વાનસ્પતિક વંધ્યત્વ

January, 2005

વાનસ્પતિક વંધ્યત્વ : કેટલાક સૂક્ષ્મજીવો(microbes)ના ચેપની વિપરીત અસર હેઠળ કૃષિપાકોમાં ઉદભવતું વંધ્યત્વ. વનસ્પતિ પર ઊગતાં ફૂલો અથવા ફૂલ પેદા કરતી કૂંપળોમાં સૂક્ષ્મજીવોનું આક્રમણ થતાં પ્રજનન માટેનાં ફૂલોના જેવા ભાગોમાં દેહધાર્મિક વિકૃતિ પેદા થાય છે. આવી વિકૃતિ પેદા કરવામાં વિષાણુ, માઇક્રોપ્લાઝ્મા (MLO) જેવા અતિસૂક્ષ્મજીવો ઇતડી(mite)ના આક્રમણથી વનસ્પતિમાં દાખલ થતાં છોડ વંધ્ય બને છે. વંધ્યત્વ સાથે સંકળાયેલ આ વ્યાધિમાં આંબાની ફૂલની વિકૃતિ (mal formation), તુવેરનો વંધ્યત્વનો પીળિયો કોકડવા (sterility mozac) અને રીંગણનો નાના પાનનો રોગ જાણીતાં છે. તુવેરના છોડ ઉપર ઇતડી બેસીને ચૂસે ત્યારે માઇક્રોપ્લાઝ્મા જેવાના સૂક્ષ્માણુઓ તુવેરના છોડની અંદર પ્રવેશે છે અને તેથી આ યજમાનની પ્રજનન-પ્રક્રિયામાં અવરોધ પેદા થાય છે. પ્રજનનક્રિયાના અવરોધથી છોડ પર ફૂલ બેસતાં નથી અને બેસે તો ખરી પડે છે. આ જ પ્રમાણે રીંગણના નાના પાનના રોગમાં પણ વ્યાધિજનના આક્રમણને લીધે પ્રજનન સાથે સંકળાયેલ દેહધાર્મિક ક્રિયા અવરોધાતાં છોડ પર ફૂલો બેસતાં નથી. જો ફૂલ બેસે તો તેની પાંખડીઓ વિકૃતિ પામે છે અને છોડમાં ફલીનીકરણ થતું નથી. જો ચેપ પૂર્વે આ છોડ પર ફળો બેઠાં હોય તો ચેપની અસર હેઠળ ફળની ચામડી જાડી અને બરડ થાય છે.

આ અતિ સૂક્ષ્મજીવોના આક્રમણથી શોભા માટે જાણીતા છોડનાં પાન, ફૂલ અને ફળમાં વિકૃતિ આવતી હોય તો તેથી છોડની સુંદરતામાં વધારો થાય છે. આમ આ આક્રમણ બાગાયતકારો માટે સૌનું ધ્યાન ખેંચે એવી એક ફાયદાકારક ઘટના બની રહે છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ