતુમાં પ્રાથમિક ચેપ લગાડે છે.
નિયંત્રણના ઉપાયો : આ ફૂગ વિવિધ યજમાન પાકોને ચેપ લગાડતી હોય છે, તેથી તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ છે. ખેતરમાંથી રોગવાળા છોડો ઉપાડી બાળી તેમનો નાશ કરાય છે. વળી જમીનમાં તાંબાયુક્ત ફૂગનાશક રેડવાથી રોગની માત્રા ઘટાડી શકાય છે.
3. ભૂકી છારો : કઠોળ વર્ગના દરેક પાકમાં ભૂકી છારાનો રોગ ઓછા-વધતા પ્રમાણમાં નુકસાન કરે છે. આ ફૂગનો ચેપ લગાડનારી 300થી વધારે યજમાન વનસ્પતિઓ નોંધાયેલી છે.
લક્ષણો : પાન ઉપર ફૂગનું આક્રમણ થતાં આક્રમિત વિસ્તારમાં સૌપ્રથમ પીળાં ધાબાં દેખાય છે. સમય જતાં આક્રમિત વિસ્તારમાં ફૂગની કવકજાળ અને બીજાણુઓ સફેદ પાઉડરસ્વરૂપે ફેલાયેલી જોવા મળે છે. રોગ માટે અનુકૂળ વાતાવરણ હોય તો છોડની ડાળી અને અન્ય ભાગો ઉપર પણ ફૂગનું આક્રમણ જોવા મળે છે. આ આક્રમિત ભાગમાં સફેદ ભૂકી-સ્વરૂપે બીજાણુઓ જોવા મળે છે. ફૂલ-અવસ્થામાં છોડ ઉપર આક્રમણ થવાથી પાકનું ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે. આ ફૂગનું આક્રમણ પાકની શરૂઆતની અવસ્થામાં થતાં છોડ કરમાઈને મૃત્યુ પામે છે.
આ ફૂગ તેના ચૂષક અંગ મારફતે વનસ્પતિના કોષોમાં દાખલ થઈ તેમાંથી ખોરાક મેળવે છે. આ ફૂગ યજમાનની બાહ્ય સપાટી ઉપર કવકજાળ પાથરી તેમાંથી સાકરસ્વરૂપે બીજાણુદંડ ઉપર સફેદ રંગના બીજાણુઓ પેદા કરતી હોય છે.
નિયંત્રણના ઉપાયો : રોગની શરૂઆત થતાં ગંધકની ભૂકીનો પ્રતિ હેક્ટરે 25 કિલો પ્રમાણે 2થી 3 વખત છંટકાવ કરવો જરૂરી થાય છે.
4. ગેરુ : વાલના ગેરુનો રોગ ગુજરાત રાજ્યમાં ખાસ નુકસાન કરતો નથી, પરંતુ ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ અને બંગાળ રાજ્યમાં તે વધુ નુકસાન કરે છે.
લક્ષણો : પાન ઉપર ફૂગનું આક્રમણ થતાં પાનની બંને સપાટી પર ઈંડાં આકારના ભૂખરા જખમો જોવા મળે છે. આ જખમોની વૃદ્ધિ થતાં પાન ઉપર ગેરુનાં ટપકાં થાય છે. આ ટપકાંમાં અસંખ્ય નિંદાઘ-બીજાણુ પેદા થાય છે, જે પરિપક્વ થતાં ચાઠાંની ઉપરનું પડ તોડી બહાર આવી પવન મારફતે ફેલાય છે. ફૂલના ભાગો, શિંગો અને ડાળી ઉપર ઘાટા ભૂખરા રંગનાં ગેરુનાં ચાઠાં જોવા મળે છે. પાકની પાછળની અવસ્થામાં છૂટાંછવાયાં ચાઠાંમાં કાળા ભૂખરા રંગના અત્યંક બીજાણુ પેદા થતાં કાળાં ચાઠાં જોવા મળે છે.
આ ફૂગનું જીવનચક્ર નિંદાઘ-બીજાણુથી ચાલુ રહે છે જ્યારે આ રોગના જીવનચક્રમાં બીજાણુ કયો ભાગ ભજવે છે તે વિશેની માહિતી અધૂરી છે.
નિયંત્રણના ઉપાયો : ગંધકનો ભૂકી છંટકાવ, ઝિનેબ અથવા મેનેબ ફૂગનાશકનો છંટકાવ રોગને નિયંત્રિત કરી શકે છે.
5. વિષાણુથી થતા ચટાપટા : આ વિષાણુનો ફેલાવો ચૂસિયા પ્રકારની મોલોમશી જીવાતથી થાય છે. આ મોલોમશી જીવાત વિષાણુવાળા રોગિષ્ઠ છોડ ઉપરથી ખોરાક મેળવી બીજા તંદુરસ્ત છોડ પર આક્રમણ કરવા જતા આ વિષાણુઓનો ફેલાવો થાય છે. પાનમાં વિષાણુ દાખલ થતાં પાન પીળાં લીલાં ધાબાંવાળાં જોવા મળે છે. કુમળાં પાન અને કૂંપળો ઉપર વિષાણુની અસરના લીધે વિકૃતિ પામેલાં પીળાં કોકડાયેલાં પાન જોવા મળે છે. તેની અસર હેઠળ યજમાન છોડ બટકો રહે છે. તેની ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં ફૂલો બેસે છે. શિંગની સંખ્યા પણ ખૂબ જ ઓછી હોય છે. આ વિષાણુઓ બીજ મારફતે પણ ફેલાય છે.
6. પાનનો કોકડવા : આ વિષાણુથી થતો રોગ છે. પાનમાં વિષાણુનું આક્રમણ થતાં તેની કિનારી વળી જાય છે. પાનની બે નસો વચ્ચે ઘાટા લીલા રંગનાં ધાબાં જોવા મળે છે.
વિષાણુવાહક ચૂસિયા પ્રકારની જીવાત પર જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી ઉપરના બંને વિષાણુજન્ય રોગોને કાબૂમાં રાખી અટકાવી શકાય છે.
કરમાવો (blight) અને મૂળના ગંઠવા કૃમિનો રોગ પણ વાલના પાકમાં જોવા મળે છે. વાલના પાકને બીટલ પાન અને શિંગો ખાઈને નુકસાન કરે છે. તેના નિયંત્રણ માટે રોટેનન 1.5 કિગ્રા. 450 લિટર પાણીમાં અથવા ક્રિયોલાઇટ 1.5 કિગ્રા. 225 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જરૂરી છે. વીવીલ એ બીજના સંગ્રહ વખતે કે ખેતરમાં બીજ ખાઈને નુકસાન કરે છે. આ જીવાતના નિયંત્રણ માટે કાર્બન ડાયસલ્ફાઇડ 1.5 કિગ્રા.થી 4.0 કિગ્રા./30 ક્યુ.મી. વિસ્તારમાં ફ્યુમિગેશન કરવાથી ફાયદો થાય છે. આ પાકમાં એફીડ, થ્રિપ્સ અને મેગટ જેવી અન્ય જીવાતો પણ જોવા મળે છે.
કાપણી અને ઉત્પાદન : વાલની કાપણી તેની જરૂરિયાત મુજબ લીલી શિંગો શાકભાજી તરીકે ઉતારવા માટે પ્રથમ પુષ્પો આવ્યા બાદ 15થી 20 દિવસે એટલે કે, 75થી 90 દિવસે તૈયાર થઈ જાય છે. લીલી શિંગો ઉતારતી વખતે શિંગો વધુ પાકી ન જાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. જો શિંગો મોડી ઉતારવામાં આવે તો કુલ ઉત્પાદન વધે છે; પરંતુ તેમની ગુણવત્તા ઘટે છે. વાલની શિંગો મજૂરો દ્વારા હાથથી ઉતારવામાં આવે છે. વિકસિત દેશોમાં શિંગો ઉતારવા માટે મશીનનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં મશીનનો ઉપયોગ ફક્ત છેલ્લી વીણીમાં સુકાયેલી શિંગો ઉતારવામાં કરવામાં આવે તો વાલના છોડને થતા નુકસાનથી થતી ઉત્પાદન-ઘટને અટકાવી શકાય છે.
શિંગોમાં બીજ પૂરતા પ્રમાણમાં વિકાસ પામેલ હોય ત્યારે સૂકા વાલની શિંગોને ઉતારવામાં આવે છે. વાલની શિંગો પીળી પડી ગઈ હોય અને છોડના નીચેના ભાગની શિંગો ફાટીને દાણા ખરી પડતા હોય તે સમયે તેમને ઉતારવાથી મજૂરીખર્ચ ઘટે છે અને ઉત્પાદન પણ સારું મળે છે. શિંગો જો મશીનથી ઉતારેલી હોય તો 10થી 15 દિવસ સુધી બીજને ફેરવતા રહી નુકસાન પામેલાં અને સડી ગયેલાં બીજને અલગ કરવાથી તેમની ગુણવત્તા સારી અને બજારભાવ વધુ મળે છે.
વાલનું ઉત્પાદન જમીનની ફળદ્રૂપતા, વિસ્તાર અને વિવિધ જાત પ્રમાણે વત્તાઓછા પ્રમાણમાં મળે છે. લીલી શિંગોનું ઉત્પાદન 6,000 કિગ્રા.થી 8,000 કિગ્રા. પ્રતિ હેક્ટર અને સૂકા બીજનું ઉત્પાદન 1,200 કિગ્રા.થી 1,800 કિગ્રા. પ્રતિ હેક્ટર મળે છે.
તેની દાળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 9.6 %, પ્રોટીન 24.9 %, લિપિડ 0.8 %, ખનિજ-દ્રવ્ય 3.2 %, રેસો 1.4 %, કાર્બોદિતો 60.1 %, કૅલ્શિયમ 0.06 % અને ફૉસ્ફરસ 0.45 %, લોહ 2 મિગ્રા., નિકોટિનિક ઍસિડ 1.8 મિગ્રા./100 ગ્રા.. તેનું મુખ્ય પ્રોટીન ડોલીકોસિન પ્રકારનું ગ્લોબ્યુલિન છે. બીજ કૅટેચોલ ઑક્સિડેઝના વિપુલ પ્રમાણમાં ધરાવે છે.
પરેશ હરિપ્રસાદ ભટ્ટ, સુરેશભાઈ યશરાજભાઈ પટેલ, હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ