વાનકુવર, જ્યૉર્જ

January, 2005

વાનકુવર, જ્યૉર્જ (જ. 1758, કિંગ્ઝલીન, નૉફોક, ઇંગ્લૅન્ડ; અ. 1798) : બ્રિટિશ અભિયંતા. વાનકુવર ટાપુ (બ્રિટિશ કોલંબિયા  કૅનેડા), વાનકુવર શહેર તેમજ યુ.એસ.ના વૉશિંગ્ટન રાજ્યમાં આવેલ વાનકુવર શહેરનાં નામ તેમના નામ પરથી અપાયેલાં છે.

જ્યૉર્જ વાનકુવર

13 વર્ષની નાની ઉંમરે તેઓ નૌકાક્ષેત્રે કુશળ દરિયાખેડુ બનેલા. કૅપ્ટન જેમ્સ કૂકની છેલ્લી બે સફરોમાં તેમને શરૂઆતનો સમુદ્ર-સફરનો અનુભવ મળેલો; છેલ્લી સફરમાં જહાજી કામના મધ્યસ્થી તરીકે પણ સેવાઓ આપેલી. વાનકુવર ટાપુના પશ્ચિમ કાંઠાથી થોડેક દૂર ઘટેલી કોઈક ઘટનાથી ગ્રેટબ્રિટન અને સ્પેન વચ્ચે નૂટકા ખાડી વિશે સંઘર્ષ ઊભો થયેલો; વાનકુવરને ત્યાં જવાનો આદેશ થતાં 1791ના એપ્રિલમાં તે હંકારી ગયો. તે કેપ ઑવ્ ગુડ હોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ થઈને ત્યાં પહોંચેલો. આ બધા વિસ્તારોના કાંઠાના સારા નકશા તેમણે બનાવ્યા. આ રીતે ફરતાં ફરતાં જવાથી તેઓ 1792માં અમેરિકા ખંડને કાંઠે પહોંચ્યા. ત્યાં નૂટકા ખાડી માટે વાટાઘાટો કરી અને વાનકુવર ટાપુ નજીકની સામુદ્રધુની તરફ જઈ આવ્યા; જ્યૉર્જિયા સામુદ્રધુની જોવા જનાર તેઓ પ્રથમ ગોરા આદમી હતા. તેમણે સાનફ્રાન્સિસ્કોથી ઉત્તર તરફના પૅસિફિક કાંઠાનું સર્વપ્રથમ વાર સર્વેક્ષણ કર્યું અને 1795માં હૉર્નની ભૂશિર થઈને ઇંગ્લૅન્ડ પાછા ફર્યા.

ગિરીશભાઈ પંડ્યા