વાર્નેર વિલિયમ લૉઇડ

January, 2005

વાર્નેર વિલિયમ લૉઇડ (જ. 26 ઑક્ટોબર 1898, રેડલૅન્ડ્ઝ, કાલિફ; અ. 23 મે 1970, શિકાગો) : અમેરિકાના સામાજિક નૃવંશશાસ્ત્રી. તેમણે ઈ. સ. 1926માં બી.એ.ની પદવી નૃવંશશાસ્ત્રમાં લીધી. તેમણે 1927થી 1929 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં રહીને મુર્નજિન લોકોનો અભ્યાસ કર્યો. ઈ. સ. 1929માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક તરીકે અને 1935માં શિકાગો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેમણે આ કાર્ય 1959 સુધી કર્યું. આ દરમિયાન સામાજિક સંશોધનના પ્રાધ્યાપક તરીકે મિશિગન યુનિવર્સિટીમાં પણ કાર્ય કર્યું. અમેરિકાના અગ્રણી સમાજશાસ્ત્રી તરીકે તેમણે સામાજિક સમસ્યાઓ ઉપર તથા સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્ર વિષયમાં કેટલાંક સંશોધનો કર્યાં. તે સમયની અમેરિકન સંસ્કૃતિમાં તેમણે વર્ગસંરચના પ્રતીક-પદ્ધતિ અને માનવીય પ્રેરણા બાબતે રસ દાખવ્યો. સને 1930થી 1940 દરમિયાન તેમણે એક નૃવંશશાસ્ત્રી તરીકે યાંકીનગરનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં વર્ગ, સમુદાય, કારખાનાનું જીવન, પ્રજાતીય જૂથો, ધર્મ અને પ્રતીકવાદ જેવા વિવિધ વિષયોનું વિશ્લેષણ તથા વર્ણન કર્યું છે. તેમનો આ અભ્યાસ પાંચ ખંડમાં પ્રકાશિત થયો છે.

તેમના સંશોધન-અભ્યાસો વિશેનાં કેટલાંક પ્રકાશનોમાં છે : ‘ડેમૉક્રસી ઇન જોનસે વિલે’માં (1949) સમાનતાઅસમાનતાના સંદર્ભમાં ચર્ચા કરી છે. ‘સોશિયલ ક્લાસ ઇન અમેરિકા’(1949)માં સામાજિક માપનની પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો છે. તેમના સંશોધન-અભ્યાસનાં મૂળભૂત તારણોની રજૂઆત ‘અમેરિકન લાઇફ : ડ્રીમ ઍન્ડ રિયાલિટી’ (1953) પુસ્તકમાં કરી છે. તેની બીજી આવૃત્તિ 1962માં થઈ છે. ‘ધ લિવિંગ ઍન્ડ ધ ડેડ’ અમેરિકનોની આંતરિક જીવનશૈલી પર પ્રકાશ પાડે છે. એમનો આ અભ્યાસ ખૂબ જ મહત્વનો ગણાયો છે. તેનું પ્રકાશન 1959માં થયું હતું. ‘ધી ઇમરજન્ટ અમેરિકન સોસાયટી’ એ તેમણે સંપાદિત કરેલ પુસ્તક છે, જે 1967માં પ્રગટ થયું હતું.

વાર્નેરની ગણના વીસમી સદીની મધ્યના યુનાઇટેડ સ્ટેટ્સના વિદ્વાન સમાજવૈજ્ઞાનિક તરીકે થાય છે. તેમનો અમેરિકન સમાજનો અભ્યાસ બીજા લોકો માટે નૃવંશશાસ્ત્રના અભ્યાસના એક માર્ગદર્શક નમૂનારૂપ છે. તેમાં તેમણે જટિલ સમાજના સામાજિક સ્તરીકરણના – આર્થિક સંસ્થાઓ તેમજ માનવીય પરંપરાના અભ્યાસની ખૂબ જ ઉપયોગી ફળશ્રુતિ આપી છે.

તેઓ ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓના સગાઈસંબંધો વિશેના અભ્યાસ માટે જાણીતા બન્યા હતા. તેમણે આધુનિક શહેરી સમુદાયો વિશેનો અભ્યાસ કરીને સામાજિક વર્ગને અલગ પાડતા ઘટકોનો અભ્યાસ કર્યો છે. આ સિવાય તેમણે અર્બન ઍન્થ્રોપૉલોજી ઉપર પાયાનું કાર્ય કર્યું છે.

હર્ષિદા દવે