વાયવરણો : દ્વિદળી વર્ગમાં આવેલા કૅપ્પેરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Crataeva nurvala Buch Ham. syn. C. religiosa Hook F. & Thoms. (સં., બં. વરુણ; મ. વાયવર્ણા, હાડવર્ણા, વાટવર્ણા; હિં. બરના; ગુ. વાયવરણો, ક. મદવસલે; તે. ઉરૂમટ્ટિ, જાજિચેટ્ટુ; ત. મરલિંગમ્) છે. તે મધ્યમ કદનું 9.0મી.થી 10મી. ઊંચું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને ભારત, મ્યાનમાર અને શ્રીલંકામાં વન્ય સ્થિતિમાં કે કૃષ્ટ (cultivated) સ્થિતિમાં મળી આવે છે. બીલીની જેમ તેનાં પર્ણો ત્રિપર્ણી (trifoliate) પંજાકાર (palmate) હોય છે. પુષ્પનિર્માણ ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે. પુષ્પો સફેદ હોય છે અને ભૂરી-પીળી અને જાંબલી છાંય ધરાવે છે. ફળ જૂન-જુલાઈમાં પાકે છે અને લીંબુ આકારનાં રાતાં હોય છે. તેનો ગર કેસરી રંગનો હોય છે.

તેની છાલમાં ટેનિન અને સેપોનિન હોય છે. તે કડવી, કાલિકજ્વરરોધી (antiperiodic), બલ્ય (tonic) અને શામક (demulcent) હોય છે અને યકૃત પર ઉત્તેજક અસર કરે છે. તેના નિષ્કર્ષને રેચક (laxative) તરીકે અને ક્ષુધા-ઉત્તેજક તરીકે આપવામાં આવે છે. તે પથરી (calculus) અને ઉત્સર્જનાંગોની તકલીફોમાં અપાય છે. મૂળની છાલ રક્તિમાકર (rubefacient) અને પ્રતિક્ષોભ (counterirritant) ગુણધર્મો ધરાવે છે.

પર્ણોથી ત્વચા લાલ બને છે અથવા ફોડલીઓ ઉત્પન્ન થાય છે. તેમનો પોટીસ તરીકે ઉપયોગ થાય છે. પુષ્પો સંકોચક (astringent) અને પિત્તરેચક (cholagogue) હોય છે.

આયુર્વેદ અનુસાર તે તીખો, સ્નિગ્ધ, દીપન, મધુર, કડવો, તૂરો, લઘુ, પિત્તલ અને ભેદક છે. તે વિદ્રધિ, વાયુ, કફ, મૂત્રકૃચ્છ્ર, અશ્મરી, ગુલ્મ, વાતરક્ત, કૃમિ, રક્તદોષ, શીર્ષવાત, મૂત્રાઘાત, હૃદ્રોગ અને ઉદરશૂળનો નાશ કરે છે. તેનાં પુષ્પો ગ્રાહક હોઈ પિત્ત અને રક્તદોષનાં નાશક છે. તેનાં ફળ સ્નિગ્ધ, સારક, ગુરુ, સ્વાદુ, ઉષ્ણ અને પાકકાળે મધુર હોય છે. તે વાયુ, પિત્ત અને કફનો નાશ કરનારાં છે. ઉપયોગી અંગ છાલ અને પાન છે.

અંગમાં વાયુ ભરાઈ ગયો હોય તે ઉપર; ત્રિદોષ ગુલ્મ, ગંડમાલા, અપચી અને ગલગંડ ઉપર; વિદ્રધિ, નીલિકા (શરીર ઉપર કાળા ડાઘ પડવા), પથરી, મૂત્રાઘાત, મૂત્રકૃચ્છ્ર અને મૂત્રશર્કરા ઉપર; વિષમજ્વરમાં; શુદ્ધિ નષ્ટ થઈ ભ્રમ થાય તે ઉપર; બરોળ, વાતભ્રમ ઉપર, વ્યંગ-વાંગ (મોં ઉપર કાળા ડાઘા પડવા) અને મસ્તકમાં વ્રણ ઉપર તેનો ઉપયોગ થાય છે.

વરુણાદિક્વાથ, વરુણાદ્યતેલ અને વરુણાદ્ય ઘૃત વાયવરણામાંથી બનાવાતાં આયુર્વેદિક ઔષધો છે.

તેનું કાષ્ઠ (630 કિગ્રા.થી 750 કિગ્રા./ઘ.મી.) ચળકતું, પીળાશ પડતું સફેદ મધ્યમસરનું કઠણ, લીસું અને સંકુલિત કણયુક્ત (close grained) હોય છે. તેના પર કીટકો આક્રમણ કરે છે. તેનો ઉપયોગ ફણી અને નાનાં સાધનો બનાવવામાં થાય છે.

વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ