વાનૌતુ (Vanuatu) : નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 16° 00´ દ. અ. અને 167° 00´ પૂ.રે.. તે 80 જેટલા ટાપુઓથી બનેલો છે. તેનો કુલ ભૂમિવિસ્તાર આશરે 12,200 ચોકિમી. જેટલો છે. વિસ્તારના ઊતરતા ક્રમમાં મુખ્ય ટાપુઓ આ પ્રમાણે છે : એસ્પિરિટુ સાન્ટો, માલાકુલા, એફૅટ, એરોમૅન્ગો અને તન્ના એફૅટ ટાપુ પર આવેલું શહેરી વસ્તી ધરાવતું પૉર્ટ વિલા (વસ્તી 1999 મુજબ 26,000) આ ટાપુદેશનું પાટનગર છે.

ભૂપૃષ્ઠઆબોહવા : આ ટાપુદેશ Y આકારની ટાપુશ્રેણીથી બનેલો છે. તેમની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 800 કિમી. જેટલી છે. મોટાભાગના ટાપુઓ પર કિનારાનાં સાંકડાં મેદાનો આવેલાં છે, જ્યારે અંદરનો ભૂમિભાગ પહાડી છે. ઉત્તરના ટાપુઓમાં વરસાદવાળી, ગરમ આબોહવા પ્રવર્તે છે. તાપમાન 27° સે.ની આજુબાજુનું રહે છે. ત્યાં સરેરાશ વાર્ષિક વરસાદ 3,050 મિમી. જેટલો પડે છે. લગભગ આખુંય વર્ષ વરસાદવાળું રહે છે. દક્ષિણના ભાગોમાં તાપમાન 19° સે.થી 31° સે. વચ્ચેનું રહે છે અને સરેરાશ વાર્ષિક વરસાદ આશરે 2,300 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ ટાપુઓનું અર્થતંત્ર કૃષિપેદાશો પર આધારિત છે. ગ્રામીણ લોકો પોતાની ખોરાકી જરૂરિયાત પૂરતું અનાજ પેદા કરી લે છે. તેઓ ફળો અને શાકભાજી વાવે છે; મરઘાં અને ડુક્કરોનો ઉછેર કરે છે તથા માછલીઓ પકડવાનો વ્યવસાય પણ કરે છે. કેટલાંક કુટુંબો સૂકાં કોપરાં તૈયાર કરે છે. પ્રવાસન-ઉદ્યોગ પણ અર્થતંત્રમાં મદદરૂપ બને છે. ટાપુઓમાં જવા-આવવા માટે હોડીઓ, નાનાં જહાજો કે હવાઈ જહાજોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક ટાપુઓ પર થોડાક રસ્તા બાંધવામાં આવ્યા છે. અહીંથી થોડાંક છાપાં બહાર પડે છે તેમજ ટાપુઓ પર રેડિયોમથકની સગવડ પણ ઊભી કરાઈ છે.

લોકો : ટાપુઓની કુલ વસ્તી 2000 મુજબ આશરે 1,92,000 જેટલી છે. અહીંના 90 %થી વધુ લોકો મૅલેનેશિયન છે. બાકીના પૈકી એશિયન, યુરોપિયન અને પૉલિનેશિયન છે. કુલ વસ્તીના 75 % લોકો ગામડાંઓમાં વસે છે. ગામડાંના આવાસો લાકડાં, વાંસ અને તાડપત્રીઓથી બનાવેલા હોય છે. પૉર્ટ વિલા અને સાન્ટો (એસ્પિરિટુ સાન્ટો ટાપુ) જ માત્ર બે શહેરી વસાહતો છે. આખા ટાપુસમૂહમાં મળીને 100થી વધુ ભાષાઓ બોલાય છે. અંગ્રેજીને મળતી આવતી પિડ-જિન-ઇંગ્લિશ આ ટાપુદેશમાં વપરાતી મુખ્ય ભાષા છે, તેના શબ્દો અંગ્રેજી જેવા અને વ્યાકરણ મૅલેનેશિયન છે. અહીં આશરે 300 પ્રાથમિક અને બીજી કેટલીક માધ્યમિક શાળાઓ છે. અહીંના આશરે 85 %થી વધુ લોકો ખ્રિસ્તી છે. બાકીના અહીંના સ્થાનિક ધર્મો પાળે છે.

વહીવટ : વાનૌતુ પ્રજાસત્તાક દેશ છે. લોકો સંસદ માટે દર ચાર વર્ષે 39 સભ્યો ચૂંટે છે. સંસદ દેશનાં ધારા-ધોરણો ઘડે છે. જે પક્ષ બહુમતીથી ચૂંટાઈ આવે તેમનો નેતા વડો પ્રધાન બને છે, તેમનું પ્રધાનમંડળ વહીવટ ચલાવે છે. વહીવટી સરળતા માટે ગ્રામીણ કાઉન્સિલ, પ્રાદેશિક કાઉન્સિલ અને સંસદ કાઉન્સિલ જેવા ભાગ પાડેલા છે. સંસદ કાઉન્સિલ અને પ્રાદેશિક કાઉન્સિલ મળીને દેશના વડા ગણાતા પ્રમુખની દર પાંચ વર્ષ માટે ચૂંટણી કરે છે. પ્રમુખની ફરજો મુખ્યત્વે તો ઔપચારિક રહે છે.

ઇતિહાસ : આજે જ્યાં વાનૌતુનો પ્રદેશ છે ત્યાં ઓછામાં ઓછાં 3,000 વર્ષ અગાઉથી મૅલેનેશિયનો રહેતા આવ્યા છે. 1606માં પેદ્રો ફર્નાન્ડિઝ દ ક્વિરોઝ પેરુથી શરૂ થયેલા સ્પૅનિશ અભિયાનના કમાન્ડર હતા. તેમણે આ ટાપુસમૂહને સર્વપ્રથમ નિહાળેલો. 1774માં બ્રિટિશ અભિયંતા જેમ્સ કૂકે આ વિસ્તારનો નકશો બનાવેલો, તેમણે સ્કૉટલૅન્ડના હેબ્રાઇડ્ઝ ટાપુઓ પરથી આ ટાપુઓને ‘ન્યૂ હેબ્રાઇડ્ઝ’ નામ આપેલું.

બ્રિટિશરો, ફ્રેન્ચ વેપારીઓ, ઉપદેશકો અને વસાહતીઓએ 1820ના દાયકા દરમિયાન આ ટાપુસમૂહની મુલાકાતો લીધેલી. ગ્રેટબ્રિટન અને ફ્રાન્સે તેમનું સંયુક્ત નૌકામથક, દરિયાપારનાં સંસ્થાનોની દેખરેખ માટે અહીં સ્થાપેલું. 1906માં આ મથક બ્રિટિશ અને ફ્રાન્સની સંયુક્ત સરકારમાં ફેરવાયું અને 1980 સુધી તેમનો વહીવટ અહીં રહેલો. એ વખતે આ ટાપુઓ ‘ન્યૂ હેબ્રાઇડ્ઝ’ નામથી ઓળખાતા હતા.

1941માં યુ.એસ.ની સરકારે જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું, ત્યારે આ ન્યૂ હેબ્રાઇડ્ઝ લશ્કરી મથક બની રહેલું. 1960ના દાયકા દરમિયાન અહીં આઝાદીની ચળવળ શરૂ થઈ, જેને પરિણામે 1980ના જાન્યુઆરીની 30મી તારીખે તે આઝાદ થયું. તે પછી તેનું નામ વાનૌતુ રખાયું છે. 1987માં અહીં વાવાઝોડું આવેલું, તેમાં ઘણાં મોત થયેલાં અને તારાજી વેઠવી પડેલી.

ગિરીશભાઈ પંડ્યા