વારકરી સંપ્રદાય
January, 2005
વારકરી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મમાંનો એક મહત્વનો સંપ્રદાય. તે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વધુ પ્રચલિત છે. પંઢરપુરના વિઠોબા તેના ઉપાસ્ય દેવ છે. આ સંપ્રદાયમાં જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ તથા તુકારામ જેવા મહાન સંતો થઈ ગયા છે, જેમણે પોતાની અભંગ નામથી ઓળખાતી રચનાઓ દ્વારા તેને લોકપ્રિય અને ગૌરવાન્વિત બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. તેના અનુયાયીઓની સંખ્યા 15થી 16 લાખ જેટલી છે (2004).
તળપદા અર્થમાં ‘વારકરી’ એટલે ફેરી કરનારા, જેઓ સમૂહમાં એક સ્થાનથી બીજા સ્થાને ભજન-કીર્તન કરતાં કરતાં યાત્રા કરતા હોય છે. દર વર્ષે ઓછામાં ઓછી એક વાર અને કેટલાક કિસ્સાઓમાં દર મહિને આવી યાત્રા હાથ ધરવાની આ સંપ્રદાયની પ્રથા છે. મુખ્ય વાર્ષિક યાત્રા મહારાષ્ટ્રના આળંદી જ્યાં જ્ઞાનેશ્વર મહારાજની સમાધિ છે ત્યાંથી પંઢરપુર સુધીની હોય છે. તે અષાઢ સુદ અગિયારસથી શરૂ થાય છે. ચૈત્ર, અષાઢ, કારતક અને માહ માસની એકાદશીથી પંઢરપુરની યાત્રાનું વિશેષ મહત્વ છે. પંઢરપુરના વિઠોબા તેના મુખ્ય ઉપાસ્ય દેવ હોવાથી પોતાના ગામથી પંઢરપુરની યાત્રા પગપાળા કરવાથી મોક્ષ મળે છે એવી શ્રદ્ધા આ સંપ્રદાયના અનુયાયીઓ સેવતા હોય છે. યાત્રામાં સ્ત્રી, પુરુષ અને બાળકો – બધાં જ ભક્તજનો મોટી સંખ્યામાં કોઈ પણ પ્રકારના જાતપાતના ભેદભાવ વિના સામેલ થતાં હોય છે. આખો દિવસ યાત્રા કરનારા યાત્રાળુઓ માટે માર્ગમાં નિર્ધારિત સ્થળે પડાવની વ્યવસ્થા હોય છે, જ્યાં થાક ઉતારવા માટેના તંબુઓ ઉપરાંત ચા-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. મોટા ભાગના કિસ્સામાં આવી સગવડ માર્ગમાં આવતાં ગામડાંના લોકો ભક્તિભાવથી પૂરી પાડતા હોય છે.
દરેક ગામની યાત્રાનું સંચાલન તે ગામની વારકરી સંપ્રદાયની મંડળી દ્વારા કરવામાં આવે છે. યાત્રામાં સામેલ થનારા ભક્તો ગળામાં તુલસીની માળા તથા કપાળ પર ગોપીચંદન અચૂક લગાડતા હોય છે. વળી મોટાભાગના ભક્તોના ખભા પર ધજા અને હાથમાં તાનપૂરો (એકતારો) અથવા મંજીરાં, ડફ, ઢોલક જેવાં વાદ્યો હોય છે; જે ભગવાનના નામના જયઘોષ સાથે વગાડવામાં આવે છે. જેમની પાસે કોઈ વાદ્ય હોતું નથી તેઓ તાલી પાડીને યાત્રાનો આનંદ લેતા હોય છે. અષાઢ સુદ પૂનમના દિવસે બધી મંડળીઓ પંઢરપુર નજીકના ગોપાળપુરી મુકામે ભેગી થતી હોય છે, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવે છે.
ભક્તશ્રેષ્ઠ પુંડલિક આ સંપ્રદાયના પ્રવર્તક ગણવામાં આવે છે. સંત જ્ઞાનેશ્વર મહારાજે તેને તત્વજ્ઞાન અને અધ્યાત્મનો પાયો પૂરો પાડી તેની કીર્તિમાં વધારો કર્યો. પુંડલિકની કથા પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં વર્ણવેલી છે. જ્ઞાનદેવ આ સંપ્રદાયના અગ્રણી ખરા, પરંતુ વારકરી સંપ્રદાયની પ્રસ્થાનત્રયીમાં જ્ઞાનેશ્વરી ઉપરાંત એકનાથી ભાગવત અને તુકારામની અભંગગાથાનો સમાવેશ કરવામાં આવે છે. વારકરી સંપ્રદાય શુદ્ધ સ્વરૂપે ભક્તિમાર્ગી છે. તેણે ભક્તિ પર આધારિત પોતાના તત્વજ્ઞાનની રચના કરી છે. ભક્તિ એ જ મોક્ષ તથા સ્વાત્મસુખનું સર્વશ્રેષ્ઠ સાધન છે એવી આ સંપ્રદાયની માન્યતા છે. માનવજીવનનું અંતિમ સાધ્ય મોક્ષ નહિ, પરંતુ ભક્તિ છે એવી વિચારસરણી જ્ઞાનેશ્વર મહારાજે પ્રતિપાદિત કરી છે. ‘રામકૃષ્ણહરિ’ આ સંપ્રદાયનો મુખ્ય મંત્ર છે. અહીં રામ એટલે હૃદયમાં રમે તે, કૃષ્ણ એટલે આકર્ષણ કરે તે અને હરિ એટલે વિઠ્ઠલરૂપ પરમાત્મા. યાત્રામાં સામેલ થયેલા ભક્તો સતત ‘રામકૃષ્ણહરિ’નો જયજયકાર કરતા હોય છે.
વારકરી સંપ્રદાયમાં ચાર ઉપસંપ્રદાય છે : (1) ચૈતન્ય સંપ્રદાય જેમાંથી એકનો મંત્ર ‘રામકૃષ્ણહરિ’ તો બીજાનો મંત્ર ‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ છે. (2) સ્વરૂપ સંપ્રદાય જેનો ‘શ્રીરામ જય રામ જય જય રામ’ આ ત્રયોદસાક્ષરી મંત્ર છે. આમાં પણ રામાનુજીય અને રામાનંદી એવા બે વિભાગ છે. (3) આનંદ સંપ્રદાય જેનો મંત્ર કાં તો ત્રણ અક્ષર ધરાવતો ‘શ્રીરામ’ અથવા બે અક્ષર ધરાવતો ‘રામ’ છે. (4) પ્રકાશ સંપ્રદાય જેનો મંત્ર ‘ૐ નમો નારાયણાય’ છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે