વાણી (જ. 1917; અ. 1988) : કન્નડ મહિલા-નવલકથાકાર, વાર્તાકાર. ‘વાણી’ આ કન્નડ લેખિકા એમ. એન. સુબ્બમ્માનું તખલ્લુસ છે. તેઓ આધુનિક કન્નડ સાહિત્યની આગલી પેઢીનાં લેખિકા હતાં.

તેમણે કુલ 25 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘એરાડુ કનાસુ’, ‘શુભ મંગલ’, ‘હોસા બેલાકુ’, ‘હૂવુ મલ્લુ’, ‘બાલેયા તેરાલુ’ અને ‘આલે નેલે’ તેમની લોકપ્રિય નવલકથાઓ છે; જ્યારે ‘અર્પને’, ‘કસ્તૂરી’ અને ‘નનિયા મડુવે’ તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. તેઓ નવોદય(રેનેસાંસ)ની માનવતાવાદી પરંપરાનાં લેખિકા હતાં.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને રાજ્ય સરકાર અને કન્નડ સાહિત્ય પરિષદ તથા કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

બળદેવભાઈ કનીજિયા