વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર

January, 2005

વાર્લામૉવ, ઍલેક્ઝાન્ડર (જ. 27 નવેમ્બર 1801, મૉસ્કો, રશિયા; અ. 27 ઑક્ટોબર 1848, સેંટ પિટર્સબર્ગ, રશિયા) : રશિયન લોકગીતો અને લોકસંગીતના આધારે મૌલિક સંગીતસર્જન કરનાર રશિયન સંગીતકાર અને સ્વરકાર. પિતા લશ્કરી અફસર હતા. બાળપણથી જ ઍલેક્ઝાન્ડર વાર્લામૉવનો કંઠ સુરીલો અને રણકતો હતો. તેથી તેને સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં ડી. એસ. બૉટર્નિયૅસ્કી હેઠળ તેણે તાલીમ મેળવવી શરૂ કરી, જેના પ્રતાપે વાર્લામૉવની શૈલી પ્રૌઢ બની. 1819માં વાર્લામૉવે આ સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યો અને એને હેગ (Hague) ખાતે વિદેશ મોકલી દેવામાં આવ્યો. ત્યાં વરસો સુધી ‘રશિયન ઍમ્બેસેડૉરિયલ ચર્ચ’માં ગાયકીના શિક્ષક તરીકેની જવાબદારી તેણે નિભાવી. 1823માં મૉસ્કો પાછા આવી મુક્ત વ્યવસાયી (ફ્રી લાન્સ) ધોરણે તેણે જાહેર જલસાઓમાં ગાન કરવાનું, સંગીતનું શિક્ષણ આપવાનું, ગાયકવૃંદો અને વાદકવૃંદોનું સંચાલન (conducting) કરવાનું તથા મૌલિક સંગીતને સ્વરાંકિત કરવાનું શરૂ કર્યું.

1829માં તેણે સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલમાં સંગીતશિક્ષકની પદવી સ્વીકારી. આ જ સમયે તે રશિયન સંગીતના આદ્યપ્રણેતા મિખાઇલ ગ્લીન્કાના પરિચયમાં આવ્યો. પરિણામસ્વરૂપે તેને નાટક અને ઑપેરાના સંગીત તરફ આકર્ષણ જાગ્યું. 1832માં સેંટ પિટર્સબર્ગ કોયર સ્કૂલના શિક્ષકની નોકરી તેમ જ સેંટ પિટર્સબર્ગ નગર બંનેનો ત્યાગ કરી તે મૉસ્કો ચાલ્યો આવ્યો. મૉસ્કોમાં તેણે મૉસ્કો ઇમ્પીરિયલ થિયેટર્સમાં આસિસ્ટન્ટ સંગીતવૃંદ-સંચાલક(ક્ધડક્ટર)ની પદવી સ્વીકારી. મુખ્ય સંચાલકની અનુપસ્થિતિમાં તેણે જલસા દરમિયાન ગાયકવૃંદ અને વાદકવૃંદનું સંચાલન કરવું પડતું તેમ જ કેટલીક વાર બૅલે, ઑપેરા અને નાટકો માટે મૌલિક સંગીત-સર્જન પણ કરવું પડતું હતું. એની આવી મૌલિક સંગીતકૃતિઓ 1830થી 1850 સુધી મૉસ્કોના મૅલી (MALY) થિયેટર અને સેંટ પિટર્સબર્ગના નાટ્ય-ઑપેરાગૃહોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ. એનાં અઢળક ગીતો ઉપરાંત બે બૅલે ‘ધ સુલ્તાન્સ પાસ્ટ-ટાઇમ’ અને ‘ટૉમ થમ્બ’ અત્યંત લોકપ્રિય બન્યાં છે. એ બંને બૅલેના પ્રિમિયર શો મૉસ્કોની વિખ્યાત ‘બૉલ્શૉય બૅલે’ થિયેટરમાં થયેલા.

વાર્લામૉવે અત્યાર સુધીમાં સ્વરાંકન સાથે એકઠાં કરેલાં રશિયન લોકગીતોનું સંપાદન 1840માં ‘એ કમ્પ્લીટ વોકલ સ્કૂલ’ નામના શીર્ષક હેઠળના પુસ્તકમાં કર્યું. તેમાં પરિશિષ્ટ રૂપે રશિયન લોકસંગીતનું તેણે કરેલું વિશ્લેષણ અને તારવેલા સિદ્ધાંતો પણ મૂકવામાં આવ્યાં છે. રશિયન લોકસંગીતના સંપાદન અને અભ્યાસનું આ પ્રથમ પુસ્તક છે, જેનું શ્રેય વાર્લામૉવને મળે છે.

રશિયન લોકસંગીતમાંથી પ્રેરણા મેળવીને જ વાર્લામૉવે ગમતા કવિઓના ગમતાં ગીતોને સંગીતમાં ઢાળેલાં. આ ગીતોમાં ક્યાંક ક્યાંક વણજારાનાં જિપ્સી ગીતોની છાંટ પણ જોવા મળે છે.

વાર્લામૉવે સંગીતમાં ઢાળેલાં ગીતોની કુલ સંખ્યા 160થી 180ની વચ્ચે ગણાય છે. તેમાં એન. જી. ત્સીગૅનૉવનું ગીત ‘ધ રેડ સૅરેફેન’; એ. વી. તિમોફેયેવનાં ગીતો ‘આહ ! યે, ટાઇમ !’, ‘વ્હાય શુડ આય વરી’ અને ‘આય શૅલ સૅડલ માય હોર્સ’; ગટેના લેર્મેન્તૉવ દ્વારા અનુવાદિત ગીત ‘ધ માઉન્ટેન સમીટ્સ’; ઉપરાંત ગીતો ‘ઍ મિસ્ટી ડૉન’, ‘ઓહ ! ઇટ હર્ટ્સ ઍન્ડ પેઇન્સ’, ‘ઑહ ડૉન્ટ બ્લો, વિન્ડ્ઝ’; લેર્મેન્તૉવના ગીત ‘એ લૉન્લી સેઇલ લૂમ્સ વ્હાઇટ’, એ. એ. ફૅટનું ગીત ‘ડુ નૉટ વેઇક હર ઍટ ડૉન’ હજી આજે પણ રશિયન પ્રજાને હૈયે અને હોઠે છે.

1845માં વાર્લામૉવ સેંટ પિટર્સબર્ગ રહેવા ચાલ્યો ગયેલો, જ્યાં તે ત્રણ વરસ પછી મૃત્યુ પામ્યો.

અમિતાભ મડિયા