વારીઅ ભરિયો પલાંદ (1968)

January, 2005

વારીઅ ભરિયો પલાંદ (1968) : સિંધી ગઝલસંગ્રહ. સિંધી સાહિત્યના પ્રથમ શ્રેણીના કવિ નારાયણ શ્યામે (1922-1989) કાવ્યની બધી શાખાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમણે દોહા-સોરઠા, ગીત, નઝમ, બેત, ચોડસી, રુબાઈ, વાઈ વગેરે કાવ્યપ્રકારો ખેડ્યા છે. જાપાની કાવ્ય ‘હાઈકુ’ને ‘તસ્વીરું’ નામે સિંધી સ્વરૂપ આપીને સિંધીમાં પ્રચલિત કર્યું. ફ્રેન્ચ Trioletના આધારે ‘તરાઇલ’ લખ્યાં. એમણે ગઝલ પણ લખી, જેની સંખ્યા 350 જેટલી છે.

‘વારીઅ ભરિયો પલાંદ’(રેતથી ભરેલો ખોળો)માં કવિની 64 ગઝલો સંગૃહીત છે. આ સંગ્રહને 1970માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.

સંગ્રહની બધી ગઝલો મનને સ્પર્શ કરી જાય એવી છે. આ ગઝલો મનુષ્યની સમસ્યાઓ, લાગણીઓ, કલ્પનાઓ, વિચારો અને અન્ય ઘણી બધી બાબતોને અભિવ્યક્ત કરે છે. જીવનની બારીકીઓ અને હકીકતો તેમાં સુંદર અને કલાત્મક રીતે વણવામાં આવી છે. ઉર્દૂ-મિશ્રિત શબ્દોના ઉપયોગથી દૂર રહીને સિંધી કહી શકાય એવી ગઝલો આપવામાં કવિ સફળ રહ્યા છે. કવિ ફારસી, ઉર્દૂ અને હિન્દીના જાણકાર છે. તેથી એમની ગઝલોમાં ક્યાંક થોડા શબ્દો આ ભાષાઓના આવે છે; પરંતુ એ શબ્દો ક્યાંય અનુચિત નથી લાગતા. શુદ્ધ સિંધી શબ્દોનો કવિ પાસે મોટો ખજાનો છે. એમની ભાષામાં માધુર્ય અને લાવણ્ય છે. શબ્દો સહજ રીતે આવે છે. એમની ગઝલોમાં વિચારોની ઊંડાઈ અને કલ્પનાઓ તથા વિચારોની ઊંચાઈ જોવા મળે છે. કવિની તે ખાસ ખૂબી છે.

નારાયણ શ્યામના અન્ય કાવ્યસંગ્રહોમાં ‘માકફુડા’, ‘પંખડિયૂં’, ‘રંગ રતી લહર’, ‘રોશન છાંવરો’, ‘માક બિના રાબેલ’, ‘આ છીંદે લજ મરાં’, ‘મહ્કી વેલ સુબહ જી’, ‘ન સો રંગ ન સા સુરહાણ’, ‘ડાત ઐં હયાત’(બે ભાગ)નો સમાવેશ થાય છે.

હુંદરાજ બલવાણી