વાણિજ્ય : ચીજવસ્તુઓ અને સેવાઓના ક્રય અને વિક્રયની પ્રવૃત્તિ અને તેમાં મદદરૂપ થતી અન્ય પ્રવૃત્તિઓ.

વિતરણ અને વિનિમય સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ કરવા માટે વાણિજ્ય હેઠળ મુખ્યત્વે વેપાર થતો હોય છે. વેપાર એટલે નાણાં કે નાણાં મેળવવાના વચનના બદલામાં માલ અથવા સેવાની તબદીલી – વેપાર યોગ્ય રીતે ચાલે તે માટે એને મદદકર્તા અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે. વાણિજ્યમાં આમ વેપાર મુખ્ય પ્રવૃત્તિ છે અને અન્ય પ્રવૃત્તિઓ સહાયક છે. આથી અંગભૂત પ્રવૃત્તિઓની દૃષ્ટિએ વાણિજ્યની એક એવી સંકલ્પના થઈ છે કે વેપાર અને તેને મદદ કરતી પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે વાહનવ્યવહાર, બૅંક, વીમો, આડતિયા, સંદેશાવ્યવહાર અને વખારની સેવાઓનો સમાવેશ થાય છે. આમ ઉત્પાદક પાસેથી પ્રાપ્ત કરેલી ચીજવસ્તુઓ અને સેવાઓ વપરાશકર્તા સુધી પહોંચાડવાની બધી આર્થિક પ્રવૃત્તિઓને વાણિજ્ય કહેવામાં આવે છે. ઉત્પાદન અને વપરાશકર્તા વચ્ચે વાણિજ્ય કઈ આર્થિક સેવા આપે છે તે પણ વાણિજ્યની સંકલ્પના સમજવા માટે ઉપયોગી છે. અર્થશાસ્ત્રમાં તુદૃષ્ટિગુણને મહત્વના તત્વ તરીકે સ્વીકારવામાં આવે છે. તુદૃષ્ટિગુણ એટલે માનવીની જરૂરિયાત સંતોષવાની વસ્તુમાં રહેલી શક્તિ. આ તુદૃષ્ટિગુણના સ્થળલક્ષી અને સમયલક્ષી – એમ બે પ્રકાર છે. સ્થળલક્ષી તુદૃષ્ટિગુણ માલ અને સેવાઓને પ્રવર્તમાન સ્થળેથી અન્ય સ્થળે લઈ જવાની પ્રક્રિયા સૂચવે છે કે જ્યાં તેમનો ઉપભોગ કરવા માટે માનવીની ઇચ્છા હોય છે. એ જ પ્રમાણે સમયલક્ષી તુદૃષ્ટિગુણની પ્રક્રિયામાં કોઈ ચોક્કસ સમય દરમિયાન માલનો સંગ્રહ કરવામાં આવે છે કે જેથી માલનો ઉપભોગ કરવાની ગ્રાહકને જરૂર પડે ત્યારે તે પ્રાપ્ત થઈ શકે. આમ અર્થશાસ્ત્રીય વિશ્લેષણની દૃષ્ટિએ વાણિજ્યની પ્રવૃત્તિ સ્થળલક્ષી અને સમયલક્ષી તુદૃષ્ટિગુણ પેદા કરે છે. તેથી તે દૃષ્ટિબિંદુ પ્રમાણે વાણિજ્ય સ્થળ અને સમયગત તુદૃષ્ટિગુણ પેદા કરવાની પ્રક્રિયા છે.

વાણિજ્યની ઉત્પત્તિ : વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આર્થિક વ્યવહારો થાય તો જ વાણિજ્ય પેદા થાય છે. માણસ જ્યાં સુધી સ્વાવલંબી હતો ત્યાં સુધી વાણિજ્ય પેદા થયું ન હતું. સ્ત્રીની આગેવાની હેઠળની ટોળીઓ અને જંગલમાંના માનવજીવન સુધી વાણિજ્ય પેદા થયું ન હતું. કેટલીક વૃત્તિઓ અને જરૂરિયાતોને પરિણામે ટોળી મટીને કુટુંબ થયું ત્યારે કુટુંબ પોતે સુગ્રથિત એકમ રહ્યું. કુટુંબ પોતે સ્વાશ્રયી રહ્યું. આથી કુટુંબપ્રથા શરૂ થઈ ત્યારે પણ વાણિજ્યની ઉત્પત્તિ થઈ નહિ. કુટુંબો એકબીજાની સાથે સંપર્કમાં આવતાં માણસને સમજાયું કે દરેક કુટુંબ એકસરખી જરૂરિયાત રાખતું નથી અને તે સંતોષવા માટે પ્રયત્ન કરતું નથી. આ તબક્કે પશુની એકધારી અને સમાન જરૂરિયાત કરતાં જુદી રીતે માણસ તરીકે કુટુંબની જરૂરિયાતોનું વૈવિધ્ય સમજાયું. વધુમાં એ પણ સમજાયું કે કોઈ એક કુટુંબ તેની જરૂરિયાતો પૂરી કર્યા બાદ પણ તેની પાસે જરૂરિયાતો સંતોષવાની ચીજવસ્તુઓનો વધારો રહ્યો છે. વધારામાં એ પણ સમજાયું કે કેટલાંક કુટુંબોની જરૂરિયાતો ચીજવસ્તુઓના અભાવે કાં તો સંતોષાતી નથી કાં તો અધૂરી રહે છે. ટૂંકમાં, એકનો વધારો બીજાની જરૂરિયાત અને બીજાનો વધારો પહેલાની જરૂરિયાત હોવાની પરિસ્થિતિ પેદા થઈ. એકબીજાની જરૂરિયાતના સંદર્ભમાં એકબીજાના વધારાની કુટુંબોએ પરસ્પર આપ-લે કરી. જેવી આ આપ-લે થઈ તેવી વાણિજ્યની ઉત્પત્તિ થઈ. આમ, સમાજમાં સાટા (barter) પદ્ધતિના સ્વરૂપે વાણિજ્યનો જન્મ થયો.

સાટા-પદ્ધતિના વ્યવહારો વધતા ગયા, પરંતુ તે સાથે સ્વાશ્રય અને એકલપેટું જીવન જીવતો માણસ સામાજિક પ્રાણી પણ બનવા માંડ્યો. આથી એકબીજાથી અલગ અને દૂર દૂર ખેતરોમાં અને જંગલોમાં વસતાં કુટુંબો એક સ્થળે રહેવા માંડ્યાં. આ સ્થળ એવી રીતે પસંદ કરવામાં આવ્યું કે જેથી કુટુંબના સભ્યો ખેતરો અને જંગલોમાં ઓછામાં ઓછું અંતર કાપીને જઈ શકે. આ સ્થળ ગામ તરીકે ઓળખાયું. ગામમાં અનેક કુટુંબો સાથે રહેવા માંડ્યાં તેથી સાટા-વ્યવહારો વધારે પ્રમાણમાં વધારે ઝડપથી થવા માંડ્યા. એ દરમિયાન સાટા-પદ્ધતિમાં કેટલીક મર્યાદાઓ નડવા લાગી. ખાસ કરીને એકનો વધારો બીજાની જરૂરિયાત બને અને બીજાનો વધારો પહેલાની જ જરૂરિયાત બને તેવું બનતું ન હતું. આ દરમિયાન માનવીની સામાજિક તૃષ્ણા અને ઓછામાં ઓછી મહેનતે વધુ લાભ લેવાની વૃત્તિ માણસોને હજી વધારે આંતર-વ્યવહારો કરવાને માટે પ્રેરણા આપતી હતી. આથી ગામડું કે જે સ્વાવલંબી હતું તે પણ અન્ય ગામો સાથે આર્થિક તેમજ સામાજિક વ્યવહારો કરવા માંડ્યું. આ વ્યવહારો સરળતાથી, ઝડપથી અને ઓછા ખર્ચે થાય તે હેતુથી બધાં ગામડાં વચ્ચે એક સમાન સ્થળ નક્કી કરવામાં આવ્યું. માનવ-ઇતિહાસમાં આ એક એવું પહેલું સ્થળ હતું કે જે ખેતીવિષયક બાબતો અને જંગલ-આધારિત બાબતોથી સ્વતંત્ર હતું. એ શુદ્ધ વાણિજ્ય-વિષયક વ્યવહારો ચલાવવા માટેનું સ્થળ હતું. આ સ્થળને કસબાથી ઓળખવામાં આવ્યું. કસબાના જન્મથી વાણિજ્ય એના શુદ્ધ સ્વરૂપે શરૂ થયું એમ કહી શકાય.

વાણિજ્યનો વિકાસ : વાણિજ્યના વિકાસ માટે કસબાએ લગભગ સ્પ્રિંગ બૉર્ડનું કામ કર્યું. ખેતી-વિષયક પ્રવૃત્તિમાંથી આર્થિક પ્રવૃત્તિઓ છૂટી પડી; એટલું જ નહિ, પણ સામાજિક પ્રવૃત્તિઓ પણ છૂટી પડી. કસબો મેળા અને ઉત્સવોની ઉજવણી માટેનું કેન્દ્ર બન્યું. એ પ્રસંગો મોટા પ્રમાણમાં આર્થિક વ્યવહારો કરવા માટેનાં નિમિત્ત બન્યાં; પરંતુ સાટા-પદ્ધતિમાં મર્યાદા નડતી હતી, તેથી આ પરિસ્થિતિમાં લોકોએ કોઠાસૂઝ વાપરીને સર્વમાન્ય એવાં ગાય, ઘોડા વગેરે પ્રાણીઓને લેવડ-દેવડનાં માધ્યમ તરીકે રાખ્યાં. કોઈ એક વ્યક્તિને અમુક ચીજની જરૂરિયાત હોય, પરંતુ એ જરૂરિયાત સંતોષતી ચીજનો વધારો ધરાવતી બીજી વ્યક્તિને મૂળ જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેની ચીજના વધારાની જરૂરિયાત ન હોય તો તે બીજી વ્યક્તિએ પહેલી વ્યક્તિ પાસેથી ગાય, ઘોડા જેવાં ઉપયોગી અને સર્વમાન્ય પ્રાણીઓ સ્વીકારવા માંડ્યાં. ત્રીજી કોઈ વ્યક્તિ એની પાસેના તદ્દન જુદી જ ચીજના વધારાને લઈને આવે અને તે જો ગાય, ઘોડો ધરાવનાર બીજી વ્યક્તિની જરૂરિયાતને સંતોષતી હોય તો આવા વધારાના બદલામાં બીજી વ્યક્તિએ પહેલી વ્યક્તિ પાસેથી પ્રાપ્ત કરેલાં ગાય-ઘોડા આપવા માંડ્યાં. આમ ગાય, ઘોડા જેવાં જીવંત પ્રાણીઓ વિનિમયનું સાધન બન્યાં. જીવંત પ્રાણીની અનેક મર્યાદાઓને કારણે તેનું સ્થાન કાળક્રમે સર્વમાન્ય ધાતુઓએ લેવા માંડ્યું. ધાતુઓની ગુણવત્તા અને વજન માપી શકાતાં હતાં તેથી અને હેરફેરમાં તે સરળ હતી તેથી એ અનેક વસ્તુઓનાં મૂલ્યોને માપવા માટેનો એકમ બન્યો. બહુ જ ઓછા ખર્ચે ધાતુઓનો સંગ્રહ કરી શકાતો હતો; ઉપરાંત ધાતુની સરળતાથી હેરફેર થઈ શકતી હતી એટલે ધાતુના એક જ જથ્થાથી અનેક વ્યવહારો કરી શકાયા. આ બીજું કશું ન હતું પણ નાણાંની શોધ હતી. નાણાંની શોધથી વાણિજ્યનો વિકાસ તીવ્ર પ્રવેગથી થઈ શકે એવી પરિસ્થિતિ પેદા થઈ. નાણાં તરીકે ધાતુના ઉપયોગને કારણે વાણિજ્ય ખૂબ વિકાસ પામ્યું. વાણિજ્યના વિકાસનો પ્રવેગ એટલો બધો ઝડપી રહ્યો કે જેથી ધાતુની મર્યાદાઓનો આર્થિક જગતને અનુભવ થવા માંડ્યો. પરિણામે કાગળનું નાણું આવ્યું. કાગળનાં નાણાંના વ્યવહાર ચલાવવા માટે દરેક દેશમાં એક કેન્દ્રસ્થ બૅંક સ્થપાઈ. નાણાંને લગતા અનેક પ્રકારના દસ્તાવેજો વ્યવહારમાં આવ્યા એટલે બૅંકિંગ-સેવા ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો. માલની ઝડપી હેરફેર અને મોટા જથ્થામાં દૂર દૂરના અંતરની હેરફેરને કારણે જોખમો વધ્યાં. અનેક પ્રકારનાં જોખમો અસ્તિત્વમાં આવ્યાં; જેમાં નુકસાનને વહેંચી લેવા માટે વીમા-સેવા ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો. એ જ પ્રમાણે સંગ્રહ માટે વખારો, હેરફેરના નિષ્ણાત એવા આડતિયાઓ, સંદેશાવ્યવહાર અને આ બધાંને સફળ બનાવનાર વાહનવ્યવહાર પણ ખૂબ વિકસ્યો.

ઔદ્યોગિક ક્રાંતિ : વાણિજ્યનો વિકાસ જરાક મંદ પડતો હતો ત્યારે વાણિજ્ય સિવાયના ઉત્પાદનક્ષેત્રે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. જેમ્સ વૉટના એંજિને ઔદ્યોગિક ક્ષેત્રને ખૂબ ગતિ આપી. શ્રમવિભાજન, યાંત્રિકીકરણ અને ઇંગ્લૅન્ડની શાહીવાદી નીતિને કારણે વિશાળ બજારો એકબીજાંનાં એવાં પૂરક બની ગયાં કે જે આર્થિક ક્ષેત્રમાં માત્ર ઉત્ક્રાંતિ સંભવી શકે ત્યાં ક્રાંતિ થઈ. આ ક્રાંતિ ઔદ્યોગિક ક્રાંતિના નામે ઓળખાઈ. પહેલાં માંગ ઊભી થતી હતી અને પછી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. તેને બદલે માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન શરૂ થયું. માલ એટલા મોટા જથ્થામાં પેદા થવા માંડ્યો કે જો માંગ નહિ હોય તો તે ઊભી કરવા માટેના વ્યવસ્થિત પ્રયત્નો કરવા પડ્યા. વેચાણકળા અને વિજ્ઞાપન વાણિજ્યનાં નવાં અંગ બન્યાં. યંત્રોની મદદથી મોટા પાયા પર ઉત્પાદન કરતા માલના પ્રત્યેક એકમની સરેરાશ કિંમત ખૂબ નીચી આવી. પરિણામે અનેક સીમાંત ગ્રાહકો બજારમાં પ્રવેશ્યાં. વધુ ઉત્પાદન, વધુ માંગ અને વધુ વપરાશનાં ચક્રો શરૂ થયાં. વાણિજ્યની જે મૂળભૂત વિભાવના છે કે ઉત્પાદનથી વપરાશ વચ્ચેની સાંકળનું કામ કરવું તે જ કામ અર્થકારણમાં ખૂબ અગત્યનું બની ગયું. કોલસો, ગૅસ, પેટ્રોલ, વીજળી જેવાં બળતણો ઉપયોગમાં લેવાનું શક્ય બન્યું. શ્રમિકોને ખેતરોમાંથી આકર્ષીને હજારોની સંખ્યામાં કારખાનાંમાં જોતરવામાં આવ્યાં. કારખાનું અને શ્રમિકોના વસવાટ માટે શહેરના રૂપે નવાં કેન્દ્રો ઊભાં થયાં. ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે માલની ઝડપી હેરફેર કરવા માટે જમીન, જળ અને હવાનાં માધ્યમોનો ઉપયોગ કરાતાં વાહનવ્યવહારમાં પણ ક્રાંતિ આવી. આમ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ઔદ્યોગિક ક્રાંતિએ વાણિજ્ય-વિષયક વ્યવહારોનો જથ્થો અને વેગ વધારી દીધા. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અર્થતંત્રમાં ખેતી ઉપરાંત ઉદ્યોગોએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. બિનખેતી-વિષયક કસબા-જીવનથી આગળ વધીને શહેરી જીવન અસ્તિત્વમાં આવ્યું. વૈશ્ર્વિક બજારો થયાં. ગૌણ દેખાતા ઉદ્યોગો વધુ ને વધુ મહત્વ ધારણ કરતા ગયા. ઔદ્યોગિક ક્રાંતિ પછી વાણિજ્યનો અદભુત કહી શકાય તેવો વિકાસ થયો. વીસમી સદીના ઉત્તરાર્ધમાં રાજકીય ક્ષેત્રે ભારે પરિવર્તનો આવ્યાં. અંગ્રેજીમાં ICE (Information, Communication and Entertainment)થી ઓળખાતાં માહિતી, સંદેશાવ્યવહાર અને મનોરંજનક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા. ખાસ કરીને ઇલેક્ટ્રૉનિક્સના સંશોધનને કારણે કૉમ્પ્યૂટર અને સિલિકોનને કારણે સંદેશાવ્યવહાર વડે વિશ્વને એક કરી શકે તેવી પરિસ્થિતિ પેદા થઈ. ઇન્ટરનેટ નામથી ટૅક્નૉલૉજીની મદદથી નવા જ પ્રકારના વાણિજ્ય-વિષયક વ્યવહારો શરૂ થયા. ઈ-મેઇલ, એસ-મેઇલ અને ક્રેડિટ-કાર્ડ આધારિત વ્યવહારોએ વાણિજ્યને વિકસાવવામાં મોટો ફાળો આપ્યો. એકવીસમી સદીની શરૂઆતમાં આ સંશોધનો પર આધાર રાખીને વાણિજ્ય હરણફાળ વિકાસ કરે તેવી શક્યતા પેદા થઈ છે. આ બધાંએ વાણિજ્યના વિકાસને વધારે ને વધારે ગતિમાન બનાવ્યો છે. આ બધાંને કારણે માલનું પ્રમાણીકરણ અને સંજ્ઞાકરણ એટલાં બધાં રૂઢિગત થઈ ગયાં છે કે માત્ર નામો લેવાથી વિશાળ પાયા પર માંગ અને સેવાની હેરફેર શક્ય બની છે. અનેક ચીજવસ્તુઓમાં સંગઠિત બજારો અસ્તિત્વમાં આવ્યાં છે અને વાણિજ્ય વધુ ને વધુ વિકસતું થયું છે. વિવિધ ક્ષેત્રમાં આવી રહેલાં સંશોધનો હજી પણ વાણિજ્યને વિકસતું રાખશે એવું ખાતરીપૂર્વક અનુમાન કરી શકાય.

અશ્વિની કાપડિયા