વાણિયો (dragon fly) : ઝીણી, પારદર્શક અને અત્યંત પાતળી પાંખની બે જોડ ધરાવતો એક સુંદર નિરુપદ્રવી કીટક. લઘુશ્મશ્રુ (Odonata) શ્રેણીના આ કીટકના સ્પર્શકો સાવ નાના અને વાળ જેવા હોય છે. તેનું શરીર પાતળું અને સહેજ લાંબું હોય છે. રંગે તે લાલ, લીલા કે વાદળી હોય છે. મણકા જેવા આકારની તેની 2 સંયુક્ત આંખો લગભગ આખા શીર્ષને વ્યાપે છે. આંખની મદદથી તે નિશ્ર્ચલ (motionless) એવા પદાર્થોને  2 મીટર જેટલા અંતરેથી અને હાલચાલ કરતી વસ્તુઓને તે 5થી 6 મીટર જેટલા અંતરેથી નિહાળી શકે છે. તેની ઉડ્ડયન-ગતિ કલાકે  80થી 90 કિલોમિટર જેટલી હોય છે; પરિણામે તે સહેલાઈથી પક્ષી કે અન્ય ભક્ષક પ્રાણીઓની ચુંગાલમાંથી છટકી શકે છે.

વાણિયો

વધુ પ્રકાશથી દૂર રહેતો આ કીટક, ચોમાસામાં વાદળછાયા વાતાવરણમાં કે સવાર-સાંજ મંદ પ્રકાશમાં પાણીની નજીક ઊડતો રહે છે. બાકીનો સમય તે નિદ્રાધીન સ્થિતિમાં પસાર કરે છે. તેના સ્પર્શકો અલ્પવિકસિત અને લગભગ બિનઉપયોગી હોય છે. વાણિયો ઉડ્ડયન દરમિયાન ખોરાક પ્રાપ્ત કરે છે. ઉરસ્ પ્રદેશમાં આવેલા તેના પગોની ત્રણ જોડમાંથી ઉડ્ડયન દરમિયાન તે એક કંટકીય ટોપલી જેવી રચના બનાવે છે જેમાં નાના કીટકોને ફસાવે છે. દાંત ધરાવતાં જડબાંની બે જોડનો ઉપયોગ તે ખોરાકનો ભૂકો કરવા તેમજ તેને વીંધવા માટે કરે છે. ઉરસના બે પશ્ચખંડો એકબીજા સાથે જોડાયેલા હોય છે, જે તેના શરીરનો સૌથી મજબૂત ભાગ હોય છે. આ ભાગમાંથી ઉપરની બાજુએથી પગની બે જોડ નીકળે છે. વાણિયાની પાંખો અત્યંત પાતળી હોવા છતાં મજબૂત હોય છે, જે તેના શિરાવિન્યાસના માળખાની મજબૂતાઈને આભારી છે.

સામાન્યપણે વાણિયા નર અને માદા સાથે ઉડ્ડયન કરે છે અને ઉડ્ડયન દરમિયાન સંવનન કરે છે. સંવનન દરમિયાન નર, માદા કીટકને તેના શીર્ષ કે ઉરસની પકડથી મજબૂત રીતે જકડી લે છે. આ સમયે માદા પોતાનો ઉદર પ્રદેશ ઉપરની બાજુએ વાળે છે, જેથી તેનો છેલ્લો ખંડ, નરના જનન-દૃઢકોના સંપર્કમાં આવે છે. આ પ્રક્રિયા હવામાં અથવા ક્વચિત્ આધાર પર થાય છે. શુક્રત્યાગ બાદ નર કાં તો તુરત જ માદાને મુક્ત કરે છે અથવા તો તેને અંડત્યાગ સુધી જકડી રાખે છે. આવી પ્રક્રિયા તેના અલ્પાયુષી જીવનકાળ અને ઝડપી ઉડ્ડયનના અનુકૂલન-સ્વરૂપે વિકસેલી છે. અંડઘર (cacoon) ધરાવતી માદા વાણિયો, વનસ્પતિપેશીઓ પર અંડઘરનો ત્યાગ કરે છે, જ્યારે અંડઘરના અભાવમાં માદા ઉડ્ડયન દરમિયાન પાણીની સપાટી પર છૂટાંછવાયાં ઈંડાંનો ત્યાગ કરે છે.

ઈંડાંનો વિકાસ થતાં તે 2 થી 3 અઠવાડિયાં પછી જલજીવી કીટશિશુ(nymph)માં રૂપાંતરણ પામે છે. કીટશિશુ ઝાલરની મદદથી શ્ર્વાસોચ્છ્વાસ કરે છે. તેનો ખોરાક નાના કીટકો અને અન્ય જલજીવોનો બનેલો છે. તેના ખોરાકમાં મચ્છરની ઇયળનો પણ સમાવેશ થતો હોવાથી માનવની દૃષ્ટિએ વાણિયો એક ઉપયોગી કીટક છે. કીટશિશુઅવસ્થામાં તે 1થી 4 વર્ષનો સમય પસાર કરે છે અને બારેક વખત નિર્મોચન (moult) કરે છે. છેલ્લા નિર્મોચનની પૂર્વતૈયારી તરીકે તે સૌપ્રથમ પાણીને ત્યજી ઘાસ કે પથ્થર જેવા પદાર્થ પર અડીને ચામડીને શરીરથી દૂર કરે છે અને પુખ્તાવસ્થામાં પ્રવેશ પામે છે. જોકે તેની પુખ્તાવસ્થા જૂજ અઠવાડિયાં કે મહિનાઓ સુધી મર્યાદિત હોય છે.

દિલીપ શુક્લ