વાણિયા, રામજીભાઈ દેશાભાઈ

January, 2005

વાણિયા, રામજીભાઈ દેશાભાઈ (જ. 1925, ખરેડા, તા. મોરબી, સૌરાષ્ટ્ર) : તખ્તાનાયક, ગુજરાતી નાટકોના લેખક, દિગ્દર્શક અને અભિનેતા. વણકર જ્ઞાતિમાં જન્મ. બાળપણથી નાટ્યક્ષેત્ર પ્રત્યે અભિરુચિ. આસપાસનાં અભાવગ્રસ્ત પીડિત જીવંત પાત્રોનું અધ્યયન કરતા રહ્યા. પછી ભવાઈ, લોકમેળા અને ભજનમંડળીઓ વગેરે જેવાં લોકશિક્ષણનાં માધ્યમો દ્વારા અભિનય તરફ પ્રથમ પગરણ માંડ્યાં. ત્યારબાદ નાટ્યલેખનની શરૂઆત કરી.

પૃથ્વીરાજ કપૂર સાથે દેશના વિવિધ પ્રાંતોમાં પ્રવાસ કરીને નાટ્ય-ભજવણીની અવનવી પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. લોકનાટકને લોકો સુધી પહોંચાડવા નાટ્યલેખન વિશે સઘન અભ્યાસ કર્યો. પૃથ્વી થિયેટર્સ છોડ્યા પછી ગુજરાતી નાટ્ય સંસ્થા ‘નટ મંડળ’ સાથે જોડાયા.

‘નટ મંડળ’ના સહવાસ દરમિયાન સમર્થ દિગ્દર્શક જયશંકર ‘સુંદરી’ અને દીનાબહેન પાઠક સાથે કામ કરીને આધુનિક ગુજરાતી નાટકોની ભજવણી વિશે પૂરેપૂરી તાલીમ મેળવી. તેમાં રંગમંચ-સજાવટથી માંડીને લેખન, દિગ્દર્શન અને અભિનયમાં પારંગત થયા.

આકાશવાણી અર્થે નાટ્યલેખન ‘ધન્ય સૌરાષ્ટ્ર ધરણી’ની સફળતાથી આકાશવાણી, રાજકોટનું નવું સોપાન સર થયું. 1963થી 1997 સુધી તેઓ આકાશવાણી સાથે સંકળાયેલા રહ્યા. 1996માં રાષ્ટ્રીય કક્ષાએ ભવાઈ – એક લોકનાટકનું હિંદી રૂપક – પ્રસારિત થયું. તે ઉપરાંત તેમની અન્ય કૃતિઓ જેવી કે ‘દાસી જીવણ’ (સંગીતરૂપક, 1960), ‘લાલ અમૂલા’ (નાટક, 1971); ‘કલેજા કટારી’ (1995), ‘ભવાઈ મંડાઈ ભક્તિ થકી’ (1996) અને ‘મેરો રહિમ રામ ભયો’ (1997) નોંધપાત્ર છે.

રામજીભાઈ દેશાભાઈ વાણિયા

રંગમંચીય નાટ્યલેખનમાં ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’-શૈલીનું નાટક ‘મોતી વેરાણાં ચોકમાં’ તેમજ ‘વસુંધરાનાં વહાલાં-દવલાં’, ‘પુરાતન જ્યોત’ જેવાં લોકજીવન સાથે સંકળાયેલાં 15 જેટલાં નાટકોનું સર્જન કર્યું.

1972થી ગુજરાતી સિનેઉદ્યોગ સાથે જોડાયા અને પટકથા, સંવાદનું લેખન કર્યું, તેમાંનાં ‘લાખા લોયણ’, ‘વાલી ભરવાડણ’ તથા ‘સાજણને સથવારે’ ચિત્રપટોને પારિતોષિક મળ્યાં છે.

નાટ્યકલા-ક્ષેત્રે તેમના પ્રદાન બદલ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી તેમને 199596ના વર્ષનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

બળદેવભાઈ કનીજિયા