વાદી દેવસૂરિ : સિદ્ધરાજ જયસિંહના સમકાલીન શ્ર્વેતાંબર જૈન સંપ્રદાયના ગુજરાતના પ્રસિદ્ધ આચાર્ય. તેઓ દેવનાગના પુત્ર હતા અને તેમનું નામ પૂર્ણચંદ્ર હતું. આચાર્ય મુનિચંદ્રસૂરિએ તેમને ભરૂચમાં ઈ. સ. 1096માં દીક્ષા આપીને મુનિ રામચંદ્ર નામ આપ્યું. તેમણે લક્ષણ, દર્શન તથા સાહિત્યનો અભ્યાસ કર્યો અને ઈ. સ. 1118માં આચાર્ય થયા તથા દેવસૂરિ તરીકે તેઓ જાણીતા થયા. ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ સમક્ષ તેમણે દેવબોધિ નામના ભાગવત વિદ્વાનને પોતાની વિદ્વત્તાથી પ્રસન્ન કર્યા હતા.
કર્ણાટક પ્રદેશના જૈન દિગંબર વાદી આચાર્ય કુમુદચંદ્ર સાથે શ્ર્વેતાંબર આચાર્ય દેવસૂરિનો સિદ્ધરાજના અધ્યક્ષપદે ઈ. સ. 1125માં વાદ થયો હતો. તેમાં દેવસૂરિનો વિજય થયો. તેથી તેઓ ‘વાદી દેવસૂરિ’ તરીકે જાણીતા થયા અને ગુજરાતમાં શ્ર્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓ ખૂબ વધ્યા તથા દિગંબરો ખાસ રહ્યા નહિ. આ વાદ વિશેની ઐતિહાસિક માહિતી કવિ યશશ્ર્ચન્દ્રે ‘મુદ્રિત કુમુદચંદ્ર’ નાટકમાં આપી છે.
ગુજરાતમાં પ્રમાણવિદ્યાનો પાયો નાખતો પ્રમાણશાસ્ત્રનો ‘પ્રમાણનયતત્ત્વાલોક’ નામનો સૂત્રાત્મક ગ્રંથ વાદી દેવસૂરિએ લખ્યો. તેના ઉપર ‘સ્યાદ્વાદરત્નાકર’ નામથી ટીકા પણ તેમણે જ લખી છે. આ રચનામાં તેમના શિષ્યો આચાર્ય ભદ્રેશ્વરસૂરિ તથા આચાર્ય રત્નપ્રભસૂરિએ તેમને નોંધપાત્ર મદદ કરી હતી. આ ઉપરાંત દેવસૂરિએ ‘ઉપદેશકુલક’, ‘પ્રભાતસ્મરણ’, ‘ઉપધાન સ્વરૂપ’, ‘યતિદિનચર્યા’, ‘મુણિચંદ ગુરુથુઈ’ વગેરે ગ્રંથો લખ્યા છે.
સિદ્ધરાજના દરબારનો કવિ શ્રીપાલ વાદી દેવસૂરિની પાંડિત્ય પ્રતિભાનો ઉપાસક હતો.
જયકુમાર ર. શુક્લ