વાર્કે, પોંકુન્નમ્

January, 2005

વાર્કે, પોંકુન્નમ્ (જ. 1908, પોંકુન્નમ્, કેરળ) : મલયાળમ લેખક. ‘મલયાળમ વિદ્વાન’ની પરીક્ષા પાસ કર્યા પછી તેમણે શિક્ષકની કારકિર્દી સ્વીકારી. તે પછી નોકરી છોડીને કૉંગ્રેસે શરૂ કરેલી આઝાદીની લડતમાં જોડાયા. પોતાની વાર્તાઓ મારફત વર્ગવિગ્રહ ફેલાવવાના આરોપસર તેમને જેલવાસ મળેલો. પછી પ્રોગ્રેસિવ લિટરરી ઍસોસિયેશનના તેઓ મંત્રી બન્યા. 1967-70 દરમિયાન સાહિત્ય-પ્રવર્તક સહકારન્ સંઘમના તેઓ પ્રમુખ રહ્યા. 1971-74 દરમિયાન કેરળ સાહિત્ય અકાદમીના પ્રમુખ થયા. તેમણે વાર્તાઓ, નાટકો તથા ચલચિત્રોની પટકથાઓ લખી છે. તેમનાં કેટલાંક નાટકો પરથી ચલચિત્રોનું સર્જન પણ થયું છે.

તેમને મળેલા ઘણા પુરસ્કારોમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1992) મુખ્ય છે. તેમનાં 50 જેટલાં પ્રકાશનોમાં ‘જેતાક્કલ’ (1947), ‘વાઝી તુરન્નુ’ (1956), ‘વિસિરિક્કુ કટ્ટુ વેન્દા’ (1958), ‘ઇરુમ્બુ પારા’ (1966) તથા ‘ગંગા-સંગમ્’ – એ નાટકો; ‘ઇદિવન્દી’, ‘નટ્ટુ વેલિયમ્’, ‘નિવેદનમ્’, ‘વિકાર સદનામ્’ (2 ભાગ) તથા ‘તેરેન્જેદુતા કથકલ’ (2 ભાગ) (1964, 68) – એ વાર્તાસંગ્રહો અને ‘નલ્લ અવસરંગલ’ (1968) એ બાળસાહિત્યની કૃતિ મુખ્ય છે.

મહેશ ચોકસી