વાયુદેવ : એક વૈદિક દેવતા. ત્વષ્ટ્રા એના જમાઈ કહેવાય છે. મરુત વાયુ સાથે સંકળાયેલા નથી છતાં સ્વર્ગની નદીઓમાંથી મરુતે વાયુને જન્મ આપ્યો એમ કહેવાય છે. પાછળના યુગમાં વાયુને વાયવ્ય કોણના રક્ષક દેવતા તરીકે સ્વીકારાય છે. મહાભારતમાં વાયુને ભીમ અને હનુમાનના પિતા તરીકે વર્ણવાયા છે. મધ્વાચાર્યના અનુયાયીઓ તેમના આચાર્ય આનંદતીર્થને વાયુનો અવતાર માને છે. મૂર્તિવિધાન અનુસાર વાયુ શક્તિશાળી દેવતા છે. તેમનો બાંધો મજબૂત અને દેહ યુવાન બતાવાય છે. તેમનો વર્ણ શ્યામ છે. આંખો રાતા વર્ણની અને વસ્ત્રો શ્વેત હોય છે. તેઓ સુંદર અલંકારોથી શોભે છે. તેમના જમણા હાથમાં ધ્વજ અને ડાબામાં દંડ હોય છે. ક્યાંક તેમના જમણા હાથમાં અંકુશ પણ જોવામાં આવે છે. તેમના વાળ વિખરાયેલા હોય છે, મૃગ તેમનું વાહન છે અને ક્યારેક મૃગ ઉપર સવારી કરતા અથવા સિંહાસન પર બેઠેલા બતાવાય છે. વિષ્ણુધર્મોત્તર પ્રમાણે વાયુનાં ગાત્ર અને વસ્ત્રોનો વર્ણ આકાશી વાદળી હોય છે. તેમના હાથમાં ચક્ર અને ધ્વજ હોય છે. તેમનું મુખ ખુલ્લું બતાવાય છે. તેમની ડાબી બાજુ તેમની પત્ની વાયવી બેઠેલી હોય છે.

પ્રવીણચંદ્ર પરીખ