વાડિયા, દારાશા નોશેરવાન (જ. 25 ઑક્ટોબર 1883, સૂરત; અ. 15 જૂન 1969) : મૂળ ગુજરાતી પારસી. ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના તેમના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે જાણીતા.
ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. 1903માં બી.એસસી. અને 1906માં એમ.એસસી. થયા. 1947માં દિલ્હી યુનિવર્સિટી અને 1967માં અલીગઢ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ ઉપાધિ તેમને આપી હતી.
1907થી 1920 સુધી તેમણે જમ્મુની પ્રિન્સ ઑવ્ વેલ્સ કૉલેજમાં ભૂસ્તરશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી. એ દરમિયાન તેઓ જિયૉલોજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના સદસ્ય બન્યા. 1921-1928 સુધી તેઓ જિયૉલોજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના વૈજ્ઞાનિક અધિકારી બન્યા. 1928-1935 સુધી તેમણે જીવાવશેષ વિજ્ઞાની (palaeontologist) તરીકે કાર્ય કર્યું. 1935-1938 સુધી મદદનીશ અધીક્ષક તરીકે સેવાઓ આપી. 1938-1944 સુધી શ્રીલંકાની સરકાર માટે ખનિજવિજ્ઞાની (mineralogist) અને ભૂસ્તરીય સર્વેયર તરીકે રહ્યા. 1945માં તત્કાલીન ભારત સરકારના ખનિજ (ભૂસ્તરીય) સલાહકાર તરીકે તેઓ જોડાયા.
1935માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો બન્યા. 1942 અને 1943માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના તેઓ અધ્યક્ષ બન્યા હતા. 1957માં રૉયલ સોસાયટી ઑવ્ જિયૉલોજીના ફેલો તરીકે ચૂંટાયા. તેઓ ભારતની ભૂસ્તરશાસ્ત્રીય ખનન અને ધાતુકર્મીય સોસાયટીના સ્થાપક સભ્ય તથા ભારતની જીવાવશેષ વિજ્ઞાન સોસાયટી, જર્મન ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટી અને બેલ્જિયન ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટીના સભ્ય તરીકે રહેલા. 1951-1952 દરમિયાન તેઓ ભારતની ભૂસ્તરશાસ્ત્રીય સોસાયટી અને રૉયલ એશિયાટિક સોસાયટીના અધ્યક્ષ તરીકે રહ્યા. 1960માં તેમણે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર ઓશનિક રિસર્ચના ચૅરમૅન તરીકેની જવાબદારી સંભાળેલી.
તેમને મળેલાં પદકોની યાદી લાંબી છે : 1934માં રૉયલ જિયોગ્રાફિકલ સોસાયટીનો ઍવૉર્ડ; 1943માં લંડનની જિયૉલોજિકલ સોસાયટીનો લાયલ ચંદ્રક, 1944માં ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ઍડવાન્સમેન્ટ ઑવ્ સાયન્સનો જયકિસાન ચંદ્રક; 1950માં નૅશનલ જિયૉગ્રાફિકલ સોસાયટીનો નહેરુ ચંદ્રક; 1958માં ‘પદ્મભૂષણ’નો ઇલકાબ; 1964માં મેઘનાદ સહા સુવર્ણચંદ્રક; 1964માં કોલકાતાની એશિયાટિક સોસાયટીનો ખેતાન સુવર્ણચંદ્રક; 1964માં કોલકાતા યુનિવર્સિટીનો સર્વાધિકારી સુવર્ણચંદ્રક તેમને મળેલા.
તેમણે કરેલા ભૂસ્તરશાસ્ત્રના વિષયના અભ્યાસ પૈકી કણજમાવટ, સ્તરવિદ્યા, ભારતીય વિસ્તારની ભૂસંચલનપ્રક્રિયા અને ભારતીય ખનિજસંપત્તિનો સમાવેશ થાય છે. તેમણે ભૂસ્તરશાસ્ત્ર વિષયનાં ઘણાં લોકભોગ્ય પુસ્તકો લખ્યાં છે. તેમણે 1919માં ‘જિયૉલોજી ઑવ્ ઇન્ડિયા’ પુસ્તક લખ્યું, ત્યારબાદ તેની કેટલીય આવૃત્તિઓ થઈ ચૂકી છે. 1929-34માં તેમણે ‘જિયૉલોજી ઑવ્ કાશ્મીર ઍન્ડ નૉર્થવેસ્ટ પંજાબ’ તથા 1932માં ‘સિન્ટેક્સિસ ઑવ્ ધ નૉર્થવેસ્ટર્ન હિમાલયાઝ’ પુસ્તકો પણ લખ્યાં છે. તેમણે રાષ્ટ્રની ખનિજસંપત્તિને લગતા 200 જેટલા સંશોધનલેખો પણ લખ્યા છે. આ લેખોમાં તાંબું, અબરખ અને યુરેનિયમના પારમાણ્વિક ખનિજો અને મોનાઝાઇટ જેવા ભારે ખનિજને લગતું ઘણું વૈજ્ઞાનિક સાહિત્ય તૈયાર કરેલું મળે છે.
પ્રહલાદ છ. પટેલ, ગિરીશભાઈ પંડ્યા