વારિયર, ઉણ્ણયિ (18મી સદી)

January, 2005

વારિયર, ઉણ્ણયિ (18મી સદી) : મલયાળમ ભાષાના નાટ્યકાર. તેમનો જન્મ ઇરિંગલકુડા ખાતે પુરોહિત પરિવારમાં થયો હતો. તેઓ તિરુવનંતપુરમના રાજાના દરબારી કવિ હતા કે કેમ તે ચર્ચાનો વિષય છે. વળી તેઓ ‘ગિરિજા-કલાણ્યમ્’ના લેખક હતા કે કેમ તે પણ શંકાસ્પદ છે.

આધ્યાત્મિક આયામોવાળા તેમના અતિ ગંભીર કાવ્યાત્મક નાટક ‘નળચરિતમ્’થી તેઓ વધુ ખ્યાતિ પામ્યા તે કૃતિ સંપૂર્ણપણે શેક્સપિયરના નાટક અથવા ગેટેની ‘ફાઉસ્ટ’ જેવી કૃતિને મળતી આવે છે. તેમાં અગમ્ય માનવ-દુર્દશાનું ચિત્રણ છે. દેખીતી રીતે, આ કૃતિ પરંપરાગત કલાસ્વરૂપ ‘કથકલી’ના માળખામાં બંધ બેસે છે.

રૂઢિગત પ્રશિષ્ટ અભિવ્યક્તિ કરતી વખતે તેમણે ક્યારેક માત્ર શબ્દો અને રૂપકોથી પ્રભાવિત થઈને અને ક્યારેક જૂની કથાની ગૂંથણીમાં નીડર કલ્પનાત્મક માનસ અપનાવીને રચનાત્મક ચમત્કૃતિ ઉપસાવી છે. આ નિપુણતા કાલિદાસની સર્જનાત્મકતાની કેટલીક ઝાંખી કરાવે છે. આથી વિવેચકે ‘નળચરિતમ્’ને કેરળનું ‘શાકુન્તલમ્’ ગણાવ્યું છે.

કન્યાના હૃદયમાં જાગેલા નવા પ્રેમની સુકુમારતા, સ્ત્રીજાતિનું પ્રાચીન સૌંદર્ય, આગળના પ્રેમીની વાસના-અદેખાઈ, ક્રૂર કલિની માનવ-સંકટ ઊભું કરવાની ચાલ અને જીવનના ચઢાવ-ઉતાર સામે  માનવીનો સંઘર્ષ  -આવાં કેટલાંક મહાભારતમાં નળ-દમયંતીની કથાનાં તત્વોથી વશીભૂત થઈને તેઓ આ કૃતિ રચવા પ્રેરાયા હતા.

નાટ્યકારે પુષ્કર પર, કલિ તેને તેમ કરવા ઉશ્કેરે તે પહેલાં જ, રાજ્ય પડાવી લેવાના પ્રચ્છન્ન ઉદ્દેશનું આરોપણ કર્યું છે. એ જ રીતે જંગલમાં દમયંતીને બચાવનાર શિકારીને પ્રાચીન મહાકાવ્યની જેમ આ ગીતિ-નાટકમાં દુષ્ટ પાત્ર તરીકે નથી વર્ણવ્યો પણ તે લાગણીશીલ સાદો શિકારી છે, જે પ્રેમ માટે પોતાનું જીવન ન્યોછાવર કરે છે. અર્વાચીન નાટકની જેમ તેમણે હંસ સંદેશવાહક, બ્રાહ્મણ સુદેવ અને રાજા ઋતુપર્ણનાં પાત્રોનાં લક્ષણોનું કાળજીપૂર્વક ચિત્રાંકન કર્યું છે. સ્વગતોક્તિ રજૂ કરવામાં નાટ્યકલાદૃષ્ટિએ શ્યાત્મકતા તેમજ શ્રાવ્યતાનોયે ખ્યાલ રાખ્યો છે. સંવેદનની તીવ્રતા, સુરેખ પાત્રવિધાન તેમજ સાહિત્યિક પ્રભાવકતાના કારણે કથકલીના વિશ્વમાં તેમની છ સ્વગતોક્તિઓ પ્રખ્યાત છે. ‘બાહુક’નું જટિલ પાત્ર મંત્રમુગ્ધ કરે છે. તેમણે વાસ્તવમાં મલયાળમનાં મર્યાદિત સાધનો સાથે કામ પાડી પ્રશિષ્ટ નાટકનું સર્જન કર્યું છે.

બળદેવભાઈ કનીજિયા