વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી
January, 2005
વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી (જ. 1 સપ્ટેમ્બર 1864; અ. 19 જુલાઈ 1942) : ગુજરાતની લોકવિદ્યાના સંશોધન-સંપાદનના આરંભના તબક્કાનાં લેખિકા. તેમણે લોકગીત અને લોકકથાના સંપાદનનું કામ કરેલું છે. પિતા ધનજીભાઈ. પૂતળીબાઈએ એમની 17 વર્ષની વયે લેખનનો આરંભ કરીને અંત સુધી ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યની સેવા કરી હતી.
ગુજરાતમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનનો આરંભ ઓગણીસમી સદીના બીજા દશકાથી થઈ ચૂક્યો હતો. જેમ્સ ફૉર્બ્સે ઈ. સ. 1812માં લંડનથી પ્રકાશિત કરેલા ‘ઑરિયેન્ટલ મેમર્સ’ના સચિત્ર ચાર ભાગોમાં ગુજરાતી લોકસાહિત્યની કેટલીક મૂલ્યવાન સામગ્રી અંગ્રેજીમાં લિખિત રૂપે ઉપલબ્ધ કરી આપી. ઈ. સ. 1846માં ગુજરાતમાં આવીને વસેલા અને ગુજરાતી શીખેલા ફાર્બસ ઍલેક્ઝાન્ડર કિન્લોકે ઈ. સ. 1856માં ‘રાસમાળા’ના બે ભાગ પ્રકાશિત કર્યા, એ સાથે જ વિવિધ વિદેશી અને પારસી ગુજરાતી વિદ્વાનોએ આ ક્ષેત્રમાં પ્રદાન કર્યું. જેમ મુદ્રણકલા, વર્તમાનપત્ર, રંગભૂમિ તેમ લોકવિદ્યાકીય અધ્યયનક્ષેત્રે પણ ગુજરાતમાં પારસીઓનું નોંધપાત્ર પ્રદાન છે, એમાં વાડિયા પૂતળીબાઈનું પ્રદાન નવા વિદ્યાક્ષેત્ર અને અંગ્રેજી ભાષાના માધ્યમના કારણે વિશેષ નોંધપાત્ર છે.
પુરાતન વસ્તુઓની જેમ પરંપરાગત પુરાતન ગીતો અને કથાઓમાં પણ વહી ગયેલા કાળનાં પદચિહ્નો કાયમી સ્વરૂપમાં અંકાઈ જતાં હોવાને કારણે, આરંભના ગાળામાં, લોકવિદ્યાને માટે Folkloreને બદલે ‘ઍન્ટિક્વિટી’ શબ્દ વપરાતો હતો. એના વિશ્વક્ષેત્રના અભ્યાસને લક્ષમાં લઈને ઈ. સ. 1872માં કોલકાતામાંથી ‘ઇન્ડિયન ઍન્ટિક્વેરી’ નામનું જર્નલ પ્રકાશિત થતું રહ્યું. એમાં આરંભથી જ ડૉ. બ્યૂલર, જેમ્સ બર્ગેસ, એન્થૉવન, ગ્રિયર્સન, મેકૉલિફ, મૉનિયર વિલિયમ્સ, વિન્સેન્ટ સ્મિથ, રિચર્ડ ટેમ્પલ, તૉસ્સિતોરી, વૉટસન, કૅપ્ટન વેસ્ટ વગેરે વિદેશી વિદ્વાનોએ લોકવિદ્યાકીય સામગ્રી આપી તેમ ગુજરાતના ખંભાતા સોરાબજી કાવસજી, દિનશાહ અરદેશર, તાલિયારખાન અને વાડિયા પૂતળીબાઈ જેવાં પારસી અભ્યાસીઓએ પણ ગુજરાતની લોકવિદ્યાકીય સામગ્રી આપી. આ સામગ્રી અંગ્રેજી જેવી સેતુભાષામાં ઉપલબ્ધ બનતાં, લોકવિદ્યાકીય અભ્યાસના વૈશ્ર્વિક ક્ષેત્રમાં ગુજરાતની લોકવિદ્યાકીય સામગ્રીને પણ સ્થાન મળ્યું.
વાડિયા પૂતળીબાઈએ ‘ઇન્ડિયન ઍન્ટિક્વિટિઝ’ જર્નલમાં નિયમિત રીતે લખ્યું ને તેમનાં ‘પશ્ર્ચિમ ભારતમાં લોકવિદ્યા’, ‘નરસિંહ મહેતાનું મામેરું’, ‘ગુજરીનો ગરબો’, ‘ગુજરાતી લગ્નગીતો’ વગેરે લખાણો આમાં પ્રકાશિત થયાં. એમણે ગુજરાતી રચનાનો મૂળ પાઠ અને એનું અંગ્રેજી ભાષાન્તર આપ્યું તે સાથે જ આવી રચનાઓનાં ગાન કે કથનમાં ક્યાં કેટલી ભિન્નતા છે, તેની નોંધ પણ આપી. આ કાળે આ વિદ્યાક્ષેત્રની અને તેના સંપાદનની આટલી સ્પષ્ટ સમજ બહુ ઓછા અભ્યાસીઓમાં હતી. આથી ઇયત્તા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ એમનું આ પ્રારંભિક કાર્ય મૂલ્યવાન છે. એમણે પારસી લગ્નગીતોનો પણ સંચય આપ્યો છે, અને વીસેક કથાઓ પણ આપી. એમનાં અંગ્રેજી લખાણો પાંચ ભાગમાં છે અને તેમાં ત્રણેક હજાર જેટલાં ગીતોનો સંચય છે. ઇટાલીના કવિ પ્રો. માર્કો ઍન્ટૉનિયો કેનીનીએ એમના લોકવિદ્યાકીય અભ્યાસમાં પૂતળીબાઈ-સંપાદિત સામગ્રીનો ઉપયોગ કર્યો છે અને પૂતળીબાઈ-સંપાદિત સામગ્રીને એમણે ઝવેરાતના મૂલ્યની કહીને નવાજી છે.
ગુજરાતી સાહિત્યક્ષેત્રે પણ પૂતળીબાઈનું અર્પણ છે. આ યુગ શિક્ષણના પ્રસાર-પ્રચારનો અને સ્ત્રીઓના યુગાનુરૂપ અભિનવ ઘડતરનો હતો. આ હેતુથી જ સ્ત્રીવિષયક સામયિકોનું પ્રકાશન આરંભાયું. પૂતળીબાઈએ એમની સત્તર વર્ષની વયે ‘સ્ત્રીબોધ’ નામના સામયિકમાં પણ લખવાનું શરૂ કર્યું હતું. કથાત્મક અને પ્રેરણાત્મક પ્રકારના એમના લેખો ‘ટૂંકી કહાણીઓ’ નામે બે ભાગમાં ગ્રંથસ્થ છે. બીજા ભાગને તો શ્રેષ્ઠ અનુવાદનું મહીપતરામ નીલકંઠ પારિતોષિક પણ મળ્યું હતું. એમણે ‘મહારાણી વિક્ટોરિયાએ હાઇલૅન્ડમાં ગુજારેલી જિંદગીની વધુ નોંધો’ એવું લખાણ પણ આપ્યું છે.
હસુ યાજ્ઞિક