વાડેર, પ્રહલાદ બાપુરાવ (જ. 4 માર્ચ 1929, નિપાની, જિ. બેલગામ, કર્ણાટક) : મરાઠી લેખક. તેમણે 1959માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ. એ. અને 1977માં પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ મરાઠીના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા.

તેઓ 1988થી 1990 સુધી મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય સંસ્કૃતમંડળના સભ્ય; 1987-91 સુધી ભારતીય જ્ઞાનપીઠની સલાહકાર સમિતિના સભ્ય; અને 1986-90 સુધી વાઙ્મય કોશ પ્રૉજેક્ટના સંપાદક રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચંદન’ (1962); ‘વીજ’ (1977); ‘રક્ત ખૂન’ (1994) તેમના વાર્તાસંગ્રહો છે. ‘અનુભવ આણિ આવિષ્કાર’ (1988); ‘ના. શિ. ફડકે : એક ચિકિત્સક અભ્યાસ’ (1990) તેમના ઉલ્લેખનીય વિવેચનગ્રંથો છે. ‘સ્ત્રીહૃદય’ (1990) તેમનો લોકવાર્તાસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1968માં ગોવા કલા અકાદમી સાહિત્યિક ઍવૉર્ડ અને મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્યિક ઍવૉર્ડ પ્રાપ્ત થયેલા.

બળદેવભાઈ કનીજિયા