વાન ડેર વીડન, રૉજીર

January, 2005

વાન ડેર વીડન, રૉજીર (જ. 1399/1400; અ. 1464, બ્રસેલ્સ, બૅલ્જિયમ) : ડચ રેનેસાંસ-ચિત્રકાર. ટૂર્નાઈ નગરમાં કૅમ્પિન નામના ચિત્રકાર હેઠળ તેણે ચિત્રકલાની તાલીમ લીધેલી. પીડા-યાતના અને કરુણતાના આલેખનમાં વાન ડેર વીડન એટલો પાવરધો છે કે દર્શકો તેનાં ચિત્રો જોતાં જ ગમગીની અને ગ્લાનિમાં ડૂબી જાય છે. ઈસુના મડદાને ક્રૉસ પરથી ઉતારવામાં આવે છે તે દૃશ્યને તેણે જે ચિત્રમાં આલેખ્યું છે તે ચિત્ર ‘ડિસેન્ટ ફ્રૉમ ધ ક્રૉસ’માં અનોખી નાટ્યાત્મકતા જોવા મળે છે. આ ચિત્રમાં ક્રૉસ ઉપરથી ઉતારવામાં આવતું ક્રાઇસ્ટનું શબ તો તેમાં ગ્લાનિપ્રદ જણાય છે જ, પણ એથી પણ વધુ ગ્લાનિપ્રદ અન્ય માનવીઓ દેખાય છે. માતા મેરી વિષાદના આઘાતથી ભાન ગુમાવીને ફસડાઈ પડ્યાં છે અને અન્ય બે નારીઓ ઊંડા ડૂસકાં અને હીબકાં ભરીને રડી રહી છે. બીજાં કાળું કલ્પાંત મચાવતાં નજરે પડે છે. આ આખો નાટ્યાત્મક પ્રસંગ વાન ડેર વીડને ચિત્રમાં પશ્ર્ચાદ્ભૂ અને મધ્યભૂનો છેદ ઉડાડી દઈને માત્ર અગ્રભૂમાં ચીતર્યો છે. અગ્રભૂની પાછળ રાખોડી પીળા રંગનો પટ ચીતરી નજીકની કોઈ દીવાલની આગળ આ પ્રસંગને આકાર લેતો બતાવ્યો છે. વાન ડેર વીડનની બીજી યશસ્વી ચિત્રકૃતિ ‘ધ મિરેફ્લોરેસ ઑલ્ટરપીસ’ છે. ગૉથિક  શૈલીના છેલ્લા તબક્કાની ‘ઇન્ટરનૅશનલ ગૉથિક’ શૈલી ધરાવતું આ ચિત્ર ત્રણ પેટાચિત્રો (triptych) ધરાવે છે. તેમાં ડાબેથી પહેલું ચિત્ર શિશુ ઈશુના જન્મને વધાવતા તેમના માતાપિતાને આલેખતું ‘નેટિવિટી’ છે. વચ્ચેનું બીજું ચિત્ર કરુણ છે. અહીં ક્રૉસ પરથી ઉતારેલા ઈસુના મડદાને માતા મેરી ખોળામાં લઈને છેલ્લું ચુંબન કરે છે. જમણી બાજુના છેલ્લા ચિત્રમાં મૃત્યુ પછી ચાળીસમા દિવસે કબરમાંથી જીવતા ઊભા થઈને ઈસુ માતા મેરીને મળવા આવ્યા છે તે પ્રસંગનું નિરૂપણ છે. હૃદયસ્પર્શી ઊંડાં ધાર્મિક સ્પંદનો જગાડતાં તેનાં આ ચિત્રોનો પ્રભાવ તેના સમકાલીન અને અનુગામી ફ્લૅમિશ અને જર્મન ચિત્રકારો ઉપર તુરત જ પડ્યો હતો.

1426માં વાન ડેર વીડને બ્રસેલ્સવાસી એક મહિલા સાથે લગ્ન કરેલું. 1436 પહેલાં જ તેને નામના મળેલી. 1450માં તેણે ઇટાલીયાત્રા કરીને રોમ અને ફ્લૉરેન્સ નગરોની મુલાકાત લીધી. ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રા એન્જેલિકોનાં ચિત્રોએ તેને ખાસ આકર્ષ્યો. તેનાં શ્રેષ્ઠ લક્ષણોને વાન ડેર વીડને અપનાવી લઈને ‘લાસ્ટ જજમેન્ટ’ ચિત્ર ચીતર્યું હતું.

અમિતાભ મડિયા