વાડેકર, અજિત (જ. 1 એપ્રિલ 1941, મુંબઈ) : 1971માં કૅરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડ પ્રવાસમાં ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરનાર ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન કપ્તાન. આખું નામ : અજિત લક્ષ્મણ વાડેકર.

અજિત વાડેકર

1.83 મીટર (6 ફૂટ) ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. પ્રસંગોપાત્ત, ડાબા હાથે મધ્યમ ઝડપી બૉલિંગ પણ તેઓ કરતા હતા.

આંતર વિશ્વવિદ્યાલયીન ક્રિકેટ અને રણજી ટ્રૉફી ક્રિકેટના તખ્તા તેમણે જંગી જુમલાઓથી ગજવ્યા હતા. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 1958થી 1975 દરમિયાન તેઓ મુંબઈ અને વેસ્ટ ઝોન તરફથી રમ્યા હતા અને 36 સદીઓ સાથે તેમણે 47.83ની સરેરાશથી કુલ 15,380 રન નોંધાવ્યા હતા. ‘હાર્ડ હીટર’ તરીકે તેઓ ‘હાફ વૉલી’ દડાને ફટકારવાનું ભાગ્યે જ ચૂકતા હતા. 1966-67માં રાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની શાનદાર બૅટિંગના પ્રતાપથી તેમણે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે મુંબઈ ખાતે 13મી ડિસેમ્બર, 1966ના રોજ પ્રથમ ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. 1967માં ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં અને 1967-68માં ઑસ્ટ્રેલિયા-પ્રવાસમાં તેમનો દેખાવ નોંધપાત્ર રહ્યો હતો. મેલબૉર્ન ખાતે બીજી ટેસ્ટમાં અજિત વાડેકર તેમની સૌપ્રથમ સદીના આરે પહોંચી 99 રને ‘નર્વસ નાઇન્ટીઝ’નો ભોગ બની સદી ચૂકી ગયા હતા; પરંતુ એ જ મોસમમાં ન્યૂઝીલૅન્ડ પ્રવાસમાં વેલિંગ્ટન ખાતે ત્રીજી ટેસ્ટમાં સાડાછ કલાક બૅટિંગ કરીને તેમણે ટેસ્ટ-કારકિર્દીની પ્રથમ સદી ફટકારતાં 143 રન નોંધાવ્યા હતા.

1970-71માં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં અજિત વાડેકર ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન બન્યા હતા અને તેમના નેતૃત્વ હેઠળ ભારતે પૉર્ટ ઑવ્ સ્પેન ખાતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ પર ઐતિહાસિક જીત મેળવી હતી અને પછી ટેસ્ટશ્રેણી જીતી હતી. 1971માં ઇંગ્લૅન્ડ પ્રવાસમાં ભારતે તેમના નેતૃત્વ હેઠળ ઓવલ ખાતે ત્રીજી ટેસ્ટ જીતીને બ્રિટિશ ભૂમિ પર ઐતિહાસિક ટેસ્ટ તથા શ્રેણીમાં વિજય મેળવ્યા હતા; પરંતુ 1974માં ઇંગ્લૅન્ડ-પ્રવાસમાં કપ્તાન તરીકે તેમને ભારે નામોશી મળી હતી. 16 ટેસ્ટમૅચોમાં ભારતનું નેતૃત્વ સંભાળી તેમણે ત્રણ ટેસ્ટશ્રેણીઓ જીતી હતી અને એક શ્રેણી ગુમાવી હતી. 1974માં વાડેકરે પ્રથમ કક્ષાના ક્રિકેટમાંથી નિવૃત્તિ સ્વીકારી હતી.

રણજી ટ્રૉફી સ્પર્ધામાં મુંબઈનું તેમણે દીર્ઘકાળ કપ્તાનપદ સંભાળ્યું હતું. 1966-67માં મૈસૂર સામેની રણજી મૅચમાં વાડેકરે મુંબઈ તરફથી 323 રનનો સર્વોચ્ચ વ્યક્તિગત જુમલો ખડક્યો હતો.

અજિત વાડેકર સ્ટેટ બૅન્ક ઑવ્ ઇન્ડિયામાં જનસંપર્ક વિભાગમાં જનરલ મૅનેજરના હોદ્દા પર હતા. 1994માં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના મૅનેજર બન્યા હતા. રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં અધ્યક્ષ અને સભ્ય તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

અજિત વાડેકરે 37 ટેસ્ટમૅચોના 71 દાવમાં 3 વાર અણનમ રહીને 31.07ની સરેરાશથી કુલ 2,113 રન નોંધાવ્યા હતા; જેમાં એક સદી (143) તથા 14 અર્ધસદી સામેલ હતી. તેમણે 46 કૅચ ઝડપ્યા હતા.

1968માં ભારત સરકાર દ્વારા તેમને અર્જુન ઍવૉર્ડ અને 1972માં ‘પદ્મશ્રી’ના ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1971 બાદ તેમણે ક્રિકેટ-વિષયક એક પુસ્તક પણ લખ્યું.

જગદીશ બિનીવાલે