વાન ડે વેલ્ડે પરિવાર (Van de Velde family) : વાન ડે વેલ્ડે, વિલેમ (Willem) (જ. 1611, નેધરલૅન્ડ્ઝ; અ. 1693), તથા વાન ડે વેલ્ડે, એડ્રિયાન (Adriaen) (જ. 1632, નેધરલૅન્ડ્ઝ; અ. 1672) : પિતા વિલેમ અને પુત્ર એડ્રિયાનનો બનેલો ડચ બરોક ચિત્રકાર પરિવાર. બંનેની ચિત્રશૈલી અને લઢણો એટલી બધી સરખી છે કે તેમનાં ચિત્રોને અલગ તારવવાં શક્ય નથી. બંને હંમેશાં સાથે જ અને કદાચ દરેક ચિત્રમાં ભાગીદારીમાં કામ કરતા હતા. સમુદ્રમાં વહાણો અને વહાણો પર ચાંચિયાના હુમલા તથા એ પ્રકારની દરિયાઈ લડાઈઓ તેમનાં બધાં ચિત્રોનો વિષય છે. આ બે ચિત્રકારો ડચ પરંપરામાં સમુદ્રનાં વહાણો પરના જીવનને આલેખવામાં બેનમૂન ગણાય છે. તેમણે ઓછામાં ઓછાં 700 આવાં ચિત્રો ચીતર્યાં છે.
પિતાપુત્ર બંને 1672માં લંડન ગયા. ત્યાં નેવીના અધિકૃત (official) ચિત્રકારો તરીકે, તુરત જ બંનેની વરણી થઈ. પુત્ર એડ્રિયાન તો વહાણો પરના દરિયાઈ જીવનને આલેખતી બ્રિટિશ પરંપરાનો આરંભકર્તા બન્યો. પિતાના મૃત્યુ પછી પુત્રે ચિત્રોમાં ડચ નિસર્ગ-ચિત્રકારો હોબ્બેમાં અને રુસ્ડાયલનો પ્રભાવ પણ ઝીલ્યો એવું બ્રિટિશ ઇતિહાસકારો કહે છે; પણ તેનાં પ્રમાણ મળતાં નથી.
અમિતાભ મડિયા