વારિયાર, રામપુરતુ (જ. 1703, રામપુરમ્, તા. મીનાવિલ, કેરળ; અ. 1753) : મલયાળમ કવિ અને વિવેચક. તેમનું મૂળ નામ શંકરન્ હતું; પરંતુ મલયાળમમાં સાહિત્યિક ક્ષેત્રે સામાન્ય રીતે તેઓ રામપુરતુ વારિયાર તરીકે ઓળખાતા.
તેઓ તેમના પિતા પાસેથી અને જાણીતા કવિ ઉણ્ણયિ વારિયાર પાસેથી સંસ્કૃત શીખ્યા. તેઓ સાહિત્ય ઉપરાંત સંગીતમાં પણ પારંગત હતા અને સારા જ્યોતિષશાસ્ત્રી પણ હતા. આજીવિકા માટે થઈને તેમણે બાળકોને સંસ્કૃત શીખવવાની એક શાળા સ્થાપી હતી.
આશરે 1750માં તેઓ જાણીતા તીર્થ વાઇકૉમની મુલાકાતે ગયા ત્યારે ત્રાવણકોરના મહારાજા માર્તંડ વર્માનો ત્યાં ધર્મકાર્ય માટે મુકામ હતો. તે રાજા સમક્ષ વારિયારે કેટલીક કાવ્યપંક્તિઓ રજૂ કરી. તેથી રાજા પ્રસન્ન થયા અને તેમને તેમની સાથે નૌકામાં ત્રિવેન્દ્રમ્ લઈ ગયા. નૌકાની અંદર રાજાએ તેમને પ્રસંગોચિત કાવ્યરચના કરવા જણાવતાં તેમણે ‘કુચેલવ્રતમ્’ નામની કાવ્યકૃતિ રચવાનું શરૂ કર્યું. એક કડવું પૂરું થતાં રાજા સમક્ષ વાંચી/ગાઈ સંભળાવીને આગળ વધતા. આમ ત્રણ-ચાર દિવસમાં ત્રિવેન્દ્રમ્ પહોંચતા સુધીમાં તેમણે આ કાવ્યકૃતિ પૂરી કરી. ત્યાં પહોંચીને મહારાજાની આજ્ઞા મુજબ તેઓ કેટલાક મહિના સુધી ત્રિવેન્દ્રમમાં રોકાયા.
તેઓ જ્યારે રામપુરમ્ પાછા ફર્યા ત્યારે, શ્રીકૃષ્ણનો આદરસત્કાર માણી પાછા ફરેલા કુચેલ(સુદામા)ની જેમ, તેઓ મહારાજાની આજ્ઞાથી બંધાયેલ ભવ્ય ભવન તથા આજુબાજુની જમીનના માલિક બન્યાનું જાણીને આશ્ચર્યચકિત બની ગયા. આમ તેઓ ગરીબાઈમાંથી મુક્તિ પામ્યા.
વારિયારનાં નૌકાગીત તેમનું મહત્વનું પ્રદાન છે. તેમાં અજોડ કાવ્યાત્મક ચિત્રણ છે. આવાં ગીતો વાસ્તવમાં નૌકાચાલકો દ્વારા નૌકા ચલાવતી વખતે ગવાતાં હોય છે. તેની પ્રથમ પંક્તિમાં 16 શબ્દો અને બીજીમાં 13 શબ્દો હોય છે. દરેક પંક્તિમાં 8મા અક્ષર પછી યતિ હોય છે. આવાં ગીતો તાલ અને રચનામાં લોકગીતો જેવાં હોય છે.
‘કુચેલવ્રતમ્’ 700 પંક્તિનું નૌકાગીત છે. શરૂઆતમાં મહારાજાની પ્રશસ્તિ અને પાટનગર ત્રિવેન્દ્રમનું અદ્ભુત વર્ણન જોવા મળે છે. તેમાંનો મોટો ભાગ કુચૈલ (સુદામા) તેના બાળપણના મિત્ર અને સહાધ્યાયી કૃષ્ણને મળવા ગયા ત્યાંથી માંડીને તે પાછા ફર્યા ત્યાં સુધીની કથાએ રોક્યો છે. તેમાં પ્રસંગોચિત લાગણી અને ભક્તિભાવ યોગ્ય અલંકારો અને આબેહૂબ વર્ણન દ્વારા ચિત્રાંકિત કરાયાં છે.
તેમની અન્ય કૃતિ ‘ભાષા અષ્ટપદી’ જયદેવની કૃતિ ‘ગીતગોવિંદ’નું નોંધપાત્ર મલયાલી રૂપાંતર છે. આ ઉપરાંત તેમની અન્ય કૃતિઓમાં ‘તુળળાલ’, ‘તિરુવતિર’, ‘કીર્તન’ અને ‘અમરકોષ’ પરનું સંક્ષિપ્ત વિવેચન ઉલ્લેખનીય છે.
બળદેવભાઈ કનીજિયા