વાડેકર, દેવીદાસ દત્તાત્રય

January, 2005

વાડેકર, દેવીદાસ દત્તાત્રય (જ. 25 મે 1902, કરોલી-સિદ્ધેશ્વર, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ.?) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1926માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી પછી તેઓ મુંબઈ અને પુણે યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા.

તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આધુનિક માનસશાસ્ત્ર – ઇતિહાસ વ સંપ્રદાય’ (1951) અને ‘તર્કશાસ્ત્રાચી મૂલતત્ત્વેં – નિગમન’ (1963) એ માનવવિદ્યાની કૃતિઓનો તથા ‘મરાઠી તત્વજ્ઞાન  મહાકોશ 3 ગ્રંથો’(1975, જે સહયોગમાં તૈયાર કરાયેલ તત્વજ્ઞાનનો જ્ઞાનકોશ છે, તે)નો સમાવેશ થાય છે. અંગ્રેજી તથા મરાઠીમાં ‘ભારતીય માનસશાસ્ત્ર પરિભાષા’ (1944, માનવવિદ્યા અંગેની) કૃતિ અને અંગ્રેજીમાં ‘ભગવદગીતા  અ ફ્રેશ સ્ટડી’ (1928) તેમના બીજા ઉલ્લેખનીય ગ્રંથો છે.

મરાઠી સાહિત્યમાં ઉપર્યુક્ત પ્રદાન બદલ તેમને 1963માં મહારાષ્ટ્ર સરકારનો ઍવૉર્ડ અને 1975માં કેસરીમરાઠા ટ્રસ્ટનો ‘એન. સી. કેળકર ઍવૉર્ડ’ આપવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા