વાર્વ (varve) : હિમજન્ય સરોવરોમાં મોસમ પ્રમાણે જમાવટ પામતું પડ. હિમનદી દ્વારા તૈયાર થયેલાં નાના પરિમાણવાળાં સરોવરોમાં જે નિક્ષેપ તૈયાર થાય છે તેનું દ્રવ્ય ભિન્ન ભિન્ન કણકદનું હોય છે તેમજ તેમાં મોસમ પ્રમાણે જમા થતું દ્રવ્ય જુદાં જુદાં ભૌતિક લક્ષણોવાળું હોય છે. અહીં વારાફરતી આછા અને ઘેરા રંગવાળાં નિક્ષેપોનાં પડ રચાતાં જાય છે. એક એક જૂથ એક એક સ્તર રચે છે. આ પ્રકારની હિમજળજન્ય નિક્ષેપરચના રંગવૈવિધ્ય અને પડવાળી હોવાથી વાર્વ તરીકે ઓળખાય છે.

બહોળું અર્થઘટન કરતાં, એક વર્ષમાં જામેલા કણનિક્ષેપ-પડને વાર્વ કહેવાય. વાસ્તવમાં તો આ પ્રકારના નિક્ષેપો હિમનદીના ઓગળેલા પાણીથી બનેલાં સરોવરોમાં જે કણજમાવટ થાય તે પૂરતા જ મર્યાદિત ગણાય છે. આવા નિક્ષેપોની વાર્ષિક જમાવટ ઉનાળામાં સ્થૂળ કણકદવાળા અને આછા રંગવાળા જાડા પડથી, જ્યારે શિયાળામાં સૂક્ષ્મ કણકદવાળા અને ઘેરા રંગવાળા પાતળા પડથી થાય છે. વાર્વની જાડાઈ થોડાક મિમી.થી અમુક સેમી. સુધીની હોય છે. વર્ષોવર્ષનાં ક્રમિક પડ (વાર્વ્ઝ) સામાન્ય રીતે તો 2.5 સેમી. કે તેથી ઓછી જાડાઈ ધરાવતાં હોય છે. સ્થાનભેદે મળતાં જાડાં અને પાતળાં પડ વૃક્ષનાં વલયો સાથે સામ્ય ધરાવે છે. રંગવૈવિધ્ય ધરાવતાં પડ પરથી મોસમની અને વર્ષોની ગણતરી કરી શકાય છે. ગણતરી અને સહસંબંધ પરથી ઉત્તર ગોળાર્ધ માટે (દ ગીઅર અને તેના શિષ્યો દ્વારા) પ્લાયસ્ટોસીન કાલખંડની સમયગણના ચોકસાઈપૂર્વક કરવામાં આવી છે. સ્વીડનમાં વાર્વ પરથી 18,000 વર્ષનો ભૂસ્તરીય ઇતિહાસ પણ જાણી શકાયો છે. પ્રાચીન ખડકોમાં પણ આવાં પડ જોવા મળેલાં છે, પરંતુ પડ વાર્ષિક છે કે નહિ તેનો નિર્ણય થઈ શકેલ નથી.

ગિરીશભાઈ પંડ્યા