વાન ઇક બ્રધર્સ

January, 2005

વાન ઇક બ્રધર્સ (વાન ઇક હબર્ટ  જ. ?, અ. 18 સપ્ટેમ્બર 1426; વાન ઇક ઇયાન – જ. આશરે 1390, અ. 1441, બ્રુજેસ) : ફ્લૅમિશ રેનેસાંસ-ચિત્રકાર ભાઈઓ. તૈલચિત્રણાની તકનીકના વિકાસને પૂર્ણતાના શિખરે પહોંચાડવાનું શ્રેય આ ભાઈઓને મળે છે. લાંબા સમય સુધી એક એવી ગેરમાન્યતા વ્યાપક બનેલી કે નાનો ભાઈ ઇયાન તૈલચિત્રણાનો શોધક છે. હકીકત એવી છે કે તે શોધ તો અગાઉ થઈ જ ચૂકી હતી, પણ તેની સર્વશક્યતાઓનો ક્યાસ કાઢી આપવાનું કામ આ બે બંધુઓએ કર્યું. રંગોની અત્યંત ઋજુ મિલાવટ કરીને આ ભાઈઓએ તૈલચિત્રણા વડે શું કરી શકાય તે દુનિયાને બતાવી આપ્યું. વાતાવરણ, ધુમ્મસ વગરનું અને તડકીલું હોવા છતાં કદી પણ પૂર્ણતયા પારદર્શક નથી હોતું તે વિશ્વઘટના (phenomenon) સમજીને તેમણે દૂર રહેલી વસ્તુઓને અંતર(distance)ના પ્રમાણમાં ક્રમશ: ધૂંધળી અને અસ્પષ્ટ બાહ્ય રેખાથી બંધાયેલી ચીતરવી શરૂ કરીને અભૂતપૂર્વ વાસ્તવદર્શનને કૅન્વાસ પર ઉતાર્યું. લિન્સિડ(અળશી)ના તેલ અને વાર્નિશનાં સંયોજનો દ્વારા તેમણે એવાં પાતળાં પડ (glaze) ઉપરાછાપરી ચીતરવાં શરૂ કર્યાં કે સદીઓ વીતી જવા છતાં રંગોની તેજસ્વિતામાં કોઈ ઓટ આવી નહિ.

મોટા ભાઈ હબર્ટ વિશે જૂજ માહિતી મળે છે. નાનો ભાઈ ઇયાન 1422થી 1424 સુધી હેગ ખાતે હોલૅન્ડના કાઉન્ટ જૉનનો દરબારી ચિત્રકાર હતો. 1425માં ડ્યૂક ઑવ્ બર્ગન્ડી ફિલિપ ધ ગુડના દરબારી ચિત્રકાર તરીકે તેમની નિમણૂક થઈ ત્યારથી (1425થી) માંડીને 1429 સુધી તે ડ્યૂકના નગર લિલેમાં રહ્યા. 1430માં તેઓ બ્રુજેસ ગયા અને 1441માં અવસાન સુધી ત્યાં જ રહ્યા. 1426થી 1436 વચ્ચે ડ્યૂકના ગુપ્ત દૂત તરીકે તેમનાં લગ્ન ગોઠવી આપવા માટે તેમણે ઘણી યાત્રાઓ કરી. તેમાં 1427માં કરેલી સ્પેનની અને 1428માં કરેલી પૉર્ટુગલની યાત્રાઓનો સમાવેશ થાય છે.

બે આકૃતિઓ (માસ્ટરપીસ) ‘ઘેન્ટ ઑલ્ટરપીસ’ અને ‘ક્રૂસિફિકેશન ઍન્ડ ધ લાસ્ટ જજમેન્ટ’ને હબર્ટ અને ઇયાનનાં સહિયારાં સર્જન માનવામાં આવે છે. ‘ક્રૂસિફિકેશન ઍન્ડ ધ લાસ્ટ જજમેન્ટ’ ઊભા ઘાટનાં બે ચિત્રોની એક જોડી છે. ડાબા ચિત્રમાં ક્રૂસિફિકેશન અને જમણા ચિત્રમાં ‘ધ લાસ્ટ સપર’નું નિરૂપણ છે. આ બંને ચિત્રોમાં ઊંચાઈ પર જોવામાં આવેલ દૃશ્ય (panorama) છે. ક્રૂસિફિકેશનમાં પશ્ર્ચાદ્ભૂમાં દૂરના ધૂંધળા પર્વતો સાથે એકાકાર થયેલું આકાશ, એની તળેટીમાં નગરનાં મકાનો, મધ્યભૂમાં ત્રણ ક્રૉસ અને એ ત્રણેય પર લટકતાં ક્રાઇસ્ટનાં ત્રણ મડદાં તથા અગ્રભૂમાં સૈનિકો અને લોકો જોવા મળે છે. ‘ધ લાસ્ટ જજમેન્ટ’માં પશ્ર્ચાદ્ભૂમાં ચિત્રની વચ્ચોવચ્ચ ધરતી તથા સમુદ્ર જોવા મળે છે, તો અગ્રભૂમાં ચિત્રની ટોચે ઈશ્વરના દરબારમાં આખરી ચુકાદો આપતા ક્રાઇસ્ટ, મેરી, દેવદૂતો અને પુણ્યશાળીઓ દેખાય છે અને અગ્રભૂમાં ચિત્રના નીચેના અડધા ભાગમાં નરકમાં યાતનાઓ ભોગવતા સબડતા અને કરુણ કલ્પાંત કરતા પાપીઓ જોવા મળે છે.

‘ઘેન્ટ ઑલ્ટરપીસ’નો પ્રારંભ 1425માં હબર્ટે કરેલો, પણ હબર્ટ 1426માં મૃત્યુ પામતાં તેને ઇયાને 1432 સુધીમાં પૂરું કર્યું. કુલ 20 ચિત્રોમાં વિભાજિત આ ‘ગૅન્ટ ઑલ્ટરપીસ’માં ઈશ્વર, વર્જિન મેરી, સેંટ જ્હૉન ધ બૅપ્ટિસ્ટ, ઈવ, આદમ, ‘ધ એડોરેશન ઑવ્ લૅમ્બ’(ઈસુના જીવનની શહીદીનું રૂપક)નાં ચિત્રો સૌથી વધુ ધ્યાન ખેંચે છે. આદમ અને ઈવનાં ચિત્રોમાં ઉપરના ખૂણે બાઇબલની કથાના પ્રથમ (પ્રારંભિક) પાપીઓ કેઈન અને એબલ ચીતર્યા છે. આ દ્વારા વાન ઇક બંધુઓ કદાચ આદમ અને ઈવના મૂળ (પ્રથમ) પાપના વિસ્તાર પર ઇશારો કરવા માગે છે. માનવકદ કરતાં સહેજ જ નાના આ નગ્ન આદમ અને નગ્ન ઈવનાં ચિત્રો મૃદુ પ્રકાશ અને છાયામાંથી વ્યાખ્યાયિત છે. તેમના પગના તળિયાથી પણ નીચેની સપાટીએ રહી ચિત્રકારે (અને તેથી દર્શકે) તેમને જોયાં હોય એવાં ‘ફ્રૉગ્સ આઇ વ્યૂ’ વડે તે આલેખાયાં છે. આ વીસ ચિત્રોમાં ઇયાન અને હબર્ટનું સર્જન અલગ તારવવું અશક્ય છે. એબલ અને કેઈનને માત્ર સફેદથી માંડીને કાળા સુધીની છાયાઓ વડે આલેખી શિલ્પનો આભાસ ઊભા કરતાં ચિત્રો સર્જ્યાં છે.

બે ચિત્રો એવાં છે કે જે માત્ર ઇયાને આલેખ્યાં હોવાનું પ્રમાણ મળે છે. તેમાં એક છે ‘મૅન ઇન એ રેડ ટર્બન’ (1433)  આ વ્યક્તિચિત્રમાં લાલ પાઘડી પહેરીને બેઠેલો માણસ ઇયાન પોતે જ છે એવું અનુમાન કરવામાં આવે છે. પંદરમી સદીમાં ફ્લૅમિશ નગરો ટૂર્નાઈ, ઘેન્ટ અને બ્રુજેસમાં વ્યક્તિચિત્રો ચિતરાવવાની ફૅશન શ્રીમંત વર્ગમાં અસ્તિત્વમાં આવેલી. વેપાર અને બૅંકિંગના થતા જતા વિસ્તારને પ્રતાપે ઇટાલિયન અને ફ્રેન્ચ શ્રીમંતો પણ અહીં આવી વસતા હતા. ઇયાને એકલે હાથે ચીતરેલાં બીજાં ચિત્ર ‘એર્નોલ્ફીની પોર્ટ્રેટ’(1434)માં પુરુષ જિયોવાની એર્નોલ્ફીની અને મહિલા જિયોવાના ચેનામી વચ્ચે લગ્ન કરવા માટેના ચેનામીના ઘરમાં પરસ્પર આપેલા વચન(betrothal)નું આલેખન છે. મહિલા ગર્ભવતી છે તે તેના ફૂલેલા પેટ પરથી જણાઈ આવે છે. પુરુષે ડાબે હાથે મહિલાનો જમણો હાથ પકડી રાખ્યો છે અને તે (પુરુષ) જમણો હાથ ઊંચો કરી શપથ લેતો દેખાય છે. (પંદરમી સદીની ઉત્તર યુરોપની પ્રણાલિકા મુજબ લગ્ન તો માત્ર ચર્ચમાં જ થઈ શકે અને તેની વિધિમાં પુરુષ અને મહિલાએ પોતપોતાના જમણા હાથ પરસ્પર મેળવવા પડે.) મહિલા અને પુરુષની પાછળની દીવાલે વચ્ચે બહિર્ગોળ અરીસો લટકતો દેખાય છે. તેમાં પ્રતિબિંબિત દેખાતી બે વ્યક્તિઓમાં એક મહિલાનો પિતા હોવો જોઈએ અને બીજો ઇયાન પોતે જ હોવો જોઈએ; કારણ કે અરીસાની ઉપર જ ઇયાને સહી કરી છે. ‘Jan Van Eyck fuit hic’ (‘ઇયાન વાન ઇક અહીં હતો’) અરીસા સિવાયનું રાચરચીલું ઘણું પ્રતીકાત્મક જણાય છે. મહિલાની પાછળ રહેલો લાલ રંગની ચાદરથી ઢંકાયેલો રાજાશાહી પલંગ રતિક્રીડાનું પ્રતીક છે કે પ્રસૂતિ પછી માતા અને નવજાતશિશુનું આરામસ્થાન ? આ યુગલ લગ્નના પવિત્ર વચનથી બંધાઈ રહ્યું છે. માટે આ યુગલ જોડા બાજુ ઉપર ઉતારીને ઊભું રહ્યું છે ? પુરુષ અને મહિલાની વચ્ચે ઊભેલું નાનકડું કુરકુરિયું પરસ્પરના વિશ્વાસ વફાદારી(fidelity)નું પ્રતીક છે ? ધોળે દિવસે પ્રકાશિત ઓરડામાં માથે લટકતા કાચના ઝુમ્મરમાં સળગતી એકમાત્ર મીણબત્તી શું સૂચવે છે ? આ બધા પ્રશ્ર્નો આજે પણ અભ્યાસીઓને ગૂંચવે છે.

અમિતાભ મડિયા