વાણિજ્ય-ભૂગોળ : દેશ-વિદેશની ભૌગોલિક સંપત્તિના આર્થિક તેમજ વાણિજ્ય-વ્યવહાર માટે થતા ઉપભોગનો અભ્યાસ કરતી વિશિષ્ટ વિદ્યાશાખા. મનુષ્યે પૃથ્વી પર પગલાં માંડ્યાં ત્યારથી પ્રાકૃતિક પરિબળોના વિદોહન દ્વારા તેની પાયાની જરૂરિયાતો – અન્ન, કપડાં અને મકાન – સંતોષવા માટે તે પ્રયત્નશીલ રહ્યો છે. સમયાંતરે પોતાના બુદ્ધિબળનો ઉપયોગ કરી માણસ કુદરતી પરિબળો પર અંકુશ જમાવી જીવનધોરણના વિકાસમાં વૃદ્ધિ કરવા પ્રવૃત્ત થયો છે.
આર્થિક કે વાણિજ્ય-ભૂગોળમાં માનવીની વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠાનો અભ્યાસ થતો હોય છે; જેમાં ઉત્પાદનખર્ચ, પરિવહન-ખર્ચ તેમજ સ્પર્ધાત્મકતાનો સમાવેશ થાય છે. આ આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ ભૌગોલિક પરિસ્થિતિ તેમજ તેમાં પરિવર્તન લાવનાર પ્રવૃત્તિઓ અને પરિબળો તરીકે પણ થાય છે. માનવીની વિવિધ ઉત્પાદનપ્રવૃત્તિઓ જમીન અને જળની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ મજૂર અને મૂડી પર આધાર રાખે છે. આર્થિક પ્રવૃત્તિઓ અને ભૌગોલિક સંપત્તિ વચ્ચેના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ એ ભૂગોળ અને અર્થશાસ્ત્રના સંયોજનમાંથી તૈયાર થયેલું વિજ્ઞાન છે.
આર્થિક પ્રવૃત્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદનપ્રવૃત્તિને વેગ આપે છે. તેમાંથી મળતી ખરીદશક્તિ દ્વારા માનવીની જીવનજરૂરિયાતો સંતોષાય છે. વાસ્તવમાં માનવી કુદરતી પરિબળોને પોતાની મિલકત સમજીને પોતાના લાભ માટે તેની સાથે સંઘર્ષમાં ઊતર્યો છે. પોતાના આર્થિક લાભ માટે કુદરતને નાથવા તે પ્રયત્નશીલ રહ્યો છે.
આ પૃથ્વી પર ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન, જળ, ખનીજ, વનસ્પતિ, પશુપાલન, પ્રાણીસૃદૃષ્ટિ વગેરેમાં વિવિધતા અને વિષમતા જોવા મળે છે. તેવી જ રીતે માનવસમુદાયમાં વિવિધ સંસ્કૃતિઓ તેમજ તેમની કાર્યક્ષમતામાં તફાવત જાણવા મળે છે. આ બંનેના સંયોગમાંથી અનેકરંગી વિવિધતા ધરાવતી સંસ્કૃતિઓનાં નિર્માણ થયાં છે. અવકાશ તેમજ માહિતીયુગમાં વિવિધ દેશો વચ્ચેનું અંતર ઘટી ગયું છે. વૈશ્ર્વિકીકરણના યુગમાં વિવિધ ભૂમિખંડોમાં થતાં ભૌગોલિક, આર્થિક કે સામાજિક પરિસ્થિતિમાં થતાં પરિવર્તનો પરસ્પરને ત્વરિત અસર કર્યા સિવાય રહી શકતાં નથી.
વાણિજ્ય ભૂગોળનો અભ્યાસ કરવાથી મહત્વની પદ્ધતિઓમાં પ્રાદેશિક અભિગમ અને વસ્તુ કે વિષય-અભિગમની ગણના થાય છે.
(1) પ્રાદેશિક અભિગમમાં મહદ્અંશે સમાન પ્રાકૃતિક, ભૂસ્તરીય રચના તેમજ આબોહવા ધરાવતા પ્રદેશોને આવરી લેવામાં આવે છે, જેને પરિણામે સમાન આર્થિક પ્રવૃત્તિઓ વિકાસ પામેલી જોવા મળે છે; દા.ત., ભૂમધ્ય સમુદ્રની આબોહવા ધરાવતા પ્રદેશોમાં ખાટા રસવાળાં ફળોની બાગાયત અને તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાના ઉદ્યોગો, ઇજિપ્તના નાઇલના સિંચાઈવાળા પ્રદેશમાં ખેતી, જ્યારે તેની બાજુમાં સૂકા રણપ્રદેશમાં પશુપાલન મુખ્ય પ્રવૃત્તિઓ છે. આ અભિગમનો હેતુ પ્રદેશમાં વસતા લોકોની આર્થિક તેમજ વાણિજ્ય-પ્રવૃત્તિઓનો અભ્યાસ હોય છે. તેમાં વળી રાજકીય સીમાંકનને પણ ગણતરીમાં લેવામાં આવે છે. પ્રાદેશિક એકમોના વિવિધ ભાગોનો પરિચય, પરસ્પરના સંબંધો, તેની વિશિષ્ટતા અને સમપ્રદેશો વચ્ચેની એકરૂપતાનો ખ્યાલ આવે છે.
(2) વસ્તુ અથવા વિષય-અભિગમમાં પ્રદેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓનો વિશિષ્ટ પ્રકારના ભૌગોલિક તેમજ આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે.
તેના પેટાવિભાગોમાં (ક) વસ્તુ-અભિગમ (ખ) પ્રવૃત્તિ-અભિગમ અને (ગ) સૈદ્ધાંતિક અભિગમની ગણના થાય છે.
(ક) વસ્તુ-અભિગમમાં વસ્તુ, તેની ઉત્પાદન-પદ્ધતિ તેમજ વિશિષ્ટ વસ્તુઓનાં ઉત્પાદનની શરૂઆત અને વિકાસનું આયોજન કરી ઉત્પાદન-પદ્ધતિનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. તેની સાથે આબોહવાકીય પરિસ્થિતિ, ભૂમિ-આકારો કે પ્રાકૃતિક રચના, જમીન-પાકને નુકસાન કરતાં પ્રાણીઓ, અન્ય જીવાતો કે રોગો વગેરેનો સંદર્ભ જાળવવામાં આવે છે. તે ઉપરાંત ઉત્પાદન-જાળવણીની પદ્ધતિઓ, સમયમર્યાદા, આડપેદાશો અને તેની ઉત્પાદનશક્યતાઓ, તેનું અર્થશાસ્ત્ર, પરિવહનની સવલતો તથા ખર્ચ, બજારની ખાસિયતો વગેરે સાંકળી લેવામાં આવે છે. વિશિષ્ટ વસ્તુઓનું ઉત્પાદન, વિનિમય અને ઉપભોગનાં ભૌગોલિક તેમજ આર્થિક પરિબળોની વિચારણા કરવામાં આવે છે.
(ખ) પ્રવૃત્તિ-અભિગમ વસ્તુ-અભિગમ કરતાં વિસ્તૃત ફલક ધરાવે છે. તેમાં ખેતી ઉપરાંત મિશ્ર ખેતી-પ્રવૃત્તિઓની વિચારણા કરવામાં આવે છે. ખેતીના મુખ્ય પાકો ઉપરાંત અન્ય પાકો, પશુપાલન વગેરેને ગણતરીમાં લેવામાં આવે છે. આ અભિગમ હેઠળ જ અનાજ, ખેતીપદ્ધતિ, બાગાયત-ખેતી, સઘન સ્વાવલંબી ખેતી, ખસતી ખેતી વગેરે પદ્ધતિઓનો વિગતે અભ્યાસ કરવામાં આવે છે.
(ગ) સૈદ્ધાંતિક અભિગમમાં વસ્તુ કે પ્રવૃત્તિ-અભિગમ હેઠળ થયેલા આર્થિક પ્રવૃત્તિઓના અભ્યાસ પરથી તારવેલા કેટલાક નિયમો કે સિદ્ધાંતોને વધુ મહત્વ આપવામાં આવે છે. આ નિયમો સાર્વત્રિક હોતા નથી; પરંતુ અન્યત્ર સમાન પરિસ્થિતિ હેઠળ થતી ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિમાં વિઘ્નરૂપ થતી મર્યાદાઓના વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડતાં તેમનું સાતત્ય જળવાઈ રહે છે કે નહિ તેનો અભ્યાસ કરાય છે. માનવી તકનીકી વિકાસને પરિણામે ભૌગોલિક પરિસ્થિતિનું આવશ્યકતા અનુસાર પરિવર્તન કરી શકે છે; પરંતુ એવી કૃત્રિમ પરિસ્થિતિ નીચે ઉત્પાદન કે પ્રવૃત્તિ દીર્ઘકાળે ફાયદાકારક નીવડતાં નથી. તેને માટે ભૌગોલિક પરિસ્થિતિમાંથી નિર્માણ થતાં કેટલાંક કુદરતી પરિબળોને જવાબદાર ગણવામાં આવે છે. વળી ઉત્પાદન-ખર્ચ, પરિવહન-ખર્ચ વગેરે પરિબળોને સૈદ્ધાંતિક અભિગમ હેઠળ મહત્વના ગણવામાં આવે છે. ભૌગોલિક તથા આર્થિક પરિબળો અને તેનાં વિવિધ પાસાંઓના ઊંડા વિશ્લેષણ અને અભ્યાસમાંથી તારવેલા સર્વસામાન્ય સિદ્ધાંતોનો વ્યવહારુ ઉપયોગ જ તેનું મહત્વ દર્શાવે છે; પરંતુ વાણિજ્ય ભૂગોળની વિશિષ્ટતા તેની પરિવર્તનશીલતા છે; કારણ કે તારવેલા સિદ્ધાંતો તેના જેવી જ અન્ય પરિસ્થિતિમાં લાગુ પાડી શકાતા નથી. એક તરફ ભૌગોલિક પરિસ્થિતિ અને બીજી તરફ માનવી એવા બંને ચંચળ પરિબળો સાથે સંકળાયેલ આર્થિક (વાણિજ્ય) ભૂગોળ એક પરિવર્તનશીલ વિજ્ઞાન બની જાય છે.
આર્થિક પ્રવૃત્તિઓની બે મુખ્ય બાબતો પર્યાવરણ તેમજ સામાજિક પાયા માંથી ત્રણ મહત્વનાં પરિબળો અસ્તિત્વમાં આવે છે : ભૂમિ, મજૂર અને મૂડી. ભૂમિને જમીન જેવા સંકુચિત અર્થમાં ન લેતાં ભૌગોલિક પરિસ્થિતિના બહોળા અર્થમાં ઘટાવી શકાય. ભૌગોલિક પરિસ્થિતિ એટલે પ્રવૃત્તિ ધરાવતા પ્રદેશનું ભૌગોલિક સ્થાન, તેની પ્રાકૃતિક રચના, ભૂસ્તરીય રચના, ખનીજસંપત્તિ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીસૃદૃષ્ટિ વગેરેમાંથી ઉદભવતી સંકુલિત કુદરતી સંપત્તિ. ભૂમિ એ કેવળ આર્થિક પ્રવૃત્તિ માટેનો જ રંગમંચ નથી, પરંતુ તેના સંચાલન માટે કાચો માલ પૂરો પાડનાર પરિબળ પણ છે.
બીજું અગત્યનું પરિબળ તે મજૂરીનો મુખ્ય નાયક માનવી છે. આ સામાજિક અને બુદ્ધિશાળી પ્રાણી મજૂર તેમજ મૂડીપતિ – એમ બેવડો ભાગ ભજવી શકે છે. મજૂરી એટલે કોઈ વિશિષ્ટ ઉત્પાદન માટે યાંત્રિક સાધનની મદદ વડે યા મદદ વિના વાપરવામાં આવેલ માનવશક્તિ. તે કેળવાયેલ (skilled) અને બિનકેળવાયેલ (unskilled) એમ બે પ્રકારની હોય છે. મજૂર તરીકે તેની કાર્યક્ષમતા ભૌગોલિક પરિસ્થિતિમાં તેણે બનાવેલ વસ્તુઓની ગુણવત્તા અને પ્રવૃત્તિની સુઘડતામાં વરતાઈ આવે છે. માનવીની બીજી ભૂમિકા છે ઉપભોક્તાની. પ્રદેશમાંના માનવસમૂહો ઉત્પાદિત વસ્તુઓનાં બજારક્ષેત્રો છે. કુદરતી પરિસ્થિતિની વિષમતાને કારણે વસ્તીની ઘનતામાં અને પ્રાદેશિક વસ્તીવિતરણમાં પણ તફાવત અનુભવાય છે. વિકસિત તેમજ વિકસતા દેશોના આર્થિક જીવનધોરણમાં વિષમતાની ખાઈ ઊંડી હોય છે. પછાત કે વિકસતા દેશોમાં વસ્તીવધારો અને અન્ન તેમજ ઔદ્યોગિક ઉત્પાદનની અછત પણ ધ્યાનમાં આવે છે.
ઉત્પાદનનું ત્રીજું મહત્વનું પરિબળ મૂડી છે. તેનું મૂલ્યાંકન ફક્ત નાણાકીય સ્વરૂપ સિવાય કુદરતી સંપત્તિ રૂપે અથવા જ્ઞાન, કારીગરી, આવડત, સાહસ જેવા ગુણોમાં પણ હોઈ શકે છે. પ્રદેશને કુદરતી સંપત્તિ નિમિત્તે મળેલ મૂડીમાં આરબ દેશોમાંથી મળેલ ખનીજ-તેલ, દક્ષિણ આફ્રિકામાંથી મળતા હીરા તથા સોનું, લોહ, તાંબું, બૉક્સાઇટ, કોલસા વગેરે જેવી ખનીજ-સંપત્તિ ગણી શકાય. ઉપરાંત નવીન તકનીકીના સ્વરૂપને હાંસલ કરવામાં આવેલ મૂડી ભૌગોલિક પરિસ્થિતિનું વિદોહન કરવામાં સહાયરૂપ બને છે.
વિકસિત સંસ્કૃતિ, પરિવર્તનશીલ સામાજિક પરિસ્થિતિ તેમજ તકનીકી પ્રગતિને કારણે બદલાતાં મૂલ્યો સાથે વિજ્ઞાનના ધ્યેયો પણ સ્પષ્ટ બને છે; પરંતુ વાણિજ્ય ભૂગોળનો ગુણધર્મ ચકાસવો હોય તો તેને દીર્ઘકાળની પૃથ્વી પરની સંપૂર્ણ પરિસ્થિતિના સંદર્ભમાં વિચારવો જોઈએ; દા.ત., સૂતરનો તાર તૂટી ન જાય તે માટે ભેજવાળી હવા જોઈએ, પરંતુ વિજ્ઞાનીઓએ કૃત્રિમ ભેજવાળી હવાનું નિર્માણ કરી ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં પણ સૂતર ઉદ્યોગની સ્થાપના શક્ય બનાવી હતી. રેફ્રિજરેશનની શોધને પરિણામે ઝડપથી અખાદ્ય થઈ જતા ખાદ્યપદાર્થોનું એકથી બીજા ખંડોમાં સરળતાથી પરિવહન કરી શકાય છે. આ દાખલાઓ ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક તેમજ વાણિજ્યપ્રવૃત્તિઓ અને તકનીકી વચ્ચેના ગાઢ સંબંધોની અગત્ય દર્શાવે છે. આ ત્રણમાંથી એકની પરિસ્થિતિમાં ફેરફાર થતાં બીજાં અનેક પરિવર્તનો અસ્તિત્વમાં આવે છે.
જિગીષ દેરાસરી