વાડિયા બ્રધર્સ : જે. બી. એચ. વાડિયા (જ. 13 સપ્ટેમ્બર 1901, મુંબઈ; અ. 4 જાન્યુઆરી 1986) અને હોમી વાડિયા (જ. 18 મે 1911, સૂરત). પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પછીથી બ્રિટિશ સરકાર માટે વહાણોનું નિર્માણ કરનારા લવજી વાડિયાના મોટા પુત્ર જમશેદ બોમન હોમીએ અનુસ્નાતક (એમ.એ., એલએલ.બી.) થયા પછી આઇસીએસની પરીક્ષાની તૈયારીઓ કરી હતી, પણ આંખો નબળી હોવાને કારણે તથા શારીરિક રીતે અયોગ્ય જાહેર થવાને કારણે તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં પ્રોફેસર બની ગયા. જોકે ચલચિત્રો અને તે માટે લેખનકાર્ય તેમને હંમેશાં આકર્ષતું રહ્યું. અંતે આ આકર્ષણને વશ થઈ તેમણે 1922માં ‘કોહિનૂર ફિલ્મ કંપની’ સાથે જોડાઈને આ ક્ષેત્રે પ્રવેશ કર્યો. બહુમુખી પ્રતિભા ધરાવતા જમશેદનું પહેલું ચિત્ર ‘વસંતલીલા’ હતું. એ દરમિયાન તેમના નાના ભાઈ હોમીએ પણ આ ક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય કર્યો. જમશેદે નાના ભાઈ હોમીને પોતાની સાથે કૅમરામૅન તરીકે કામ આપ્યું. બંને ભાઈઓ પરિવારના પરંપરાગત વ્યવસાયને બદલે ચિત્રનિર્માણ તરફ વળ્યા, તેને કારણે પરિવારનો ખૂબ રોષ તેમણે વહોરવો પડ્યો હતો. કોહીનૂરના નેજા હેઠળ જ તેમની પટકથા પરથી ‘બૉન્ડેજ’ ચિત્રનું નિર્માણ થયું.

ઘણાં મૂક ચિત્રો બનાવ્યાં બાદ બંને ભાઈઓએ 1933ની 13મી એપ્રિલે તેમની પોતાની નિર્માણસંસ્થા વાડિયા મૂવિટોનની સ્થાપના કરી. જોકે જે પ્રકારનાં ચિત્રો માટે વાડિયા જાણીતા બન્યા હતા તે સ્ટંટ-ચિત્રોમાં તેમનું પ્રથમ ચિત્ર ‘થન્ડરબોલ્ટ’ હતું. આ ચિત્રનાં કથા, પટકથા, છબિકલા વગેરેનું શ્રેય હોમી વાડિયાને આપવામાં આવ્યું હતું. એ પછી આ પ્રકારનાં અનેક ચિત્રો તેમણે બનાવ્યાં. આ પ્રકારનાં ચિત્રો માટે ખૂબ જાણીતી બનેલી કલાકાર જોડી નાદિયા અને જૉન કાવસ પણ વાડિયા બંધુઓની દેન હતી. 1934માં આ જોડીને લઈને બનાવેલું ચિત્ર ‘હન્ટરવાલી’ વ્યાવસાયિક રીતે ખૂબ સફળ થયું હતું એટલું જ નહિ, અભિનેત્રી નાદિયાની ઓળખ જ એ પછી ‘હન્ટરવાલી’ તરીકે થવા માંડી હતી !

વાડિયા બંધુઓએ મોટાભાગે સ્ટંટ-ચિત્રો અથવા તો ધાર્મિક કે તિલસ્મી કથાનક ધરાવતાં ચિત્રો બનાવ્યાં. આમાંનાં કોઈએ મહાન ચિત્રોની શ્રેણીમાં કદાચ સ્થાન નથી મેળવ્યું, પણ ભારતમાં ચિત્ર-ઉદ્યોગ જ્યારે પાંગરી રહ્યો હતો અને સૌ પોતપોતાની રીતે તેને મજબૂત કરી રહ્યા હતા ત્યારે વાડિયા બંધુઓએ પણ સતત નવા પ્રયોગો કરતા રહીને તેમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. તેમની છાપ સ્ટંટ-ચિત્રોના નિર્માતાઓની જ રહી છે, પણ તેમણે સામાજિક નિસબત ધરાવતાં ચિત્રો પણ બનાવ્યાં છે.

આ બંને ભાઈઓ આમ તો છેક 1941માં ‘રાજનર્તકી’ ચિત્રની નિષ્ફળતા પછી છૂટા પડી ગયા હતા. એ પછી હોમીએ ‘બસંત પિક્ચર્સ’ની સ્થાપના કરી હતી. આ સંસ્થાના નેજા હેઠળ પ્રથમ ચિત્ર ‘હન્ટરવાલી કી બેટી’ બનાવાયું હતું. પ્રારંભે સ્ટંટ-ચિત્રો બનાવાયાં બાદ હોમી વાડિયા ધાર્મિક અને પોશાક-ચિત્ર તરફ વળ્યા હતા. હોમીએ 1961માં અભિનેત્રી નાદિયા સાથે લગ્ન કર્યાં હતાં.

નોંધપાત્ર ચિત્રો : વાડિયા મૂવિટોન : ‘લાલે યમન’ (1933); ‘બાગે નિસાર’ (1934); ‘દેશદીપક’, ‘હન્ટરવાલી’ (1935); ‘ફૌલાદી મુક્કા’, ‘મિસ ફ્રન્ટિયર મેલ’ (1936); ‘હરીકેન હંસા’, ‘નૌજવાન’, ‘તુફાની ટારઝન’ (1937); ‘પંજાબ મેલ’ (1939); ‘રાજનર્તકી’ (1941); ‘રિટર્ન ઑફ તુફાનમેલ’ (1942); ‘કૃષ્ણભક્ત’ (1944); ‘મેલા’ (1948); ‘કૅપ્ટન કિશોર’ (1957); ‘દુનિયા ઝૂકતી હૈ’ (1960).

બસંત પિક્ચર્સ : ‘હન્ટરવાલી કી બેટી’, ‘મૌજ’ (1943); ‘ફ્લાઇંગ પ્રિન્સ’ (1946); ‘સ્ટંટ-ક્વીન’ (1947); ‘શ્રી રામભક્ત હનુમાન’ (1948); ‘ધૂમકેતુ’ (1949); ‘હનુમાન પાતાલ વિજય’ (1951); ‘જંગલી જવાહર’ (1952); ‘ગુલ સનોવર’ (1953); ‘અલીબાબા 40 ચોર’, ‘હાતિમતાઈ’ (1956); ‘માયા બઝાર’ (1958); ‘સંપૂર્ણ રામાયણ’, ‘ઝબક’ (1961).

હરસુખ થાનકી