વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ

January, 2005

વાન હાઇસ, ચાર્લ્સ રિચાર્ડ (જ. 29 મે 1857, ફલ્ટન, વિસ્કોન્સિન, યુ.એસ.; અ. 19 નવેમ્બર 1918, મિલવૌકી, વિસ્કોન્સિન, યુ.એસ.) : ભૂસ્તરશાસ્ત્રી. યુ.એસ.ના સુપિરિયર સરોવર-વિસ્તારની પ્રી-કૅમ્બ્રિયન રચનાઓનો, વિશેષ કરીને તો, તેમાં સંકળાયેલાં લોહધાતુખનિજોનો તેમણે અભ્યાસ કરેલો; જે ત્યાં મળી આવતા મહત્વના નિક્ષેપોની આર્થિક ઉપલબ્ધિ માટે ઉપયોગી નીવડેલો. આ કાર્ય માટે તેઓ ખૂબ જાણીતા બનેલા.

1879થી તેમણે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં મેડિસન ખાતે અધ્યાપનનું કાર્ય કરેલું, ત્યાં તેઓ પ્રેસિડન્ટ પણ બનેલા અને છેક મૃત્યુપર્યંત તેમણે ત્યાં જ સેવાઓ આપેલી. આ દરમિયાન તેમણે સંશોધનકાર્ય અને અન્ય સંબંધિત આયોજનો કરીને વિભાગનું વિસ્તરણ કરી આપેલું. શિક્ષણસેવા ઉપરાંત ઘણી સામાજિક સમસ્યાઓ સાથે પણ તેઓ ગાઢ રીતે સંકળાયેલા રહ્યા, જે તેમનાં પ્રકાશનોમાં જણાઈ આવે છે. ‘કન્ઝર્વેશન ઑવ્ નેચરલ રિસૉર્સિઝ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ (1910); ‘કૉન્સન્ટ્રેશન ઍન્ડ કન્ટ્રોલ : એ સૉલ્યુશન ઑવ્ ધ ટ્રસ્ટ પ્રૉબ્લમ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ’ (1912) તેમણે પ્રકાશિત કરેલાં છે.

ગિરીશભાઈ પંડ્યા