વાન દર મીર સિમોન

January, 2005

વાન દર મીર સિમોન (જ. 24 નવેમ્બર 1925, હેગ, નેધરલૅન્ડ્ઝ) : મંદ આંતરક્રિયા સાથે સંકળાયેલ ક્ષેત્રીય કણો W અને Zની શોધ બદલ, રૂબિયા કાર્લોની ભાગીદારીમાં 1984નો ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની.

તેમણે યુનિવર્સિટી ઑવ્ ટેક્નૉલોજી, ડેલ્ફટ ખાતેથી શિક્ષણ મેળવ્યું. તે પછી ફિલિપ્સ ફિઝિકલ લૅબોરેટરી(આઇન્ધોવન)માં 1952થી 1956 સુધી તેમણે કાર્ય કર્યું. 1956થી CERNમાં વરિષ્ઠ ઇજનેર તરીકે તેમણે કાર્યારંભ કર્યો ત્યારથી તે સંસ્થામાં જ રહ્યા.

વાન દર મીન સિમોન

વીનબર્ગ, અબ્દુસ સલામ અને ગ્લૅશૉવે 1920માં એકીકૃત વિદ્યુત-મંદ સિદ્ધાંત સૂચવ્યો. તે મુજબ ત્રણ મધ્યવર્તી સદિશ બોસૉન(પેટાકણ જે મંદ બળનું વહન કરે છે)ની અનિવાર્યતા સમજાઈ. આ બોસૉન કણો દળદાર, અલ્પજીવી અને પ્રોટૉન કરતાં લગભગ 100 ગણા વધારે ભારે હોવા જોઈએ.

જાન્યુઆરી, 1983માં ધન અને ઋણ વિદ્યુતભાર ધરાવતા W કણની પ્રાયોગિક સાબિતી મળી. ઊર્જાના એકમમાં વ્યક્ત કરતાં, આ કણનું દળ આશરે 81 GeV (= 1012 eV) જેટલું નોંધાયું.

થોડાક સમય બાદ Z કણની સંભાવના માટેનો પુરાવો પ્રાપ્ત થયો. આવા કણોની કિરણાવલી(beam)માં પ્રકીર્ણન ન થાય તેની ચોકસાઈ સાથે નળી ઉપર અથડાય તેની તજવીજ રાખવામાં આવી. આ માટે વાન દર મીર સિમોને પ્રતિપ્રોટૉન પ્રવેગક(ત્વરક)ની રચના 1981માં કરી. તેના વડે બીજેથી પેદા કરવામાં આવેલા પ્રતિપ્રોટૉન ઠંડા પાડીને થપ્પી કરવામાં આવી. થપ્પી કરવાની યંત્ર-વિધિ વડે અવસ્થા-અવકાશ-ઘનતા (phase-space-density) વધે છે, જ્યાં પ્રત્યેક નવા જમા થતા સ્પંદને ઉપર તરફ ધક્કો મળે છે અને કણોનું પ્રસંભાવ્ય (stochastic) શીતન થાય છે. આ સાથે તેમણે એવી યંત્ર-વિધિ વિકસાવી, જેથી કણોને પોતાના પથ ઉપર રાખવા માટે વિદ્યુતક્ષેત્રમાં યોગ્ય ફેરફાર કરી શકાય.

આ રીતે કાર્લો અને સિમોને W અને Z કણો શોધીને ખૂટતી કડી પૂરી પાડીને મંદ આંતરક્રિયાબળની પ્રતીતિ કરાવી.

પ્રહલાદ છ. પટેલ