વાનકુવર : કૅનેડાના પશ્ચિમ ભાગમાં બ્રિટિશ કોલંબિયામાં આવેલું મોટામાં મોટું શહેર તથા કૅનેડાનું અત્યંત વ્યસ્ત રહેતું બંદર. ભૌગોલિક સ્થાન : 49° 13´ ઉ. અ. અને 123° 06´ પ. રે.. તે બ્રિટિશ કોલંબિયાના નૈર્ઋત્ય ભાગમાં યુ.એસ.-કૅનેડાની સરહદથી ઉત્તર તરફ આશરે 40 કિમી. અંતરે બુર્રાર્ડ દરિયાઈ ફાંટાના દક્ષિણ કાંઠા પર ફ્રેસર નદીના મુખ પર આવેલું છે. વાનકુવરનો મહાનગરીય વિસ્તાર 2,786 ચોકિમી. જેટલો છે. તે ‘બૃહદ વાનકુવર’ નામથી ઓળખાય છે. આ દૃષ્ટિએ તે મૉન્ટ્રિયલ અને ટોરેન્ટો પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર છે.
વાનકુવર એક બંદર તરીકે કૅનેડા માટે ઘણું જ મહત્ત્વ ધરાવે છે. બુર્રાર્ડના દરિયાઈ ફાંટા પર તે આશરે 115 ચોકિમી. જેટલો ભાગ આવરી લે છે. શહેર તથા બંદરનો બધો જ ભાગ કોસ્ટ રેઇન્જના પર્વતો તેમજ પૅસિફિક મહાસાગરના સુંદર પરિસરમાં ગોઠવાયેલો છે. બંદર અને શહેરને આ પર્વતો ઠંડા પવનોથી રક્ષણ પૂરું પાડે છે. પૅસિફિકના હૂંફાળા પવનો અહીં વાતા રહે છે, જે આબોહવાને નરમ રાખે છે. અહીંનાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 2° સે. અને 17° સે. જેટલાં રહે છે.
બ્રિટિશ કોલંબિયા માટે આ શહેર વાણિજ્ય, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને પરિવહનક્ષેત્રનું મુખ્ય મથક છે. અહીંનાં પાણી ઠરી જતાં ન હોવાથી બારે માસ જહાજોની અવરજવર રહે છે. આ કારણે વાનકુવર પૅસિફિક મહાસાગરમાંના કૅનેડાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં માછીમારી અને મત્સ્યપ્રક્રિયા અને માંસ પૅક કરવા સહિતના ખાદ્યપ્રક્રમણ અને તેલ-શુદ્ધીકરણના એકમો તથા ઇજનેરી માલસામાન, હવાઈ જહાજો, કાપડ, કાગળ અને કાગળનો માવો, લાકડાં, વીનિયર, પ્લાયવુડના ઉત્પાદન-એકમોનો તેમજ જહાજવાડાનો સમાવેશ થાય છે. વાનકુવર બંદરેથી વાર્ષિક આશરે 6 કરોડ મેટ્રિક ટન માલસામાનની અવરજવર થતી રહે છે. અહીંના મોટાભાગની માલની હેરફેર એશિયા સાથે થાય છે. અહીંથી ઉત્તર તરફનો દરિયાઈ કાંઠાનો વેપાર પણ થતો રહે છે. બારે માસ ખુલ્લા રહેતા આ બંદર પર 50થી વધુ જહાજો હેરફેર માટે પડ્યાં હોય છે. વાનકુવર એ પશ્ચિમ કાંઠાનું બધા જ પ્રકારના ધંધા માટેનું જથ્થાબંધ તથા છૂટક વેપારનું મથક બની રહેલું છે; જેમાં આશરે એક લાખ લોકો નોકરીએ લાગેલા છે. વળી તે પ્રવાસ માટેનું કેન્દ્ર પણ છે.
વસ્તી-લોકો : 2000 મુજબ મહાનગર વાનકુવરની વસ્તી 14,68,000 જેટલી છે, જ્યારે શહેરની વસ્તી 5,28,600 છે. અહીંના આશરે 70 % લોકો કૅનેડામાં જ જન્મેલા છે. મોટાભાગના લોકો બ્રિટિશવંશીય મૂળના છે. તે પછીના ક્રમે ચીની, જર્મન, ઇટાલિયન અને ભારતીય લોકોનો સમાવેશ થાય છે. ચીની લોકો ઓગણીસમી સદીના છેલ્લા ચરણમાં (1884) કૅનેડિયન-પૅસિફિક રેલમાર્ગ બાંધવા માટે અહીં આવેલા. તે વખતે કૅનેડાના પશ્ચિમ છેડાના અંતિમ મથક તરીકે વાનકુવર પસંદગી પામેલું. નરમ આબોહવાને કારણે આ શહેર નિવૃત્ત લોકોના પ્રિય મથક તરીકે વિકસ્યું છે. કૅનેડાનો યુવાવર્ગ પણ અહીં પ્રવાસ અર્થે આવે છે. બેકારી અને ગરીબી અહીંની મુખ્ય સમસ્યાઓ છે. ગરીબ લોકો અહીંના પૂર્વ તરફના ભાગોમાં ઝૂંપડપટ્ટીમાં વસે છે.
ઇતિહાસ : 1792માં જ્યૉર્જ વાનકુવર અહીં આવેલો ત્યારે તેણે બ્રિટન માટે આ સ્થળનો કબજો લીધેલો. આજે જ્યાં વાનકુવર વસેલું છે ત્યાં 1865માં સ્થપાયેલી એક લાટી નજીક સર્વપ્રથમ કાયમી વસાહત વિકસેલી. આ વિસ્તારમાં મળતાં સારી જાતનાં લાકડાંને કારણે આ વસાહત સમૃદ્ધ બનતાં આ સ્થળ લાકડાંના પીઠાનું નગર બની રહેલું. 1875માં વસ્તી વધી ત્યારે તેનું નામ ગ્રેનવિલે પાડેલું. 1884માં અહીં કૅનેડિયન-પૅસિફિક રેલમાર્ગ નંખાયો; પરંતુ 1886માં તે શહેર બનતાં તેનું નામ પણ બદલવામાં આવ્યું. 1889માં અહીં એકલા ચીનાઓની જ વસ્તી 1,40,000 જેટલી હતી. વળી હૉંગકૉંગથી પણ હજારો સ્થળાંતરવાસીઓ અહીં આવતાં વાનકુવરની વસ્તી ઝડપથી વધી ગયેલી. 1915માં પનામાની નહેર બનતાં, આર્થિક દૃષ્ટિએ તે સમૃદ્ધ બનતું ગયું. અહીંથી લાકડાં અને અનાજ યુરોપ તરફ મોકલવાનું શરૂ થયું. 1930 સુધીમાં તો તે કૅનેડાના ત્રીજા ક્રમનું મોટું શહેર બની રહ્યું; એટલું જ નહિ, તે પૅસિફિક કાંઠા પરનું મહત્ત્વનું બંદર પણ બન્યું છે. આજે તે ઔદ્યોગિક, વાણિજ્ય અને નાણાકીય ક્ષેત્રે તથા વેપાર અને પરિવહનક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે.
વાનકુવર ટાપુ : કૅનેડાના પશ્ચિમ કિનારાથી દૂર પૅસિફિકમાં આવેલો ટાપુ. તે બ્રિટિશ કોલંબિયાનો જ એક ભાગ છે. તેનો વિસ્તાર 32,136 ચોકિમી. છે. આ ટાપુ પરનાં શહેરો અને નગરોમાં વિક્ટોરિયા, નનાઇમો, એસ્ક્વિમાલ્ટ(નૌકામથક)નો સમાવેશ થાય છે. અહીંના ઉદ્યોગોમાં લાકડાં, કોલસો અને માછલી મુખ્ય છે. 1778માં બ્રિટિશ અભિયંતા કૅપ્ટન કૂકે આ ટાપુની મુલાકાત લીધેલી. 1792માં કૅપ્ટન જ્યૉર્જ વાનકુવરે તેનું સર્વેક્ષણ પણ કરેલું.
ગિરીશભાઈ પંડ્યા