વાતસ્ફીતિ (emphysema) : ફેફસાના વાયુપોટા(alveoli)ની દીવાલના વ્યાપક નાશને કારણે તેમનો કાયમી રીતે અને વિષમ રીતે પહોળા થઈ જવાનો વિકાર. ક્યારેક તેની સાથે ફેફસામાં તંતુઓ બને છે. તેને તંતુતા (fibrosis) કહે છે. વાતસ્ફીતિ એક પ્રકારની રોગમય દેહરચના (pathological anatomy) છે, માટે તે એક પ્રકારની વિકૃતિ છે. તેની સાથે ઘણી વખત જોવા મળતા એક અન્ય રોગ-દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ(chronic bronchitis)-નું નિદાન શારીરિક તકલીફો પરથી થાય છે. તેથી તે એક પ્રકારનો વિકાર છે. કોઈ વ્યક્તિને સતત 2 વર્ષ સુધી દર વર્ષે 3 મહિના માટે મોટાભાગના દિવસો સુધી ગળફો પડે તો તેને દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ કહે છે. શ્વસનનલિકાઓના બે અન્ય રોગો જેવા કે શ્વસનનલિકા-વિસ્ફારિતા (bronchiactesis) તથા શ્વસની દમ (bronchial asthma) નથી થયેલા તે નિશ્ચિત કરીને દીર્ઘકાલી શ્વસનનલિકાશોથનું નિદાન કરાય છે, વાતસ્ફીતિ અને શ્વસનનલિકાશોથમાં પેશીમાં થતી રુગ્ણતા અલગ અલગ હોવા છતાં ઘણી વખતે તેઓ એકસાથે હોય છે અને તેથી તેમને બંનેને સંયુક્ત રૂપે દીર્ઘકાલી રોધજન્ય ફેફસીરોગ (chronic obstructive pulmonary disease) કહે છે. તેને ટૂંકમાં, દીરોફેરો (COPD) કહે છે. કોઈ એક દર્દીમાં તે બંનેમાંથી કયા રોગથી કેટલી તકલીફ થઈ છે તે અલગ કરીને દર્શાવવું અઘરું હોય છે. આ બંને રોગમાં શ્વસનમાર્ગમાં હવાની અવરજવર(વાતાયન)માં વ્યાપક રૂપે રોધ (અટકાવ) ઉત્પન્ન થાય છે. તેને વ્યાપક વાતાયનરોધ (generalised airflow obstruction) કહે છે.

COPD થવાનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે. તેમાં વાતસ્ફીતિને કારણે શ્વાસ ચડે છે અને શ્વસનનલિકાના ચેપ અને સંક્ષોભ(irritation)ને કારણે લાંબા ગાળાની ખાંસી અને કફ (ગળફા) થાય છે. શ્વસનનલિકાની દીવાલમાં આવતા સોજાને કારણે તથા સ્નાયુઓના સંકોચનને કારણે શ્વસનધ્વનિ (breath sounds) ધીમો પડે છે, ઉચ્છ્વાસ લાંબો સમય ચાલે છે અને સિસકારા (rhonchi) જેવો અવાજ ઉદભવે છે. ફેફસાની કાર્યક્ષમતા-કસોટીમાં ઉચ્છ્વાસકાલીન રોધ (expiratory obstruction) થયેલો જોવા મળે છે. અમેરિકામાં આશરે 140 લાખ વ્યક્તિઓને આ રોગ છે. ભારતમાં તેનો ફેલાવો ઘણો વ્યાપક છે. અમેરિકામાં COPD અને દમને કારણે થતા મૃત્યુનો દર ઊંચો છે (દર વર્ષે 90,000) અને તે 4થા ક્રમે છે. મોટી ઉંમરે તેનો મૃત્યુદર વધે છે.

કારણવિદ્યા : વાતસ્ફીતિનું મુખ્ય કારણ ધૂમ્રપાન છે જ્યારે શ્વસનનલિકાશોથનું કારણ શ્વસનનલિકાની દીવાલનું વિવિધ દ્રવ્યો વડે થતું લાંબા ગાળાનું સંક્ષોભન (irritation) છે. તેને કારણે તે જાડી થઈ જાય છે. તેના સંક્ષોભકો(irritants)માં ધૂમ્રપાન, ધૂળ, ધુમાડો અને વાતાવરણીય પ્રદૂષકોનો સમાવેશ થાય છે. રોગનાં લક્ષણો, સંક્ષોભિત દીવાલ પર ચેપ લાગે ત્યારે દેખાઈ આવે છે. ભેજવાળું વાતાવરણ, તાપમાનમાં થતા ફેરફારો, ધુમ્મસ તેના વારંવાર હુમલા લાવે છે. તે ધૂમ્રપાન કરનારાઓમાં અને શહેરોમાં વધુ થાય છે. મોટાભાગે ગળફામાં સ્ટ્રૅપ્ટૉકૉકસ ન્યુમોનિ અને એચ. ઇન્ફલુએન્ઝી નામના જીવાણુઓ જોવા મળે છે. વાતસ્ફીતિનાં કારણોમાં જવલ્લે જોવા મળતા અકાર-1-પ્રતિનત્રલોત્સેચક (alfa-1-antiproteinase) નામના ઉત્સેચક(enzyme)ની ઊણપનો સમાવેશ થાય છે. યુવાન દર્દીમાં ક્યારેક આ ઉત્સેચકની ઊણપનો વિકાર થયેલો હોય છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : સામાન્ય રીતે મોટાભાગના દર્દીઓ તેમના જીવનના 5મા કે 6ઠ્ઠા દાયકામાં હોય છે. તેમની મુખ્ય તકલીફો અતિશય ખાંસી, ગળફો અને શ્વાસ ચડવો તે હોય છે. આવી તકલીફો દસેક વર્ષથી હોય છે. શરૂઆતમાં ભારે મહેનત પછી શ્વાસ ચડે છે; પરંતુ વિકાર વધે તેમ તે થોડી મહેનતમાં પણ તકલીફ થઈ આવે છે. રોગના વારંવાર ઊથલા આવે છે, કામકાજની ક્ષમતા ઘટે છે અને અંતે એક પ્રકારની પંગુતા આવે છે. પાછળથી ન્યુમોનિયા, ફેફસી અતિરુધિરદાબ (pulmonary hypertension), શ્વસનરોગજન્ય હદરોગ (cor-pulmonale) તથા દીર્ઘકાલી શ્વસનીય નિષ્ફળતા (chronic pulmonary failure) થાય છે. ક્યારેક ગળફામાં લોહી પડે છે, વિકારના ઉત્વર્ધન(exacerbation of illness)ના હુમલા થાય છે તથા ક્યારેક મૃત્યુ નીપજે છે. શરૂઆતમાં ખાસ તકલીફ હોતી નથી પરંતુ સમય જતાં તકલીફો વધે છે. જો દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ વધુ હોય તો તેવા વિકારવાળા દર્દીને નીલશોફી (blue bloater) અને જો વાતસ્ફીતિ વધુ હોય તો અરુણાતિશ્વસની (pink puffer) કહે છે.

દીર્ઘકાલી શ્વસનનલિકાશોથના દર્દીમાં ઑક્સિજનની ઊણપને લીધે નખ ભૂરા (નીલિમા, cyanosis) પડે છે અને હૃદયની નિષ્ફળતાને લીધે સોજા (શોફ) આવે છે. તેના દર્દીને નીલશોફી કહે છે. વાતસ્ફીતિવાળા દર્દીમાં રક્તકોષનું ઉત્પાદન વધવાથી તેથી હાથના પંજા વગેરે ગુલાબી (અરુણીય) થાય છે અને તેઓને શ્વાસ ચડે છે (અતિશ્વસન). તેથી તેવા દર્દીઓને અરુણાતિશ્વસની કહે છે. જોકે મોટાભાગના કિસ્સામાં આવા સુસ્પષ્ટ વિભાગો હોતા નથી અને મિશ્ર પ્રકારનો વિકાર જોવા મળે છે.

વાતસ્ફીતિ(emphysema)માં મુખ્ય વિકૃતિ રૂપે વાયુપોટાની દીવાલ તૂટવાથી પહોળા થયેલા વાયુપોટોનાં ઝૂમખાં જોવા મળે છે. તેથી તેમાં આવેલી હવા અને લોહીમાંના વાયુઓની આપલે માટે જરૂરી સપાટી ઘટી જાય છે. તેથી ધીમે ધીમે શરૂ થતો શ્વાસ ચડવાનો વિકાર થાય છે, જે જેમ જેમ વિકૃતિ વધે તેમ તેમ વધે છે. તેમાં ચેપ કે સોજો નથી. માટે ખાસ ગળફો પડતો નથી; પરંતુ શ્વસનની મુશ્કેલીને કારણે ખોરાક ઘટે છે અને તેથી વજન પણ ઘટે છે. હૃદયના જમણા ખંડો પર ખાસ ભારણ વધતું ન હોવાથી લાંબા સમય સુધી ફેફસી-હૃદયરોગ (cor-pulmonale) થતો નથી. શ્વસનનલિકાઓનો સોજો કે તેના સ્નાયુઓનું સંકોચન થતું નથી તથા ફૂલેલાં ફેફસાંમાં હવા ભરાઈ રહેવાથી હવાનું આવાગમન ઘટે છે. માટે શ્વસનધ્વનિ ધીમો હોય છે અને સિસકારા સંભળાતા નથી. લાંબા સમયની તકલીફને કારણે રક્તકોષોનું ઉત્પાદન વધે છે અને તેથી દર્દીને હાંફ ચડે છે અને તેની હથેળી લાલાશ પડતી થાય છે. તેથી તેને અરુણાતિશ્વસની કહે છે. તેની સામે શ્વસનનલિકાશોથ(chronic bronchitis)માં શ્વસનનલિકાઓની દીવાલમાં ચેપ, સોજો અને સ્નાયુઓના સંકોચનને કારણે ચેપ લાગે ત્યારે શ્વાસ ચડે છે, પુષ્કળ પરુવાળો ગળફો પડે છે. વજનમાં ઘાસ ઘટાડો થતો નથી; પરંતુ તે હૃદયના જમણા ખંડો પર ભારણ વધારે છે માટે લાંબા ગાળે ફેફસી-હૃદયરોગ થઈ આવે છે. તેને કારણે શરીર પર સોજા આવે છે અને લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટવાથી તે ભૂરા રંગના હોઠ અને નખવાળો થાય છે તથા સોજાથી ફૂલે છે. માટે તેને નીલશોફી (blue bloater) કહે છે.

વાતસ્ફીતિમાં ફેફસાં ફૂલે છે. માટે ઍક્સ-રેના ચિત્રણમાં અતિપારભાસિતતા (hyperlucency) જોવા મળે છે. આજે ફેફસામાં જે ભાગમાં વધુ વાયુપોટાની દીવાલ તૂટીને ફુગ્ગા જેવી સંરચનાઓ થઈ હોય ત્યાં લોહીની નસો પણ ઓછી જોવા મળે છે. દીર્ઘકાલી શ્વસનનલિકાશોથમાં વારંવાર લાગતા ચેપને કારણે રહી ગયેલી નિશાનીઓ જોવા મળે છે.

દેહધાર્મિક કસોટીઓ(physiological tests)ના રૂપે શ્વસનક્ષમતા-કસોટીઓ (respiratory function tests) કરવામાં આવે છે. તેમાં ફેફસામાં વધુમાં વધુ જેટલી હવા ભરાય તેના અંકને પૂર્ણ ફેફસીક્ષમતા (total lung capacity, TLC) કહે છે. તે વાતસ્ફીતિમાં વધી જાય છે, જ્યારે દીર્ઘકાલી શ્વસનનલિકાશોથમાં સામાન્ય રહે છે. વાતસ્ફીતિમાં ફેફસાં ફૂલે છે. માટે TLC વધે છે. તેમાં વધુ હવા ભરાય છે અને તેથી ફેફસાં ફૂલેલાં રહે છે (અંત:સ્ફારણ, inflation). તેથી સ્થિર-સ્થિતિમાં વધુ હવા ભરાવાથી ફેફસાંની ફૂલવાની ક્ષમતાને ફેફસી સ્થિર અનુસ્ફારણ (lung compliance static) કહે છે. તે વધેલું હોય છે; પરંતુ જ્યારે અંદર શ્વાસ લેવામાં આવે ત્યારે તે વધુ ફૂલી શકતાં નથી. માટે ફેફસી સંક્રિયક (dynamic) અનુસ્ફારણ ઓછું રહે છે. ઉચ્છ્વાસ સમયે ફેફસાં સંકોચાઈ શકતાં નથી અને ફૂલેલાં જ રહે છે; તેથી ફેફસાંનું નિ:સ્ફારણ (recoil) ઘટે છે અને ઉચ્છ્વાસને અંતે ફેફસાંમાં રહી જતી હવાનું કદ કે જેને અવશિષ્ટ કદ (residual volume) કહે છે તે વધુ હોય છે. શ્વસનનલિકાશોથના દર્દીમાં પૂર્ણ ફેફસીક્ષમતા અને સ્થિરસ્થિતિઅનુસ્ફારણ સામાન્ય રહે છે, પરંતુ સંક્રિયક અનુસ્ફારણ ઘણું ઘટે છે. તેનું કારણ ફેફસાંની સંકોચાવાની ક્ષમતા તો યથાવત્ હોય છે; પરંતુ શ્વસનનલિકાની દીવાલના સોજાને કારણે બહાર જતી હવા માટે ઘણો અવરોધ વધેલો હોય છે. તેથી અમુક અંશે અવશિષ્ટ કદ પણ વધે છે. દીવાલના સોજાને કારણે શ્વાસ અંદર લેતી વખતે પણ અવરોધ જોવા મળે છે. આ વિકારોને લીધે વાતસ્ફીતિનો દર્દી જ્યારે શ્રમ કરે ત્યારે અને શ્વસનનલિકાશોથનો દર્દી વિશ્રામમાં હોય કે શ્રમ કરતો હોય ત્યારે ઑક્સિજનની ઊણપ અને કાર્બન ડાયૉક્સાઇડનો ભરાવો અનુભવતો હોય છે. વળી તે કારણે હૃદયના જમણા ખંડો પર વાતસ્ફીતિમાં ઓછું પણ દીર્ઘકાલી શ્વસનનલિકાશોથમાં વધુ ભારણ આવે છે.

નિદાન માટે ઍક્સ-રે ચિત્રણ, શ્વસનક્ષમતા-કસોટીઓ, જો ગળફો પડતો હોય તો ચેપ કરતાં જીવાણુઓને ઉછેરી (સંવર્ધિત કરીને) તેના પર ઍન્ટિબાયૉટિકની શી અસર છે તે જોવાની કસોટી, શ્રમસહ્યતા- કસોટી, હૃદયની સ્થિતિ જાણવા માટેનાં પરીક્ષણો વગેરે કરાય છે. દર્દીને 6 મિનિટ માટે ચલાવીને તેની શ્રમસહ્યતા કેટલી છે તે જાણવાથી ઘણી ઉપયોગી માહિતી મળે છે.

દીર્ઘકાલી શ્વસનનલિકાશોથમાં આનુષંગિક સંકુલિતતા (complication) રૂપે શ્વસનનિષ્ફળતા, ફેફસી અતિરુધિરદાબ (pulmonary hypertension), હૃદયના જમણા ખંડોની નિષ્ફળતા તથા અનુગામી અતિરુધિરકોષિતા (secondary poly cythaemia) થાય છે. ઑક્સિજનની સતત ઊણપને કારણે રક્તકોષોનું ઉત્પાદન વધે છે; જ્યારે લોહીના કોષોની સંખ્યા વધી જાય તો તેને અતિરુધિરકોષિતા કહે છે. વાતસ્ફીતિના દર્દીમાં ક્યારેક ફૂલેલા વાયુપોટાઓ ફાટી જાય તો ફેફસાંની આસપાસના આવરણ(પરિફેફસીકલા, pleura)માં હવા ભરાય છે. તેને વાતવક્ષ (pneumothorax) કહે છે. આવી રીતે હવા ભરાય ત્યારે તે ફેફસા પર દબાણ કરે છે જેથી શ્વાસ અંદર લેતી વખતે ફેફસાં પૂરાં ખૂલી ન શકે. ક્યારેક તે જીવનને સંકટ પણ સર્જે છે.

સારવાર : સારવારનો મુખ્ય પાયો ધૂમ્રપાન સહિત બધાં જ સંક્ષોભકોથી દૂર રહેવું તે છે. જેટલા પ્રમાણમાં શ્વસનનલિકાની દીવાલનું સંક્ષોભન ઘટે અને વાયુપોટાની દીવાલને નુકસાન થતું અટકે તેટલા પ્રમાણમાં રોગની તીવ્રતા વધતી અટકી શકે. બીજું મહત્વનું કાર્ય શ્વસનમાર્ગમાં લાગતા ચેપને રોકવાનું છે. વાતાવરણમાં રહેલા નાના કણો (પૉલ્યુશન) પણ ભાગ ભજવે છે. શ્વસન અંગેની પ્રાણાયામ જેવી કસરતો, ખાંસી ખાઈને કફ બહાર કાઢવાનું શિક્ષણ, ભેજ વગરનું વાતાવરણ, હવા-ઊજાસવાળું રહેઠાણ અને કાર્યસ્થળ વગેરે બાબતો મહત્વ ધરાવે છે. જીવાણુજન્ય ચેપ ન લાગે તે માટે ન્યુમોકોકલ અને એચ. ઇન્ફ્યુએન્ઝિ સામેની રસીનો ઉપયોગ કરી શકાય છે. દર્દીને ફેફસાં કે શ્વસનનલિકામાં ચેપ લાગે તો તેની યોગ્ય ઍન્ટિબાયૉટિક વડે તરત સારવાર કરાય છે. વધુ લાંબા ચાલતા ચેપમાં જીવાણુઓનું સંવર્ધન-સંવેદિતા કસોટી (culture sensitivity test) કરીને ઍન્ટિબાયૉટિક નક્કી કરાય છે. સતત લાંબો સમય સુધી ઍન્ટિબાયૉટિક અપાતી નથી. દર્દીને સાથે મધુપ્રમેહ કે પ્રતિરક્ષાની ઊણપ હોય તો ફૂગ વડે ચેપ લાગ્યો નથી તેની ખાતરી કરી લેવાય છે. શ્વસનમાર્ગ ખુલ્લો રહે તે માટે પુષ્કળ પાણી પીવાની, સાલ્બ્યુટેમોલ કે ટર્બ્યુટાલિન તથા ઍમિનોફાયલિન વડે સારવાર કરવાની તેમજ કફ-બહિ:સારકો (expectorants) વડે સારવાર કરવાની સલાહ અપાય છે. શ્વસનનલિકાને પહોળી કરવા ઉપર જણાવેલાં ઔષધો ઉપરાંત ઇપ્રોટોવિયમ બ્રૉમાઇડ પણ વપરાય છે. આ ઔષધોની ગોળીઓ, પ્રવાહી, ઇન્જેક્શનો તથા અંત:શ્વસનકો (inhalors) પણ મળે છે જેને ઊંડા શ્વાસ સાથે અંદર લેવાય છે. વરાળનો કે બેન્ઝોઇનનો નાસ લેવાથી કફ છૂટો પાડવામાં સરળતા રહે છે. ક્યારેક તીવ્ર હુમલામાં નાક વાટે ઑક્સિજન અપાય છે. અતિતીવ્ર હુમલામાં સંકટકાલીન સારવાર-કક્ષમાં સારવાર અપાય છે; જેમાં જરૂર પડ્યે કૃત્રિમ શ્વસનક્રિયા માટેના યંત્રની મદદ લેવાય છે. દીર્ઘકાલી વિકારમાં ઘરે  સમયાંતરે ઑક્સિજન લઈ શકાય તેવી વ્યવસ્થા કરાય છે. દીર્ઘકાલી શ્વસનનલિકાશોથ સામાન્ય રીતે ધીમે ધીમે વધતો જતો રોગ છે. ચેપના દરેક હુમલામાં ફેફસાં અને શ્વસનનલિકાઓને નુકસાન થાય છે, જેની થોડીક નિશાની રહી જાય છે. જો દર્દીને કફ પડતો હોય પણ શ્વાસની મુશ્કેલી ઓછી હોય તો લાંબા ગાળે પરિણામ ઓછું ખરાબ આવે છે.

શિલીન નં. શુક્લ, નિલય રા. ઠાકોર