વાન ડે વેલ્ડે, ઇસાઇયાસ (Van de Velde, Esaias)

January, 2005

વાન ડે વેલ્ડે, ઇસાઇયાસ (Van de Velde, Esaias) (જ. 1587, હાર્લેમ, ઍમસ્ટરડૅમ; અ. 1630) : ડચ બરોક-ચિત્રકાર. નિસર્ગ-દૃશ્યો અને રણભૂમિનાં ચિત્રો આલેખવા માટે એ જાણીતો છે; પણ ડચ બરોક-ચિત્રકાર ઇયાન વાન ગોયેનના ગુરુ હોવા બદલ એની આગવી પ્રતિષ્ઠા પણ છે. સંભવ છે કે ઇસાઇયાસ પોતે કૉનિન્કસ્લૂ નામના ડચ બરોક-ચિત્રકારનો શિષ્ય હોય; કારણ કે ફ્લૅમિશ બરોક-ચિત્રકારો કૉનિન્કસ્લૂ અને પીટર બ્રૂગેલના શિયાળુ નિસર્ગ ચિત્ર પ્રકારનાં દૃશ્યો ઇસાઇયાસે ચીતર્યાં છે. 1610થી 1618 સુધી ઇસાઇયાસે હાર્લેમમાં રહી ચિત્રસર્જન કર્યું હતું. એ પછી તે હેગ જઈ રાજકુંવરી મૉરિટ્સ(maurits)નો દરબારી ચિત્રકાર બન્યો અને આમરણ એ જ પદ પર રહ્યો.

અમિતાભ મડિયા