વાદ-પ્રતિવાદ : ભારતીય આસ્તિક અને નાસ્તિક તમામ દર્શનોમાં અને શાસ્ત્રગ્રંથોમાં સ્વમતના પ્રતિપાદન માટે અને પ્રતિપક્ષીના મતનું જુદી જુદી યુક્તિઓ એટલે કે દલીલો દ્વારા ખંડન કરવામાં તે તે દર્શન કે સંપ્રદાયના આચાર્યોએ વાક્ચાતુર્ય કે વક્તૃત્વકલાનો બહોળો ઉપયોગ કરેલો છે. વિવિધ ધર્મો અને તેમના સંપ્રદાયોને સ્થાપવા અને ટકાવવામાં તર્કશુદ્ધ અને અલંકારમંડિત વક્તૃત્વનો મોટો ફાળો ગણાય. વાક્ કે વાણી જે તે ધર્મ અને સંપ્રદાયના આચાર્યો માટે દેવી બની રહેલી જણાય છે. હિંદુ ધર્મ ને તેના વિવિધ સંપ્રદાયો તથા હિંદુ સંસ્કૃતિનું ગૌરવ અક્ષત જળવાયું છે તે વાક્દેવીને આભારી છે.
‘નાટ્યશાસ્ત્ર’માં ભરત મુનિએ ચાર પ્રકારના અભિનયોમાં વાચિક અભિનય તરીકે જેને વર્ણવ્યો છે તેમાં વાણીનો નાટ્યપ્રકારોમાં કેવો ભવ્ય મહિમા છે તે બતાવ્યું છે. આમ ધર્મ, સાહિત્ય અને નાટ્યકલામાં વાણીની જાદુઈ અસર દેખાય છે.
વક્તૃત્વ પ્રાચીન ભારતમાં જોવા મળે છે. વેદના ઋષિઓ देवी वाचमना ઉપાસકો હતા અને તેમણે વાણીના પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી એવાં ચાર સ્વરૂપો કલ્પેલાં છે. વેદના ઋષિઓની વક્તૃત્વશક્તિનાં આછેરાં દર્શન તેમણે કરેલી ભારતી વગેરે વિવિધ દેવદેવીઓની સ્તુતિમાં થાય છે. ઉપનિષદો, દર્શનો, પુરાણો અને અનેકાનેક શાસ્ત્રગ્રંથોમાં વક્તૃત્વશક્તિનાં સ્પષ્ટ દર્શન થાય છે. ન્યાયદર્શન, તર્કશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રમાં વાદકથા, જલ્પકથા અને વિતંડાકથા એવા ત્રણ પ્રકારો અને તેના કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. અહીં કથા એટલે બે માણસો વચ્ચેની વાતચીત કે જેમાં વક્તૃત્વકલા મોખરે છે.
પ્રથમ પ્રકાર વાદકથાનો છે અને તે સૌથી ચઢિયાતો છે. એનું કારણ એ છે કે વાદકથાથી તત્વનું જ્ઞાન થાય છે. (वादे वादे जायते तत्वबोधः ।) પરિણામે ભગવાન શ્રીકૃષ્ણે સ્વમુખે ‘ભગવદગીતા’માં ‘वादः प्रवदतामहम्’ એમ વાદકથાને પોતાની એક વિભૂતિ તરીકે ગણાવી છે. વાદકથામાં જ્ઞાન મેળવનાર શિષ્ય ગુરુને ધારદાર શબ્દોમાં પ્રશ્ર્ન કે શંકા રજૂ કરે છે. જ્યારે ગુરુ ધારદાર શબ્દોમાં શિષ્યને જવાબ આપે છે કે શિષ્યની શંકાનું નિવારણ કરે છે. બંનેમાંથી કોઈને પોતાને ચઢિયાતો બતાવવાની ઇચ્છા નથી, ફક્ત જ્ઞાન આપવા-મેળવવાનો શુદ્ધ હેતુ તેમનામાં રહેલો હોય છે. બંનેની રજૂઆત ઉત્તમ પ્રકારની વક્તૃત્વશક્તિની નિદર્શક હતી. પ્રાચીન ભારતમાં વાદકથાની જ પદ્ધતિ શિક્ષણ માટે સ્વીકારવામાં આવી છે. ઉપનિષદો, દર્શનગ્રંથો, શાસ્ત્રગ્રંથો – સર્વત્ર આવી વાદકથાની પદ્ધતિ જોવા મળે છે. ઉપનિષદોમાં ‘પ્રશ્ર્નોપનિષદ’ આ પદ્ધતિનું ઉત્તમ ઉદાહરણ છે. વ્યાકરણશાસ્ત્રમાં પતંજલિનું ‘મહાભાષ્ય’ હોય કે વેદાંતદર્શનમાં શંકરાચાર્યનું બ્રહ્મસૂત્રો પરનું ભાષ્ય હોય, મીમાંસાદર્શનમાં શબર સ્વામીનું ‘શાબરભાષ્ય’ કે ન્યાયશાસ્ત્રમાં જયંત ભટ્ટની ‘ન્યાયમંજરી’ જેવું ભાષ્ય હોય, સર્વત્ર વાદકથાનું સામ્રાજ્ય જામેલું જોવા મળે છે.
બીજા પ્રકારમાં જલ્પકથા આવે છે. એમાં વક્તૃત્વશક્તિ અને તર્કની અનિવાર્ય આવશ્યકતા છે. જલ્પકથામાં બે જાણકાર વ્યક્તિઓ પોતપોતાના પક્ષનું સ્થાપન અને સામા પક્ષનું ખંડન કરતી દલીલો સામસામે રજૂ કરે છે. એમાં જેની વક્તૃત્વશક્તિ અને તર્કશક્તિ વધારે જોરદાર હોય તે જીતે છે. ન્યાયદર્શન અને તર્કશાસ્ત્ર જલ્પકથાની સામાન્ય ચર્ચા કરે છે, જ્યારે અલંકારશાસ્ત્રના કવિશિક્ષાવિષયક ગ્રંથોમાં કવિએ જલ્પકથામાં વિજય મેળવવા શું કરવું તેના નિયમો આપ્યા છે. મહાકવિ અમરચંદ્ર અને અરિસિંહ પોતાની ‘કાવ્યકલ્પલતા’માં નીચેના નિયમો આપે છે :
(1) જલ્પકથામાં જીતવા ઇચ્છનારા વિદ્વાન કવિએ પોતાનું સઘળું વક્તવ્ય કવિતામાં રજૂ કરવું.
(2) આરંભમાં સાનુપ્રાસિક શ્ર્લોકરચના વડે પોતાની માહિતી આપવી; પછી પોતાનું ચઢિયાતાપણું કહેવું.
(3) પ્રતિપક્ષીનાં કુળ અને જ્ઞાન વિશેની માહિતી મેળવવા તેને પ્રશ્ર્નો પૂછવા.
(4) એ પછી પ્રતિપક્ષીને માનસિક રીતે ભાંગી પાડવા તેની અલ્પતા બતાવવી અને પોતાની સામે તે ટકી શકશે નહિ એમ કહેવું.
(5) પોતાના શાસ્ત્રજ્ઞાનની વાત કરવી.
(6) ચર્ચામાં વિવિધ છંદોનો આશ્રય લેવો.
જ્યારે ‘કવિકલ્પલતા’કાર દેવેશ્વર જલ્પકથાની વિસ્તૃત ચર્ચા કરી તેના નિયમો નીચે પ્રમાણે આપે છે :
(1) જલ્પકથાનાં ચાર મુખ્ય અંગો છે : વાદી, પ્રતિવાદી, પ્રાશ્ર્નિક (મધ્યસ્થી) અને સભાપતિ (રાજા).
(2) કવિએ રાજદરબારમાં જઈ રાજાને સ્વસ્તિવચનો કહેવાં.
(3) રાજા અને દરબારમાં બેસનારાઓનું વર્ણન સાનુપ્રાસિક અને શ્ર્લિષ્ટ પદાવલીથી ગદ્ય અને પદ્ય બંનેમાં કરવું.
(4) ગંગાનદી અને દેવની સ્તુતિ કરવી. દરબારમાંના બ્રાહ્મણો અને પંડિતોને વિવેકથી નમસ્કાર કરવા અને ત્યાંના તળાવ વગેરેનું વર્ણન કરવું.
(5) પોતાનો ઉત્કર્ષ બતાવી પ્રતિવાદીની અલ્પતા બતાવવી.
(6) પરાજય પામી રહેલા પ્રતિપક્ષીના માનસિક ભાવો અને શારીરિક ચેષ્ટાઓને કાવ્યમાં વર્ણવવી.
(7) અંતે પ્રતિપક્ષીને બોલતો બંધ કરવો.
જલ્પકથાના વિજેતા કવિને રાજા તરફથી માન-અકરામ મળે એ તેનો વ્યક્તિગત ફાયદો છે. ક્યારેક આવી જલ્પકથાથી હારી જનારના જીવનનો રસ્તો જ બદલાઈ જાય છે; જેમ કે, શંકરાચાર્ય સાથેની જલ્પકથામાં હારનાર પંડિત મંડનમિશ્રને ગૃહસ્થ મટીને સંન્યાસનો માર્ગ શરત મુજબ સ્વીકારવો પડ્યો. ક્યારેક જલ્પકથામાં જીતનારના આખા પ્રદેશ અને સમુદાયને ફાયદો થાય છે; જેમ કે દિગંબર કુમુદચંદ્રને વાદીદેવસૂરિએ જીતી લેવાથી જૈન ધર્મનો શ્ર્વેતાંબર સંપ્રદાય ગુજરાતમાં ટકી રહ્યો. પિતાની અંતિમ ઇચ્છા મુજબ ન્યાયશાસ્ત્ર ભણીને ‘નૈષધીયચરિત’ અને ‘ખંડનખંડખાદ્ય’ના લેખક શ્રીહર્ષે ઉદયનાચાર્યને પડકાર્યા અને ઉદયનાચાર્યે પોતાની હાર સ્વીકારી લીધી. વાચસ્પતિ મિશ્ર જેવા વિદ્વાનો ‘સર્વતંત્રસ્વતંત્ર’ બનેલા અને ગમે તે શાસ્ત્રનું ખંડન અને મંડન કરી શકતા.
ત્રીજો પ્રકાર વિતંડાકથાનો છે પરંતુ તે કનિષ્ઠ છે. તેમાં પોતાનો કોઈ પક્ષ ન હોવાથી બીજા પક્ષનું ખંડન જ કરવાનું હોય છે. આમ, પ્રાચીન ભારતમાં વાદકથા, જલ્પકથા અને વિતંડાકથામાં પ્રભાવક વક્તૃત્વ અને ઉત્તમ તર્કના વિનિયોગ દ્વારા પ્રવર્તેલ વાક્નો ઠીક ઠીક વિચાર થયેલો છે.
પ્ર. ઉ. શાસ્ત્રી