વામનતા (dwarfism) : વ્યક્તિની વિષમ રીતે ઓછી ઊંચાઈ. સામાન્ય રીતે ઠીંગણા માણસને વામન (dwarf) કહે છે. કદના વિકાસનો અટકાવ ઊંચાઈ, સ્નાયુઓ, માનસિક શક્તિ તથા લૈંગિક ક્ષમતાને પણ અસર કરી શકે છે. ધીમા વિકાસને લીધે જ્યારે વ્યક્તિ તેની ઉંમર પ્રમાણેની ક્ષમતા ન મેળવી શકી હોય તો તેને વિશિશુતા (infantalism) કે વિકુમારાવસ્થા (juvenilism) કહે છે અને તે વામનતાથી સાવ અલગ પડતા વિકારો છે. આવા દર્દીમાં પુખ્ત વયે અમુક લાક્ષણિકતાઓ અનુક્રમે શિશુ જેવી કે કુમારાવસ્થા જેવી જ રહી ગયેલી હોય છે.
વામનતાના પ્રકારો : વામનતાના વિવિધ પ્રકારો છે. તેમનું આ પ્રકારનું વિભાગીકરણ વામનતાનાં સંભવિત કારણોને આધારે કરાયેલું છે. તેના મુખ્ય 6 પ્રકારો છે : (અ) વારસાગત, પ્રાથમિક (primary) અથવા જનીનીય (genetic), (આ) જન્મસમયે ઓછું વજન, (ઇ) અંત:સ્રાવી (endocrine) વામનતા, (ઈ) કંકાલતંત્રીય (skeletal) વામનતા, (ઉ) દુષ્ક્ષીણતા(cachexia)જન્ય વામનતા અને (ઊ) પ્રકીર્ણ પ્રકારની વામનતા.
(અ) વારસાગત, પ્રાથમિક અથવા જનીનીય વામનતા : આ પ્રકારના વામન બીજી બધી રીતે સામાન્ય હોય છે. તેમના 3 મુખ્ય ઉપપ્રકારો છે પ્રજાતીય (racial) વામનતા, કૌટુંબિક વામનતા અને કશ્ચિત્પ્રાપ્ત (sporadic) વામનતા. આફ્રિકી વામનો, ગુરખાઓ વગેરે પ્રજાઓમાં જોવા મળતી વામનતા જનીનીય છે અને તે વારસાગત છે. ક્યારેક કેટલાક કુટુંબોમાં વ્યક્તિઓ જનીનીય કારણોસર ઠીંગણાં હોય છે. ક્યારેક પ્રજાકીય કે કૌટુંબિક જનીની કારણો ન હોય છતાં ફકત ઠીંગણા કદના કે જવલ્લે અને છૂટાછવાયા રૂપે ઠીંગણા માણસો જોવા મળે છે. તેને કશ્ચિત્પ્રાપ્ત વામનતા કહે છે.
(આ) જન્મસમયે ઓછા વજનને કારણે ઉદભવતી વામનતા : ઘણાં ઠીંગણાં બાળકોમાં ફક્ત આ જ માહિતી હોય છે, જે તેના સંભવિત કારણને સૂચવે છે. તેને 3 ઉપજૂથોમાં વહેંચવામાં આવે છે : (1) જેમનો જન્મ પૂરા મહિના પહેલાં થયેલો હોય (કાલપૂર્વ શિશુઓ, premature infants). (2) માતાના કોઈ રોગને કારણે કે ગર્ભાશયના અંદરના વાતાવરણની ક્ષતિને કારણે ગર્ભાવસ્થામાં વૃદ્ધિ ઘટી હોય તેવાં બાળકો. ગર્ભાવસ્થીય અલ્પવિક્સન(growth retardation)વાળાં શિશુઓમાં જન્મસમયે મેરેસ્મસ, સૂકી ચામડી અને વિશિષ્ટ મુખાકૃતિ જોવા મળે છે. (3) અન્ય ઓછા વજન સાથે જન્મતાં શિશુઓ. તેઓ જરાપૂર્ણ મુખાકૃતિ (old facies), નાની જન્મજાત કુરચનાઓ તથા લગભગ અડધા કિસ્સામાં ઓછા પ્રમાણમાં થયેલું માનસિક અલ્પવિકસન (mental retardation) ધરાવે છે.
(ઇ) અંત:સ્રાવી વામનતા : જુદી જુદી અંત:સ્રાવી (endocrine) ગ્રંથિઓની વિષમતાને કારણે વિવિધ પ્રકારની અંત:સ્રાવી વામનતા થાય છે. જો ગલગ્રંથિ(thyroid gland)નું કાર્ય ઘટેલું હોય તો ક્રેટિન અથવા અલ્પગલગ્રંથીય વામન (hypothyroid dwarf) થાય છે; જેનું કદ નાનું હોય છે, માથું મોટું હોય છે તથા માનસિક અલ્પવિકસન થયેલું હોય છે. તેને જાડા અને સૂકા વાળ, સોજાવાળા ફૂલેલાં પોપચાં, ચપટું નાક, જાડા હોઠ, બહાર આવી જતી જીભ, જાડી અને સૂકી ચામડી, પાવડા જેવા હાથપગ, ટૂંકા અને વળેલા પગ, વિશૈશવી જનનાંગો (infantile genitalia), વાંકો વળેલો કરોડસ્તંભ તથા આગળ તરફ ફૂલેલું પેટ અને સારણગાંઠ હોય છે. તે ખૂબ જ ધીમે કામ કરે છે અને મોઢાનો દેખાવ મૂર્ખ (stupid) જેવો હોય છે. (2) અધશ્ચેતક (hypothalamus) કે પીયૂષિકા (pituitary) ગ્રંથિની અલ્પકાર્યતામાં મેદજનનાંગી દુ:પોષિતા (dystrophia adiposogenitalis) થાય છે. તેને ફ્રૉલિક(Frolich)નું સંલક્ષણ પણ કહે છે. તેમાં ટૂંકું કદ, વધુ પડતું વજન (મેદસ્વિતા), જનનાંગીય અલ્પવિકસન અને સામાન્ય બુદ્ધિ જોવા મળે છે. (3) પીયૂષિકા ગ્રંથિનું કાર્ય ઘટે ત્યારે ઉદભવતી અલ્પપીયૂષિકાજન્ય વામનતામાં જન્મસમયે વૃદ્ધિનો દર ઘટે છે માટે તેમના હાથપગ એટલે કે ચલનાંગો (limbs) ટૂંકાં રહે છે, બગલ અને ગુપ્ત ભાગમાં વાળ હોતા નથી, લૈંગિક (જાતીય) અલ્પવિકસન હોય છે, બાળક જેવી અપક્વ મુખાકૃતિ હોય છે, સામાન્ય બુદ્ધિ હોય છે અને તેઓ જલદી થાકી જાય છે. આ પ્રકારની વામનતામાં વિશિશુતા (inflantalism) હંમેશ જોવા મળે છે. (4) જનનગ્રંથિઓનું કાર્ય ઘટે ત્યારે ઉદભવતી અલ્પજનનગ્રંથીય વામનતા (hypogonadal dwarfism)માં ટૂંકું કદ, લાંબા હાથપગ, લૈંગિક અલ્પવિકસન અને બગલ તથા ગુપ્ત વિસ્તારમાં ઓછા વાળ જોવા મળે છે. (5) કાલપૂર્વ લૈંગિક પુખ્તતા (premature sexual maturity) નામના વિકારમાં શરૂઆતના જીવનમાં જ સામાન્ય કે ઝડપી શારીરિક વૃદ્ધિ અને લૈંગિક કાલપૂર્વતા (sexual precocity) એટલે કે નાની ઉંમરે લૈંગિક વિકસન થાય છે. તેઓમાં હાડકાંના છેડે આવેલા અધિદંડ (epiphysis) હાડકાંના મધ્યદંડ (shaft) સાથે વહેલાં જોડાય છે માટે કદ નાનું રહે છે. (6) વૃદ્ધિકારક અંત:સ્રાવ એકલો જ ઘટ્યો હોય તો તેને કારણે થતો વામન જાણે પુખ્ત વયની વ્યક્તિની ‘લઘુ આવૃત્તિ’ હોય એવો દેખાય છે. (7) સ્ત્રીઓમાં ક્યારેક હાડકાંમાં તંતુઓના દુર્વિકસન(dysplasia)ને કારણે પોલાણો અથવા કોષ્ઠો (cysts) બને છે. તેઓમાં લૈંગિક અંત:સ્રાવોનું કાલપૂર્વ ઉત્પાદન થાય છે માટે આવું બને છે. આ વિકારને આલ્બ્રાઇટનું સંલક્ષણ (Albright’s syndrome) અથવા અનેકાસ્થીય તંતુદુર્વિકસન (polyostotic fibrous dysplasia)નો વિકાર કહે છે. (8) સ્ત્રીમાં જનનગ્રંથિનો વિકાસ વિષમ પ્રકારે થાય ત્યારે ક્યારેક ગ્રંથીય દુર્જનન (gonadal dysgenis) અથવા ટર્નરનું સંલક્ષણ થાય છે. તેમાં કદ ટૂંકું રહે છે. (9) હર્લર(Hurler)ના સંલક્ષણમાં ટૂંકું કદ, મોટું માથું, ફૂલેલું પેટ, માનસિક અલ્પવિકસન, દૃષ્ટિમાં ઘટાડો અને બરોળ તથા યકૃત (liver)ની વૃદ્ધિ જોવા મળે છે. (10) માર્ક્વિસ (Marquis)ના સંલક્ષણ અથવા કાસ્થિદુર્પોષિતા (chondrodysplasia)ના વિકારમાં કરોડસ્તંભ અને હાથપગનું ટૂંકાપણું અસમાન હોય છે. તેથી હાથપગ ઘણા ટૂંકા હોય છે, ખૂંધ નીકળે છે, પક્ષીની જેમ આગળ ઊપસેલી છાતી હોય છે, ટૂંકી ડોક અને બતક જેવી ચાલ હોય છે.
(ઈ) કંકાલતંત્રીય વામનતા : હાડકાંના વિવિધ વિકારોથી થતી વામનતાને કંકાલતંત્રીય વામનતા કહે છે. તેમાં હાથપગ અને ધડના અસમાન ટૂંકાપણાથી મુખ્યત્વે 2 પ્રકારની વામનતા બને છે : (1) લઘુચલિતાંગી વામનતા (short limb dwarfism) અને (2) લઘુવક્ષોદરીય વામનતા (short trunk dwarfism). જો વામનતાનું મુખ્ય કારણ હાથપગનું ટૂંકાપણું હોય તો તેને લઘુચલિતાંગી વામનતા કહે છે. તેના 3 ઉપપ્રકારો છે : (ક) લઘુચલિતાંગમૂલિતા (rhizomelia) કે જેમાં હાથપગના ધડની સાથેના જોડાણ પાસેનો ભાગ અસરગ્રસ્ત હોય; (ખ) લઘુચલિતાંગ-મધ્યતા (mesomelia), જેમાં હાથપગનો વચલો ભાગ અસરગ્રસ્ત હોય અને (ગ) લઘુચલિતાંગ-અગ્રતા (acromelia) કે જેમાં હાથપગના છેડાનો ભાગ અસરગ્રસ્ત હોય. જો મુખ્યત્વે કરોડસ્તંભને કારણે ધડનો ભાગ ટૂંકો રહે તો તેને લઘુવક્ષોદરીય વામનતા કહે છે. રંગસૂત્રીય (chromosomal), અંત:સ્રાવી, ચયાપચયી (metabolic), પોષણજન્ય વગેરે કારણોસર થતી વામનતામાં ધડ અને હાથપગ સમાન દરે ટૂંકા રહે છે, જ્યારે હાડકાંની વૃદ્ધિમાં ઉદભવતા વિકારોને કારણે થતી વામનતામાં હાથપગ અને ધડની લંબાઈમાં અસમાન દરે વધઘટ રહે છે.
(ઈ-1) લઘુચલિતાંગી વામનતા : તેના 5 ઉપપ્રકારો છે : (ક) અકાસ્થિવિકસનજન્ય વામનતા (achondropasia) અથવા કુંઠિત કાસ્થિતા, (ખ) અપૂર્ણ અસ્થિજનન (osteogenesis imperfecta), (ગ) અલ્પકાસ્થિ-વિકસનજન્ય વામનતા (hypochondroplasia), (ઘ) વલનજન્ય વામનતા (diastrophic drawfism) અને (ઙ) છદ્માકાસ્થિ-વિકસનજન્ય વામનતા (pseudoachondroplasia).
(ક) અકાસ્થિવિકસનજન્ય વામનતા ઘણી વ્યાપક રૂપે જોવા મળે છે : તેને કુંઠિતકાસ્થિતા પણ કહે છે. તેનું નિદાન સરળ છે. વામનના હાથપગ ટૂંકા અને વળેલા હોય છે, તે બતક જેવું ચાલે છે, તેનું મોઢું નાનું હોય છે, નાક ચપટું હોય છે, નાના અને ગઠ્ઠાદાર હાથ હોય છે, સામાન્ય સ્તર(normal level)ની બુદ્ધિ હોય છે અને સામાન્ય કે વધુ પ્રમાણમાં લૈંગિક વિકાસ થાય છે. આ પ્રકારની વામનતાનું કારણ કાસ્થિ(cartilage)ની વિષમ વૃદ્ધિ હોય છે. (ખ) અપૂર્ણ અસ્થિવિકસનના દર્દીમાં દર્દી વામન હોય છે, તેનાં લાંબાં હાડકાં બરડ અને અનિયમિત આકારનાં થઈ જાય છે અને તેને વારંવાર અસ્થિભંગ (bone fracture) થાય છે. (ગ) અલ્પકાસ્થિવિકસનજન્ય વામનતાને લાંબા સમય સુધી કુંઠિતકાસ્થિતાનો મંદ પ્રકાર માનવામાં આવતી હતી. જીવનના પ્રથમ 23 વર્ષમાં વામનતા વિશે ખ્યાલ આવતો નથી. અસરગ્રસ્ત બાળકોને જાડું કે ભરાવદાર શરીર હોય છે. તેમનું ધડ પ્રમાણમાં લાંબું હોય છે, જેની સરખામણીમાં સાપેક્ષ રૂપે ટૂંકા હાથપગ હોય છે. ચહેરો સામાન્ય હોય છે, પરંતુ હાથ પહોળા હોય છે અને આંગળીઓ ટૂંકી હોય છે. (ઘ) વલનજન્ય વામનતાના દર્દીમાં લઘુચલિતાંગ-મૂલતા પ્રકારની વિકૃતિ હોય છે. તેથી તેમના હાથપગનો ધડ સાથે જોડાયેલો ભાગ ટૂંકો હોય છે. હાથપગ ટૂંકા હોય છે. કેડ અને ઢીંચણના સાંધા વળેલા હોય છે. હસ્તમાં નિદાનસૂચક કુરચના હોય છે, તે પહોળા અને ટૂંકા હોય છે, અંગૂઠો બહાર તરફ વળેલો હોય છે અને નજીકના વેઢાના સાંધા ગંઠાઈ ગયેલા હોય છે. (ઙ) છદ્માકાસ્થિવિકસનજન્ય વામનતા(pseudoachondroplasia)ના વિકારમાં બાળક ચાલતાં મોડું શીખે છે અને તેની ચાલ વિષમ પ્રકારની હોય છે. તેનો વૃદ્ધિદર ઘટે છે અને ત્યારે વામનતા દેખા દે છે. તેનું ધડ લાંબું, પેટ મોટું, હાથપગના ધડ પાસેનો ભાગ ટૂંકો તથા પગમાં સમરૈખિકતાની ખામી જોવા મળે છે. તેથી એક પગ વાંકો વળેલો હોય તો બીજામાં ઢીંચણનો સાંધો વધુ પડતો આગળ વળેલો હોય છે.
(ઈ-2) લઘુવક્ષોદરીય વામનતા : આ પ્રકારની વામનતામાં હાથપગની સરખામણીમાં ધડ નાનું હોય છે. તેમાં પણ વિવિધ પ્રકારની વિકૃતિઓ જોવા મળે છે; દા.ત., વિવિધ પ્રકારના અસ્થિ-દુર્વિકસનો (bone dysplasias) અને વિવિધ પ્રકારના દ્રવ્યસંગ્રહ વિકારો (storage disorders). શ્ર્લેષ્મબહુશર્કરા(mucopoly-saccharides)ના સંગ્રહના વિવિધ વિકારો, જેવા કે હર્લરનું સંલક્ષણ, હન્ટરનું સંલક્ષણ, મોર્કિયોનું સંલક્ષણ વગેરે વિવિધ જન્મજાત વિકારોમાં વામનતા થાય છે.
(ઉ) દુષ્ક્ષીણતાજન્ય વામનતા : સામાન્ય રીતે શરીરમાં વ્યાપક રીતે ફેલાયેલા અથવા બહુતંત્રીય (systemic) રોગોમાં, ચયાપચયી તથા ચેપી રોગોમાં તે જોવા મળે છે. હૃદય, મૂત્રપિંડ, મગજ તથા આંતરડાના રોગો જો વૃદ્ધિકાળમાં થાય તો વામનતા સર્જે છે. જન્મજાત કે આમવાતી (rheumatic) હૃદયરોગમાં વામનતા, નાના જનનાંગો અને સામાન્ય બુદ્ધિસ્તર જોવા મળે છે. તેને હૃદીય વામનતા (cardiac dwarfism) કહે છે. દીર્ઘકાલી અંતરાલપેશીય મૂત્રપિંડશોથ (chronic interstitial nephritis)ના દર્દીમાં વામનતા, કૅલ્શિયમવિહોણાં હાડકાં, કુરૂપ હાડકાં, લોહીનું વધેલું દબાણ, અતિમૂત્રમેહ (polyuria) તથા મૂત્રપિંડી નિષ્ફળતા જોવા મળે છે. આને મૂત્રપિંડી વામનતા (renal dwarfism) કહે છે. લઘુશીર્ષતા (microcephaly), જલશીર્ષતા (hydrocephaly) અને મૂર્ખતા (idiocy) સાથેની વામનતાને મસ્તિષ્કી વામનતા (cerebral dwarfism) કહે છે. આંતરડામાં સંગ્રહણીનો રોગ (coeliac disease) થયેલો હોય તો ફિક્કો તથા ચરબીયુક્ત પુષ્કળ ઝાડો થયા કરે છે, પેટ ફૂલે છે, કુપોષણ થાય છે અને શરીર ક્ષીણ થાય છે. બાલ્યાવસ્થામાં આવો વિકાર થાય તો વામનતા થાય છે.
ગ્લાયકોજન-સંગ્રહી રોગ અથવા ફોન ગિર્કેના રોગમાં તથા બાલ્યાવસ્થામાં થતા મધુપ્રમેહમાં વામનતા થયેલી જોવા મળે છે. આ ચયાપચયી કારણોસર વામનતા થાય છે. જન્મજાત ઉપદંશ (syphilis), ક્ષયરોગ તથા અન્ય ઘણા દીર્ઘકાલી ચેપો, જો બાલ્યાવસ્થામાં થાય અને પૂરતી સારવાર ન મળેલી હોય તો, વામનતા થયેલી જોવા મળે છે.
(ઊ) પ્રકીર્ણ પ્રકારની વામનતા : આ ઉપરાંત કેટલાક ક્યારેક જોવા મળતા રોગો કે સંલક્ષણોમાં પણ વામનતા જોવા મળે છે; જેમ કે, લઘુઆવૃત્તિતા (ateliotism), કાલપૂર્વજરા (progeria), અંડગ્રંથીય અજનન (ovarian agenesis) તથા લૉરેન્સ-મુન-બિડલનું સંલક્ષણ. લઘુઆવૃત્તિતાના વિકારમાં વામનવ્યક્તિ પુખ્તવયની વ્યક્તિની લઘુ આવૃત્તિ જેવો હોય છે. નાની ઉંમરે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો દર્શાવતા વિકારને કાલપૂર્વજરા કહે છે. અંડગ્રંથિનો વિકાસ ન થયેલો હોય તેવા વિકારને અંડગ્રંથીય અજનન અથવા વિલ્કિનનું સંલક્ષણ કહે છે. લૉરેન્સ-મુન-બિડલના સંલક્ષણમાં મેદસ્વિતા (obesity), જનીનીય દુર્વિકસન, માનસિક અલ્પવિકસન અને આંગળીઓની જન્મજાત કુરચના જોવા મળે છે.
શિલીન નં. શુક્લ, પ્રેમલ ભા. ઠાકોર