વાન ડેર હીડન, ઇયાન (Van der Heyden, Ian)

January, 2005

વાન ડેર હીડન, ઇયાન (Van der Heyden, Ian) (જ. 1637; અ. 1712) : ડચ બરોક-ચિત્રકાર. ઍમસ્ટરડૅમ નગરના તેઓ પહેલા ચિત્રકાર છે, જેમણે નગરચિત્રો (cityscapes) ચીતરવાની પહેલ કરી હોય.

પદાર્થચિત્રો(still life)થી વાન ડેર હીડને આરંભ કર્યો. હાર્લેમનાં નગરચિત્રો ચીતરનાર ચિત્રકાર બર્ખીડેસ(Bercgheyoes)ની અસર પણ એમના પર છે. દીવાલો, ઈંટો અને પથ્થરોને તેઓ અત્યંત ઝીણી બારીક વિગતો સાથે ચીતરતા; પણ જમીન, ટેકરીઓ, નદી, સરોવરોની સ્થિતિને જાણી જોઈને વિકૃત ચીતરતા. એમણે ફાયર-એન્જિનો અને શેરીઓની દીવાબત્તીઓ પણ ડિઝાઇન કર્યાં છે. આ પ્રવૃત્તિને કારણે તેમની પાસે અઢળક સંપત્તિ જમા થઈ. તેમણે ‘ફાયર-એન્જિન બુક’ નામે ઇજનેરી પુસ્તક પણ લખ્યું, જે 1690માં પ્રકાશિત થયું. આ પુસ્તકમાં તેમણે જાતે જ એચિન્ગ-પદ્ધતિ વડે ધાતુછાપચિત્રો કરી ઉદાહરણચિત્રો (illustrations) મૂક્યાં. જીવનના અંતસમયે ફરી વાર તેમણે પદાર્થચિત્રો ચીતર્યાં હતાં.

અમિતાભ મડિયા